ગુજરાતના રાજકારણમાં માહોલ ઠંડો: કમલમ્-કોંગ્રેસ કચેરીઓ સૂમસામ : નેતાઓ નવરાધૂપ
Gujarat Politics : ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે ઉભી થયેલી તણાવભરી સ્થિતીને પગલે ગુજરાતના રાજકારણનું ચિત્ર બદલાયુ છે. ગમે તે ઘડીએ ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તે વાત હાલ પડતી મૂકાઇ છે. સાથે સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંક પણ અનિશ્ચિત બની છે. આ ઉપરાંત મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા હાઇકમાન્ડે નવુ જીલ્લા માળખુ બનાવવા પૂરજોશમાં તૈયારીઓ આદરી હતી પણ આ મુદ્દો યુદ્ધને કારણે રખડી પડ્યો છે. ટૂંકમાં, ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં ગુજરાતનું રાજકારણ પણ ઘવાયું હોય તેવી સ્થિતી પરિણમી છે. અત્યારે કમલમ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી પણ સૂમસામ ભાસી રહી છે. કાર્યકરો પણ હાલ નવરાધૂપ બન્યાં છે. હાલ માત્ર ચોરે ને ચૌટે યુદ્ધની ચર્ચા ચાલી રહી છે જેથી ગુજરાતનું રાજકારણ કોરાણે મૂકાયુ છે.
મંત્રીમંડળનું વિસ્તરણ ઘોંચમાં, કોંગ્રેસનું જીલ્લા માળખું રખડી પડ્યું
યુદ્ધ પહેલાં ગુજરાતમાં રાજકારણ હોટ ટોપિક બની રહ્યું હતું કેમ કે, ખુદ મુખ્યમંત્રી દિલ્હી આંટો મારી આવ્યા હતાં અને વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. તે વખતે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનુ છે એવી અફવાએ જોર પકડ્યુ હતું. રાજકીય પંડિતોનું માનવુ છેકે, જે રીતે હાલ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું શાસન ચાલી રહ્યુ છે તે જોતાં હવે મંત્રીમંડળમાં બદલાવ કરવો જરુરી બન્યો છે તેમ ખુદ ભાજપના ધારાસભ્યોથી માંડીને બિલ્ડર લોબી-વેપારી આલંમમાં ગણગણાટ ચાલી રહ્યો છે. પણ યુદ્ધની સ્થિતીને પગલે હાલ મંત્રીમંડળની વાત પર પૂર્ણવિરામ મૂકી દેવાયુ છે. મંત્રી બનવા થનગની રહેલાં ધારાસભ્યો પણ પ્રાર્થના રહી રહ્યાં છેકે, સરહદે શાંતિ થાય તો, કઇંક મેળ પડે.
પ્રદેશ પ્રમુખ ક્યારે નિમાશે તે અનિશ્ચિત બન્યું
આ ઉપરાત ભાજપના સંગઠનને નવો ઓપ તો આપી દેવાયો છે. મંડળપ્રમુખથી માંડીને જીલ્લા પ્રમુખની નિયુક્તિ કરી દેવાઇ છે પણ ગુજરાત ભાજપનું સુકાન કોને સોંપવુ તે હજી નક્કી થઇ શક્યુ નથી. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંક માટે દિલ્હીમાં હાઇકમાન્ડની બેઠકો પણ યોજાઇ ગઇ છે. હવે માત્ર લીલીઝંડી મળે એટલી જ વાર છે. હવે સરહદે તણાવભરી સ્થિતી છે ત્યારે પ્રદેશ પ્રમુખ ક્યારે નિમાશે તે અનિશ્ચિત બન્યુ છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોગ્રેસમાં આમૂલ પરિવર્તન લાવવા બીડુ ઝડપ્યુ છે.
ગુજરાતનું રાજકારણ જાણે લકવાગ્રસ્ત બન્યું
ગુજરાતની બે ત્રણ મુલાકાત લઇને જીલ્લા કોંગ્રેસનુ માળખુ બનાવવા આદેશ આપ્યો હતો. પ્રભારી-નીરીક્ષકોએ જે તે જીલ્લા-શહેર પ્રમુખ માટે કાર્યકરોનો મત સુઘ્ધાં જાણી લીધો હતો. પણ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાતાં કોંગ્રેસની આ આખીય કવાયત પર પાણી ફરી વળ્યુ છે. વાત અધવચ્ચે અટકી ગઇ છે. હવે યુદ્ધની સ્થિતી થાળે પડે પછી જ કઇક આગળ વધે તેમ છે.આમ, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાતાં ગુજરાતનું રાજકારણ જાણે લકવાગ્રસ્ત બન્યુ છે. કારણ કે,બધાયનું ઘ્યાન સરહદે ખેંચાયુ છે. સરકાર અને તંત્ર પણ યુદ્ધની સ્થિતી સર્જાય તો તેની તકેદારીના પગલાં લેવાના કામે લાગી છે. આ કારણોસર રાજકીય ગતિવિધિ શૂન્ય થઇ છે.
યુદ્ધને કારણે વિસાવદરની પેટાચૂંટણીના પ્રચારમાં પંચર પડ્યું, ભાજપને આશા જાગી
કડી અને વિસાવદરની પેટાચૂંટણી હજુ જાહેર થઇ નથી. જોકે, આમ આદમી પાર્ટીએ તો ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરીને ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. પણ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતીને પગલે પેટાચૂંટણીના પ્રચારમાં જાણે પંચર પડ્યુ છે. હાલ બધાનું ઘ્યાન યુદ્ધ તરફ આકર્ષિત થયુ છે તે જોતાં પેટાચૂંટણીનો પ્રચાર લગભગ ફિક્કો પડ્યો છે. રાજકીય પક્ષોના કાર્યકરોને પણ પેટાચૂંટણીમાં નહી, યુદ્ધની સ્થિતી જાણવામાં રસ જાગ્યો છે. નિરસ જોકે, ભાજપને એવી આશા જાગી છેકે, વિસાવદર અને કડી પેટાચૂંટણીમાં ભારત-પાકિસ્તાન યુદ્ધનો રાજકીય લાભ મળી શકે છે.