Gujarat

યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ, વતન પાછા ફરે તેવી ભીતિ

By GS TEAM
9 Mar 20263 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર ગુજરાતના બંદરો ઉપર દેખાવા લાગી છે. ગુજરાતના બે મહાબંદર કંડલા અને મુન્દ્રમાં બે હજારથી વધુ કન્ટેનરો અટવાયેલાં પડ્યાં છે. રાજ્યના પાંચ મુખ્ય સહિત કુલ 49 બંદરો ઉપર કાર્યરત હજારો શ્રમિકો હોળી પછી પાછા ફર્યાં નથી. તો, અંદાજે એક લાખથી વધુ શ્રમિકો હાલમાં બંદરો ઉપર કામગીરી લગભગ ઠપ હોવાથી રોજીરોટીના અભાવે પરત ફરે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. યુદ્ધથી સર્જાયેલી મંદીની અસર હજારો શ્રમિકોની રોજીરોટી ઉપર પણ પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ, વતન પાછા ફરે તેવી ભીતિ

Gujarat Ports Slowdown: મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર ગુજરાતના બંદરો ઉપર દેખાવા લાગી છે. ગુજરાતના બે મહાબંદર કંડલા અને મુન્દ્રમાં બે હજારથી વધુ કન્ટેનરો અટવાયેલાં પડ્યાં છે. રાજ્યના પાંચ મુખ્ય સહિત કુલ 49 બંદરો ઉપર કાર્યરત હજારો શ્રમિકો હોળી પછી પાછા ફર્યાં નથી. તો, અંદાજે એક લાખથી વધુ શ્રમિકો હાલમાં બંદરો ઉપર કામગીરી લગભગ ઠપ હોવાથી રોજીરોટીના અભાવે પરત ફરે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. યુદ્ધથી સર્જાયેલી મંદીની અસર હજારો શ્રમિકોની રોજીરોટી ઉપર પણ પડી રહી છે.

2000થી વધુ કન્ટેનરો અને અનેક જહાજો અટવાયા

ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે ભારતમાં પણ આયાત નિકાસને અસર પહોંચી છે. કચ્છના બે મહાબંદર કંડલા-મુન્દ્ર બંદરે 2000થી વધુ કન્ટેનરો અને અનેક જહાજો અટવાયેલાં પડ્યાં છે. યુદ્ધના કારણે વહાણોની અવરજવર પર પ્રતિબંધ મુકાતા  અને શિપિંગ કંપનીઓ દ્વારા પણ ઈન્સ્યોરન્સની રકમ વધારી દેવાતા આ સ્થિતિ જન્મી છે. નિકાસના કન્ટેનરોમાં ચોખાના શિપમેન્ટ, એલપીજી, બલ્ક કાર્ગો જેવા કે સલ્ફર અને જીપ્સમની હેરફેર અટકી છે. આ બંને મહત્ત્વના પોર્ટ પર આયાત નિકાસ વધુ થાય છે. પોર્ટના ટર્મિનલો પર હજારો કન્ટેનરો અટવાતા શિપિંગ વ્યવસાયકારો ચિંતિત બન્યા છે. 

આ પણ વાંચો: કંડલા-મુંદ્રા પોર્ટ પર DRIનો સપાટો, 21000 કરોડના કાળા નાણાં ભારત બહાર મોકલવાનું કૌભાંડ ઝડપ્યું

મિડલ ઈસ્ટના દેશોના નિકાસ માટેના કન્ટેનરો વહાણોમાં મુકી શકાતા નથી. જહાજ રવાનગીમાં મોકુફી, ઓપરેશનમાં વિલંબ અને ગેટ એક્ટિવિટીમાં સસ્પેન્સના કારણે લોજિસ્ટિક સેવાઓ ખોરવાઈ છે. ભારતમાંથી અનાજ, કેમિકલ અને એન્જિનિયરિંગનો સામાન ઉપરાંત તાજા ફળો, શાકભાજી મિડલ ઈસ્ટ અને યુરોપના દેશોમાં નિકાસ થાય છે. તો,જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન યુરોપના દેશોમાં ફળો અને શાકભાજીનું ઉત્પાદન ઘટતું હોય છે. એટલે, આ દરમિયાન ભારતમાંથી વધુ પ્રમાણમાં નિકાસ થાય છે તેને પણ અસર પહોંચી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાતમાં કુલ 49 પોર્ટસ છે તે પૈકીના કંડલા, મુન્દ્ર ઉપરાંત પિપાવાવ, દહેજ અને હજીરા બંદરો ઉપરથી આયાત, નિકાસ થાય છે તેને અસર પહોંચી છે. મોટાભાગના બંદરો ઉપર પરપ્રાંતિય શ્રમિકો મોટા પ્રમાણમાં કામ કરે છે. તાજેતરમાં જ હોળી- ઘૂળેટીના તહેવારો દરમિયાન ઘણાંખરાં શ્રમિકો પોતાના વતન ગયાં હતાં. વતન ગયેલાં શ્રમિકોમાંથી અનેક પરત ફર્યાં નથી અને યુદ્ધની સ્થિતિમાં કામ મળશે કે કેમ તે દ્વિધા વચ્ચે હાલમાં પરત ફરે તેવી સંભાવના જણાતી નથી. 

આયાત-નિકાસના સામાનની હેરફેરને લગભગ 40 ટકાથી વધુની અસર

બીજી તરફ, યુદ્ધથી બંદરો ઉપર આયાત અને નિકાસ માટેના માલસામાનની હેરાફેરી અટકી પડી હોવાથી તેમાં કામ કરતાં હજારો શ્રમિકોની રોજીરોટીને ઘેરી અસર પહોંચી છે. પ્રાથમિક તબક્કે જ ગુજરાતના બંદરો ઉપર આયાત-નિકાસના સામાનની હેરફેરને લગભગ 40 ટકાથી વધુની અસર પહોંચી ચૂકી છે. આ સ્થિતિમાં શ્રમિકો ઉપરાંત તેમને લાવતાં કોન્ટ્રાક્ટરો માટે નવરાઘૂપ બેસવાનો વખત આવ્યો છે. આ જ સ્થિતિ જળવાઈ રહી તો કચ્છ સહિત સમગ્ર ગુજરાતના બંદરો ઉપર કાર્યરત શ્રમિકોની રોજીરોટી અને આર્થિક માળખાને ઘેરી અસર પહોંચી રહી છે.