Gujarat

ગુજરાતમાં જળસંકટનો ભય: 207માંથી 147 ડેમ અડધા ખાલી, ચોમાસું લાંબુ ખેંચાશે તો શું થશે?

By GS TEAM
28 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ઉનાળાની સીઝન પૂર્ણ થવાના આરે છે, ત્યારે રાજ્ય પર પાણીનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ 15મી જૂન છે અને ગત વર્ષે 16મી જૂને મેઘરાજા પધાર્યા હતા. જોકે, આ વર્ષે બંગાળની ખાડી અને આંદામાન દરિયામાં ચોમાસાની ગતિની શરૂઆત ખૂબ જ ધીમી રહેતા ચોમાસું અનિશ્ચિત બન્યું છે. જો ચોમાસું વધુ ખેંચાય અને જુલાઈ મહિનામાં જળાશયોમાં ધોધમાર પાણીની આવક શરૂ ન થાય, તો રાજ્યમાં ગંભીર જળસંકટ ઊભું થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં જળસંકટનો ભય: 207માંથી 147 ડેમ અડધા ખાલી, ચોમાસું લાંબુ ખેંચાશે તો શું થશે?

Gujarat Water Crisis: ગુજરાતમાં ઉનાળાની સીઝન પૂર્ણ થવાના આરે છે, ત્યારે રાજ્ય પર પાણીનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ 15મી જૂન છે અને ગત વર્ષે 16મી જૂને મેઘરાજા પધાર્યા હતા. જોકે, આ વર્ષે બંગાળની ખાડી અને આંદામાન દરિયામાં ચોમાસાની ગતિની શરૂઆત ખૂબ જ ધીમી રહેતા ચોમાસું અનિશ્ચિત બન્યું છે. જો ચોમાસું વધુ ખેંચાય અને જુલાઈ મહિનામાં જળાશયોમાં ધોધમાર પાણીની આવક શરૂ ન થાય, તો રાજ્યમાં ગંભીર જળસંકટ ઊભું થઈ શકે છે.

ડેમોની સ્થિતિ ચિંતાજનક

રાજ્યના જળસંગ્રહના આંકડાઓ અત્યંત ચિંતાજનક ચિત્ર રજૂ કરી રહ્યા છે. ગુજરાતના કુલ 207 ડેમોમાંથી 147 ડેમો અત્યારે અડધા કે તેથી વધુ ખાલી થઈ ચૂક્યા છે. માત્ર 12 ડેમો જ એવા છે જ્યાં 70%થી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે. ઉનાળાના બે માસ દરમિયાન આ ડેમોમાંથી 18.46 ટકા પાણીનો વપરાશ થયો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી!

સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ સૌથી વધુ નાજુક

પાણીની તંગીની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હવે માત્ર 34.91% એટલે કે 31,915 MCFT પાણી જ બચ્યું છે. ઉનાળાના બે મહિનામાં આ ડેમોમાંથી 18.46% પાણી વપરાઈ ગયું છે. સૌરાષ્ટ્રના 10 ડેમો તો અત્યારથી જ સંપૂર્ણ સુકાઈને મેદાન બની ગયા છે, એટલે કે ત્યાં 0% પાણી છે. કચ્છના 20 ડેમોમાં ગત 27મી માર્ચે જ વોટર સ્ટોરેજ 40%થી નીચે સરકી ગયો હતો અને આ ટૂંકા ગાળામાં વધુ 8% પાણી ઘટ્યું છે. આજે કચ્છના તમામ ડેમોમાં થઈને માત્ર 32.40% જળસંગ્રહ બાકી છે.

એકંદરે જોઈએ તો, સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 161 ડેમો હાલમાં 65%થી વધુ ખાલી થઈ ગયા છે, જેને કારણે આ વિસ્તારોમાં નર્મદાના નીર પરની નિર્ભરતા ખૂબ વધી ગઈ છે.

નર્મદા ડેમના જળસ્તરમાં પણ 13.16%નો ઘટાડો

સ્થાનિક ડેમોની સાથે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણી ઝડપથી ઘટી રહ્યું છે. આજથી બે મહિના પહેલા નર્મદા ડેમ સહિત રાજ્યનો કુલ જળસંગ્રહ 6.02 લાખ MCFT હતો, જે તેની કુલ ક્ષમતાના 67.47% જેટલો થતો હતો. આ સ્ટોરેજ આજે 13.16% જેટલો ઘટીને માત્ર 54.31% પર આવી ગયો છે. જો જૂન મહિનાના મધ્ય સુધીમાં વરસાદી માહોલ નહીં જામશે, તો આગામી દિવસોમાં પીવાના અને સિંચાઈના પાણી માટે હાહાકાર મચી શકે છે. વન વિભાગ અને જળસંપત્તિ વિભાગ હાલ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.