Gujarat

ગુજરાતમાં ઇંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઇંગના કારણે અફરાતફરી

By GS TEAM
26 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં હાલમાં પેટ્રોલ-ડીઝલની અછતને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ખોટી અફવાઓ અને પેનિક બાઈંગને કારણે રાજ્યના કેટલાક પેટ્રોલ પંપો પર થોડા સમય માટે સ્ટોક ખાલી થવાની સ્થિતિ સર્જાઈ રહી છે, પરંતુ રાજ્ય સરકાર અને ઓઇલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં ઇંધણની કોઈ કમી નથી પરંતુ લોકોના પેનિક બાઇંગના કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ઇંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઇંગના કારણે અફરાતફરી

Gujarat Petrol Diesel Shortage Reality: ગુજરાતમાં હાલમાં પેટ્રોલ-ડીઝલની અછતને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ખોટી અફવાઓ અને પેનિક બાઈંગને કારણે રાજ્યના કેટલાક પેટ્રોલ પંપો પર થોડા સમય માટે સ્ટોક ખાલી થવાની સ્થિતિ સર્જાઈ રહી છે, પરંતુ રાજ્ય સરકાર અને ઓઇલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં ઇંધણની કોઈ કમી નથી પરંતુ લોકોના પેનિક બાઇંગના કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે. 

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સ્પષ્ટતા

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો અને નો સ્ટોકના બોર્ડ જોવા મળતાં લોકોમાં ચિંતાનો માહોલ હતો. જોકે, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ કોઈ માળખાકીય અછતને કારણે નહીં, પરંતુ પેનિક બાઇંગ અને તેના કારણે વેચાણમાં થયેલા 80 ટકાથી વધુના માસિક વધારાને લીધે સર્જાઈ છે. જેવો પેટ્રોલ પંપ પર નવો સ્ટોક આવે છે, તે તરત જ વેચાઈ જાય છે. જેને કારણે ટર્મિનલ પરથી નવો જથ્થો ન આવે ત્યાં સુધીના ટૂંકા ગાળા માટે પંપો ડ્રાય જોવા મળી રહ્યા છે.

વાહનચાલકો માટે કોઈ જ નિયંત્રણો નથી

રાજ્ય સરકારે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે, સામાન્ય નાગરિકો માટે વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવવા પર કોઈ જ પ્રતિબંધ કે મર્યાદા લાદવામાં આવી નથી. ખેતીવાડીના હેતુ માટે બેરલમાં 200 લીટર સુધી ડીઝલ આપવાની મંજૂરી છે. મોબાઇલ ટાવર્સ માટે 1,000 લીટર સુધી અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઔદ્યોગિક જરૂરિયાતો માટે અગાઉના વપરાશના આધારે ડીઝલનો જથ્થો મળતો રહેશે.

આ પણ વાંચો : તાત્કાલિક કિવ શહેર ખાલી કરો! વિદેશી નાગરિકોને રશિયાનું અલ્ટિમેટમ, ભયાનક હુમલાની ધમકી

પરિસ્થિતિને થાળે પાડવા સરકાર એક્શન મોડમાં

ઇંધણનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે પુરવઠા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. દરેક જિલ્લામાં કયા પેટ્રોલ પંપ પર સ્ટોક ઓછો છે તેનું રીઅલ-ટાઇમ મેપિંગ કરવામાં આવી રહ્યું છે. IOCL, BPCL અને HPCL જેવી સરકારી ઓઇલ કંપનીઓ સાથે રોજ સમીક્ષા બેઠક યોજીને જ્યાં સ્ટોક ઓછો હોય ત્યાં પ્રાધાન્યના ધોરણે ટેન્કરો રવાના કરવા સૂચના અપાઈ છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ જિલ્લા સપ્લાય ઑફિસરોને ઈન્વેન્ટરી પર નજર રાખવા અને ઇંધણના ગેરકાયદે વેચાણ કે સંગ્રહખોરી સામે કડક પગલાં લેવા આદેશ અપાયા છે.

સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા અપીલ

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠાની સ્થિતિ એકદમ સામાન્ય છે. સોશિયલ મીડિયા પર ઇંધણની અછત અંગે ચાલી રહેલી ખોટી અફવાઓ પર નાગરિકોએ વિશ્વાસ ન કરવો અને જરૂરિયાત પૂરતું જ ઇંધણ ખરીદવા માટે અપીલ કરવામાં આવી છે. સરકારે ઉમેર્યું છે કે જો કોઈ વિસ્તારમાં પેટ્રોલ પંપ ડ્રાય થવાની ફરિયાદ મળે છે, તો તંત્ર અને ઓઇલ કંપનીઓ દ્વારા તાત્કાલિક તેની ખરાઈ કરીને ત્યાં નવો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. આથી જનતાએ ગભરાવાની કોઈ જરૂર નથી.