Get The App

નાગરિકો માટે નવી સુવિધા: 'X' પર ફરિયાદનું ગુજરાત પોલીસ લાવશે નિરાકરણ, અનેક સમસ્યાઓનું કલાકોમાં નિરાકરણ

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
નાગરિકો માટે નવી સુવિધા: 'X' પર ફરિયાદનું ગુજરાત પોલીસ લાવશે નિરાકરણ, અનેક સમસ્યાઓનું કલાકોમાં નિરાકરણ 1 - image


GP-SMASH, Gujarat Police : ટેક્નોલોજીના યુગમાં મોટાભાગના લોકો પોતાની વાતને અભિવ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા માધ્યમનો ઉપયોગ કરે છે. જેમાં લોકો પોતાની વાત સરકાર, તંત્ર કે સંબંધિત વ્યક્તિને પહોંચાડવા માટે વિવિધ સોશિયલ મીડિયા માધ્યમ પર પોસ્ટ કરીને રજૂઆત કરતાં હોય છે. આમ 'X' સોશિયલ મીડિયા માધ્યમ પર નાગરિકો દ્વારા કરાતી રજૂઆતનું નિરાકરણ લાવવા માટે ગુજરાત પોલીસે નવો અભિગમ અપનાવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સાંભળીને યોગ્ય અધિકારી સુધી પહોંચાડવામાં આવશે. ગુજરાત પોલીસના ઓફિશિયલ 'X'હેન્ડલને ટેગ કરી જણાવેલી સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગુજરાત પોલીસ-સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ (GP-SMASH)ની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ 24*7 રિયલ ટાઈમ માટે કાર્યરત કવામાં આવી છે. 

નાગરિકો માટે નવી સુવિધા: 'X' પર ફરિયાદનું ગુજરાત પોલીસ લાવશે નિરાકરણ, અનેક સમસ્યાઓનું કલાકોમાં નિરાકરણ 2 - image

રાજ્યગૃહ વિભાગની માહિતી મુજબ, ગુજરાત પોલીસ દ્વારા 1લી માર્ચથી શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત ત્રણ મહિનામાં 335 ફરિયાદો મળી છે. જેમાં 310નો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. આમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતી ગુના સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ નાગરિકોની ફરિયાદોને GP-SMASHની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ 24*7 રિયલ ટાઈમમાં ટ્રેસ કરવામાં આવે છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવાઓ 6 થી 10 જૂન સુધી બંધ રહેશે

GP-SMASH કેવી રીતે કાર્ય કરે છે?

GP-SMASH સોશિયલ મીડિયા અવેરનેસ તેમજ મોનિટરીંગ પ્રોજેક્ટ છે, જેમાં સ્ટેટ લેવલથી એક ડેડિકેટેડ ટીમ 24*7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થતી પોલીસ વિભાગને સ્પર્શતી અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ, ફરિયાદો કે સારા કાર્યને રિયલ ટાઈમ વોચ કરે છે. આ ટીમ ગુજરાત પોલીસના 'X' હેન્ડલ ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીની મિનિટોમાં રિસ્પોન્સ આપે છે. ત્યારબાદ લૉ એન્ડ ઓર્ડર, ટ્રાફિક સમસ્યા, પ્રોહીબિશન, સાયબર ફ્રોડ, સરકારી અધિકારી કર્મચારી દ્વારા લાંચ માંગણી કે દુર્વ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક સંબંધિત રેન્જ, જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે. આ પોસ્ટ અંગે શું કાર્યવાહી કરી તે અંગે પણ સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડા તેમની ટીમને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપશે અને સમય મર્યાદામાં તેમણે કરેલી કામગીરી કે લીધેલા એક્શન તે જ પોસ્ટ પર કોમેન્ટ કરી અપડેટ કરે છે.

Tags :