વડોદરામાં નશામાં ધુત પોલીસકર્મી ઝડપાયો, દારુબંધીના કાયદાના ઉડાવ્યા ધજાગરા
Vadodara News: ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો જાણે કોઈને ડર જ ન હોય તેમ, ખુદ ખાખીધારી જ કાયદાની મજાક ઉડાવી રહ્યા હોય તેવું ફરી એકવાર સામે આવ્યું છે. વડોદરા શહેરના ચાંપાનેર પોલીસચોકી પાસે ગઇકાલે રાત્રે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલ નશામાં ધૂત હાલતમાં ઝડપાયા હતા. તેમનું નામ સંજયસિંહ પ્રતાપસિંહ રાઠોડ છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડ દારૂના નશામાં લોકો સાથે ગાળાગાળી અને ઝઘડો કરી રહ્યા હતા. તેમનો વ્યવહાર એટલો અભદ્ર હતો કે સ્થાનિકોએ તેમનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું. આ જોતા જ પોલીસકર્મીએ વીડિયો ઉતારનારનો મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પોલીસે સંજયસિંહનું મોઢું સૂંઘતા તેમાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. તેમની આંખો પણ લાલઘૂમ હતી અને તેઓ લથડિયા ખાતા જોવા મળ્યા હતા. પંચની હાજરીમાં કરવામાં આવેલી તપાસમાં પોલીસકર્મીએ નશો કર્યો હોવાનું સાબિત થયું હતું.
વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે સંજયસિંહ સવારથી સાંજ સુધીની ડ્યુટી પર હતા અને ત્યાર બાદ તેઓ નાસ્તો લેવા માટે ચાંપાનેર દરવાજા ગયા હતા, જ્યાં હંગામો મચાવ્યો હતો. નશાની હાલતમાં પકડાયેલા આ પોલીસકર્મીને વધુ કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો છે. આ ઘટનાએ ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં તેના પાલન અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.