Gujarat

ચૂંટણી પ્રચારમાં નેતાઓનો વાણીવિલાસ: ભાજપ MLAએ કહ્યું- શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ?

By GS TEAM
14 Apr 20263 mins read
TukuTouch Logo
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મૂરતિયા પસંદ થઈ ચૂક્યા છે, ત્યારે હવે ચૂંટણી પ્રચાર વેગીલો બનાવવામાં આવી રહ્યો છે. જોકે, ચૂંટણીના પહેલા તબક્કામાં જ એવુ લાગી રહ્યું છે કે, શહેરની મૂળભૂત સમસ્યાઓને ભૂલીને ધારાસભ્યો, નેતાઓ, ઉમેદવારો વાણીવિલાસ પર ઉતરી આવ્યા છે. ચૂંટણી મુદ્દાને બદલે માત્ર ઉશ્કેરણીજનક નિવેદનબાજી કરી ચૂંટણી જીતવા ધમપછાડા કરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પ્રચારમાં નેતાઓનો વાણીવિલાસ: ભાજપ MLAએ કહ્યું- શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ?

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મૂરતિયા પસંદ થઈ ચૂક્યા છે, ત્યારે હવે ચૂંટણી પ્રચાર વેગીલો બનાવવામાં આવી રહ્યો છે. જોકે, ચૂંટણીના પહેલા તબક્કામાં જ એવુ લાગી રહ્યું છે કે, શહેરની મૂળભૂત સમસ્યાઓને ભૂલીને ધારાસભ્યો, નેતાઓ, ઉમેદવારો વાણીવિલાસ પર ઉતરી આવ્યા છે. ચૂંટણી મુદ્દાને બદલે માત્ર ઉશ્કેરણીજનક નિવેદનબાજી કરી ચૂંટણી જીતવા ધમપછાડા કરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

ભાજપના ધારાસભ્ય ભાન ભૂલ્યા

ઉમેદવારોની પસંદગી પછી બધા રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી પડ્યા છે. ભાજપે સ્ટાર પ્રચારકોને કામે લગાડ્યા છે, જ્યારે કોંગ્રેસ નેતાઓ હજુ ભૂગર્ભમાંથી બહાર આવ્યા નથી. આપના નેતાઓ સુરત સહિત અમુક મત વિસ્તાર સુધી જ સીમિત બની શક્યા છે. આ સંજોગો વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાઇમલાઇટમાં આવવા ભાજપના ધારાસભ્યોના વિવાદાસ્પદ નિવેદનબાજીનો સહારો લેવો પડ્યો છે.

ભાજપે ધારાસભ્યોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કામ સોંપ્યું છે જેના ભાગરુપે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણી સુરતમાં ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા છે. તેણે જ્યારે સોશિયલ મીડિયા પર વિકાસ કાર્યો વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના એક કાર્યકરે એવી રાજકીય ટીખળ કરી કે, પ્રજાના ટેક્સના પૈસે કામ કરો એમાં શું નવાઈ? આ જોઈ કાનાણી રીતસર ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે કહ્યું કે, 'અમે પ્રજાના પૈસે જ કામ કરીએ છીએ. યોગ્ય જગ્યાએ કામ કરીએ છીએ. પૈસા ખવાતા નથી. પૈસાનો હિસાબ પણ આપીએ છીએ. પણ તું સત્તા પર આવીશે તો તારા બાપાના પૈસે વિકાસના કામો કરીશ.' કુમાર કાનાણીએ આ નિવેદન કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો: નવસારીમાં રાજકીય ભૂકંપ! ગણદેવીમાં મેન્ડેટ ન મળતા કોંગ્રેસના 20 ફોર્મ રદ, ભાજપનું ક્લીન સ્વીપ

ભાજપના શાસકોની ફરી ઉશ્કેરણીજનક નિવેદનબાજી 

બીજી તરફ ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડિયાના પત્નિ કોકિલાબહેન કાકડિયાએ પણ નિવેદનબાજી કરતાં ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલી જિલ્લામાં ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે કોકિલાબહેન ભાજપના સમર્થકો સાથે હાજર હતા. તે વખતે તેમણે સરકારની કામગીરીના વખાણ કર્યાં સાથે સાથે એવું વિવાદાસ્પદ બોલ્યા કે, ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝુંબેશ શરૂ કરી છે. આ નિવેદનને પગલે સ્થાનિકોએ ભાજપના ધારાસભ્યની પત્ની સામે સવાલો કર્યા છે. ટૂંકમાં, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મૂળ મુદ્દા ભૂલાવી ભાજપના શાસકો હવે ફરી ઉશ્કેરણીજનક નિવેદનબાજી કરી વાણીવિલાસનો સહારો લેવા મજબૂર બન્યા છે.

કોંગ્રેસને ભાજપે જ ઉમેદવારો આપ્યા છે 

હજુ તો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે ત્યાં નેતાઓના વિવાદભર્યા બોલથી મતદારોની મૂંઝવણ વધી છે. રાજકોટમાં એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એવું ચોંકાવનારુ નિવેદન કર્યું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસનેતો ઉમેદવારો પણ જડતા ન હતા. આ કારણોસર ભાજપે કોંગ્રેસને ઉમેદવારો આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી તો આરોપ મૂકી રહી છે કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. જોકે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યુંકે, ભાજપના ધારાસભ્યનુ આ નિવેદન માનસિક અસ્થિરતાનું પ્રતિબિંબ છે.