Get The App

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત DGPનો મોટો નિર્ણય, રાષ્ટ્ર વિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન કરવા આદેશ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત DGPનો મોટો નિર્ણય, રાષ્ટ્ર વિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન કરવા આદેશ 1 - image


Gujarat Police: દિલ્હી બ્લાસ્ટની ઘટના પછી ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સોમવારે (17મી નવેમ્બર) રાજ્યના તમામ પોલીસ કમિશ્નરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો(SP)ને એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. રાજ્ય પોલીસ વડાએ આ આદેશ કરતાં કહ્યું છે કે, છેલ્લા ત્રણ દાયકામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં ઝડપાયેલા હિસ્ટ્રીશીટર્સનું આગામી 100 કલાકમાં જ એક ડોઝિયર તૈયાર કરવામાં આવે. 

રાજ્ય પોલીસ વડાના આદેશ પ્રમાણે, ગુજરાતના તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાને તાત્કાલિક ધોરણે એવા આરોપીઓની ઓળખ કરવા તેમજ ચકાસણીની પ્રક્રિયા શરુ કરવા સૂચના અપાઈ છે, જેની છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના કોઈપણ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત કેસોમાં નોંધણી થઈ હોય.

આ દિશામાં તપાસ હાથ ધરનારા તમામ પોલીસ અધિકારીઓને સૌ પ્રથમ આવા તમામ લોકોની પ્રાથમિક સૂચિ તૈયાર કરવાની રહેશે. ત્યાર પછી તે દરેક વ્યક્તિની સ્થિતિ, પૃષ્ઠભૂમિ અને વર્તમાન પ્રવૃત્તિઓની પુષ્ટિ કરવા માટે વિગતવાર ચકાસણીની કવાયત્ પણ કરવી પડશે. આ અંગે રાજ્ય પોલીસ વડાએ ભારપૂર્વક જણાવ્યું છે કે, 'આ ચકાસણી પ્રક્રિયા સંપૂર્ણ હોવી જોઈએ, જેમાં રૅકોર્ડ-ચેકિંગ, ફિલ્ડ પૂછપરછ અથવા કેસ હિસ્ટરીની પુષ્ટિમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. આ ચકાસણી એકવાર પૂર્ણ થઈ જાય, પછી પોલીસ યુનિટોએ અંતિમ સંકલિત ડોઝિયર તૈયાર કરવાનું રહેશે. આ અંતિમ અહેવાલમાં અપડેટેડ પ્રોફાઇલ્સ, કેસની વિગતો સામેલ હોવી જોઈએ, જે આગામી 100 કલાકમાં રાજ્ય પોલીસ વડાને સુપરત કરવાની રહેશે.'

આ અંગે એક ઉચ્ચ પોલીસ અધિાકરીએ જણાવ્યું હતું કે 'આ કવાયતનો હેતુ રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ ગણાતા ગુના સાથે જોડાયેલા વ્યક્તિઓના રાજ્ય-સ્તરના ડેટાબેઝને અપડેટ રાખવાનો તેમજ વિવિધ જિલ્લામાં દેખરેખની પદ્ધતિને મજબૂત બનાવવાનો છે.


Tags :