રાજ્યના પોલીસ અધિકારીઓની રજાઓ રદ, તાત્કાલિક ફરજ પર હાજર થવા DGPનો આદેશ
Gujarat Police : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઇક કરી છે. તો બીજી તરફ ગુજરાતના 18 જિલ્લાઓમાં 7 મેના રોજ સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અને સાંજે 7.30 થી 9:00 વાગ્યા દરમિયાન ઝોન વાઇઝ બ્લેક આઉટની કાર્યવાહી થઈ રહી છે. તેવામાં ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. આ મામલે રાજ્યની DGP ઓફિસ દ્વારા આજે બુધવારે (7 મે, 2025) આદેશ કરવામાં આવ્યો છે. જેમાં રજા પર ગયેલા અધિકારીઓને હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે આગામી મહિનામાં રથયાત્રાને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસે અધિકારી-પોલીસકર્મીની આગામી 20થી 30 જૂન, 2025 સુધી તમામ પ્રકારની રજાઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીઓની રજા રદ
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યના રજા પર ગયેલા પોલીસ અધિકારીઓને હાજર આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસ વિભાગના પરિપત્ર મુજબ, શહેર-જિલ્લા ખાતે ફરજ બજાવતા અધિકારીઓઓને મંજૂર થયેલી રજાઓ આકસ્મિત સંજોગોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આમ સબંધિત અધિકારીઓને રજા પરથી તાત્કાલિક ફરજ પર હાજર થયા બાદ પોલીસ વિભાગમાં જાણ કરવા જણાવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બ્લેકઆઉટ શરૂ થયું, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમામ લાઈટો કરાઈ બંધ
રથયાત્રાને લઈને આ દિવસે પોલીસ અધિકારી-કર્મચારીની રજા પર પ્રતિબંધ
પોલીસ વિભાગના પરિપત્ર મુજબ, રાજ્યમાં આગામી મહિનાની 27 જૂન, 2025ના રોજ રથયાત્રા નીકળવાની હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસે તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની ખાસ અનિવાર્ય સંજોગો સિવાયની રજા પર આગામી 20થી 30 જૂન, 2025 સુધી તમામ પ્રકારની રજા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો અનિવાર્ય કારણોસર રજા લેવાની જણાય તો કચેરીના વડાને જાણ કરીને મંજૂરી લેવાની રહેશે.