અમદાવાદ,સોમવાર
ગુજરાતમાં ચાઇનીઝ દોરીનું સૌથી મોટુ કૌભાંડ ચલાવનાર વિરેન પટેલની ધરપકડ બાદ અનેક મોટા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હજારો પક્ષીઓ અને નિર્દોષ લોકોના જીવને જોખમ ઉભુ કરનાર વિરેન પટેલ વિરૂદ્ધ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે પોલીસે પણ વિરેન પટેલ વિરૂદ્ધ ગાળિયો મજબુત કરવા માટે સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં તેના એજન્ટો વિરૂદ્ધના ગુનાઓમાં વિરેન પટેલને મુખ્ય આરોપી બનાવીને કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.
સેલવાસમાં આવેલી ફેક્ટરીમાં ગેરકાયદે હજારોની સંખ્યામાં ચાઇનીઝ દોરી તૈયાર કરીને સમગ્ર ગુજરાતમાં ચાઇનીઝ દોરીનું અત્યાર સુધીનું સૌથી મોટુ નેટવર્ક તૈયાર કરનાર વિરેન પટેલની ધરપકડ બાદ ચાઇનીઝ દોરીના કારોબારમાં સકળાયેલા અને વિવિધ શહેરોમાં ફેલાયેલા ૧૦૦થી વધુ એજન્ટોની યાદી પણ મળી છે. પોલીસને તમામ એજન્ટો અંગે મહત્વના પુરાવા પણ મળ્યા છે. ત્યારે એજન્ટો વિરૂદ્ધ નોંધવામા ંઆવતા ગુનામાં મુખ્ય આરોપી તરીકે વિરેન પટેલને રાખવામાં આવશે. આમ, વિરેન પટેલ વિરૂદ્ધ આગામી દિવસોમાં રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમં ૧૦૦ જેટલા ગુના નોંધાઇ શકે છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારીએ જણાવ્યું કે અમદાવાદ ગ્રામ્યના ચાર પોલીસ સ્ટેશન સહિત વિરેન પટેલ વિરૂદ્ધ છ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઇ ચુક્યા છે. જેથી તેના ગુનાની ગંભીરતાને આધારે તેના વિરૂદ્ધ પાસા હેઠળ પર કાર્યવાહી કરવામાં આવશે.સુત્રોના જણાવ્યા મુજબ સેલવાસમાં ફેક્ટરીમાં ગેરકાયદે ચાઇનીઝ દોરીના ઉત્પાદન મામલે સેલવાસના સ્થાનિક તંત્રની મિલીભગતની શક્યતા છે. જે અંગે પણ વિરેન પટેલ અને તેની સાથે સંકળાયેલા સ્થાનિક વ્યક્તિઓની પુછપરછ કરવામાં આવશે.


