ખાડાથી પ્રજા ત્રાહિમામ : કમરના દુઃખાવાના કેસ 25% વધ્યા, ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
Ahmedabad Rain : ચોમાસાની સિઝન સાથે જ અમદાવાદમાં રસ્તામાં ખાડા પડવાની સિઝન પણ પૂરબહારમાં ખીલી ઉઠી છે. અમદાવાદમાં હાલ એવી સ્થિતિ છે કે રોડમાં ખાડો છે કે ખાડા વચ્ચે ક્યાંક-ક્યાંક રોડ છે તે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે. હાલમાં વાયરલ ફીવર-મચ્છરજન્ય બીમારીના ડૉક્ટરની સાથે ઓર્થોપેડિક ડૉક્ટર-ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં પણ લાંબી લાઇન જોવા મળે છે. આ એવા દર્દીઓ છે જેઓ ખાડાવાળા રસ્તામાં વાહન ચલાવવાને વાંકે કમર દર્દ, સ્પોન્ડિલાઇસિસની સમસ્યાનો શિકાર બન્યા છે.
ચોમાસા દરમિયાન દેડકા જોવા મળે કે ન મળે પણ રસ્તામાં ખાડા અવશ્ય જોવા મળતા હોય છે. આ વખતે પણ ચોમાસાની સાથે જ ખાડા-ભૂવાની સમસ્યામાં વધારો થવાનું શરુ થઈ ગયું છે. ગુજરાતમાં ચોમાસામાં સામાન્ય વરસાદમાં પાણી ભરવા અને ખાડા પડે નહીં ત્યાં સુધી ચોમાસું આવ્યું છે તેવું હવે લાગતું પણ નથી.
રોડ પરના ખાડાને લીધે ઓર્થોપેડિકને લોઅર બેક પેઇનના દદીઓના પ્રમાણમાં પણ વધારો થઈ ગયો છે. ખરાબ રોડ રસ્તાઓના કારણે લોકોમાં કમર દર્દ, કરોડરજ્જુ અને હાડકાંને લાગતા રોગોના શિકાર લોકો થયા છે. તેને લઈ ખાનગી હૉસ્પિટલોથી માંડીને સરકારી હૉસ્પિટલોમાં ઓર્થોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. અમદાવાદની અસારવા અને સોલા સિવિલમાં ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં કેસોનો ધરખમ વધારો જોવા મળ્યો છે. હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દરરોજ આવતાં 100માંથી સરેરાશ 60 દર્દી બેક પેઇનની સમસ્યા ધરાવનારા હોય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ, 21 દિવસમાં 44% મેઘમહેર, ગત વર્ષની તુલનાએ બમણો
રોડના ખાડાથી ડિસ્ક જોઇન્ટ્સ પર દબાણ વધે છે. જો આમ નિયમિતરૂપે થવા લાગે તો તે વધુ ગંભીર સમસ્યા સર્જે છે. ખાડાવાળા રોડમાં બેલેન્સ નહીં રહેવાથી અનેક લોકોને ફેક્ચર પણ થયાના કિસ્સા સામે આવે છે. કહેવાય છે, અમદાવાદ સ્માર્ટસિટી છે, પરંતુ ચોમાસામાં જે રીતે રસ્તાઓ ધોવાય છે તેને જોઈને સ્માર્ટ સિટીની પોલ ખૂલેલી જોવા મળી છે. એનસીઆરબીના અહેવાલ અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ખાડાને લીધે 400 વ્યક્તિના મૃત્યુ થયા છે.
ખાડા વચ્ચે પાકો રસ્તો આવી જાય તો ગભરાશો નહીં: સોશિયલ મીડિયામાં રમૂજ
જરૂરી સૂચના : વાહન ચલાવતી વખતે અચાનક પાકો રસ્તો વચ્ચે આવી જાય તો...ગભરાશો નહીં...ધીરજથી પરિસ્થિતિનો સામનો કરો! થોડી જ સેકન્ડમાં ખાડો ફરી આવી જ જશે...
- જો આમ ને આમ વરસાદ ચાલુ રહ્યો તો...રોડમાંથી ડામર, કપચી, મેટલ પછી મોહેંજો દારો, હડપ્પા સંસ્કૃતિના અવશેષો નીકળવાના ચાલુ થઈ જશે....
- આ તે કેવી બલિહારી... પ્રાઇવેટ કંપનીમાં કોઈ એક કર્મચારી સામાન્ય ભૂલ કરે તો પણ તેને પાણીચું પકડાવી દેવામાં આવે છે. પરંતુ દર વર્ષે નિયમિત રીતે ખાડાવાળા રોડ થતાં હોવા છતાં કોન્ટ્રાકટર સામે પગલાં પણ લેવાતા નથી...
રસ્તામાં ખાડા તો અનેક રોડ પર સ્ટ્રીટ લાઇટ બંધ : વાહનચાલકો પરેશાન
રોડ પરના ખાડાને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વાહનચાલક ટ્રાફિકના નિયમનો સહેજપણ ભંગ કરે તો તેને તેના માટે આકરો દંડ ચૂકવવો પડે છે. પરંતુ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રોડમાં 6 મહિના કે એક વર્ષમાં જ ખાડા પડવા લાગે તેમ છતાં તેની સામે કોઈ દંડ લેવાતો નથી કે બ્લેક લિસ્ટ પણ કરવાની તસ્દી લેવામાં આવતી નથી. અમદાવાદના અનેક રસ્તામાં તો સ્ટ્રીટ લાઇટ પણ બંધ અવસ્થામાં છે. જેના કારણે રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.