વડોદરાઃ ગુજરાતમાં સોલાર જોડાણોનો આંકડો પાંચ લાખને પાર કરી ગયો છે.૨૦૨૪માં શરુ થયેલી પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાત આખા દેશમાં પહેલા સ્થાન પર છે.
સમગ્ર ગુજરાતમાં વડોદરા સહિત વિવિધ શહેરો અને ગામડાઓમાં પણ રુફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવા માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.જેના કારણે ગુજરાતમાં સોલાર જોડાણો પાંચ લાખ કરતા પણ વધારે છે અને તેના થકી ૧૮૭૯ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા પ્રાપ્ત થઈ છે.ગુજરાતમાં ઉર્જા વિભાગ દ્વારા વીજ કંપનીઓની સહાયથી ૨૦૨૭ સુધીમાં ૧૦ લાખ સોલાર જોડાણોનું લક્ષ્ય મૂકવામાં આવ્યું છે અને તેમાંથી ૫૦ ટકા લક્ષ્ય પૂરુ થયું છે.રુફ ટોપ સોલાર માટે સરકાર દ્વારા લોકોને અત્યાર સુધી ૩૭૭૮ કરોડ રુપિયાની સબસિડી આપવામાં આવી છે.
સાથે સાથે હવે રુફટોપ સોલાર ઈન્સ્ટોન્શન માટે ૬ કિલોવોટ સુધીની સોલાર રુફટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ તરીકે ૨૯૫૦ રુપિયાની સહાય આપવાનું શરુ કરાયું છે અને નેટવર્ક સ્ટ્રેન્ધનિંગ ચાર્જ પણ માફ કરવામાં આવ્યો છે, નેટ મીટરિંગ એગ્રિમેન્ટ કરવાની જરુરિયાતમાંથી પણ મુક્તિ અપાઈ છે.ગુજરાતમાં સોલાર જોડાણો સૌથી વધારે હોવા પાછળનું એક કારણ એ પણ છે કે, સોલાર સિસ્ટમ લગાવવા માટે વીજલોડની મર્યાદા રાખવામાં આવી નથી અને વધારાની વીજળી વેચાણનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.ઉપરાંત બેન્કિંગ ચાર્જ પણ લાગુ પડતો નથી.
સોલાર કનેક્શનમાં અગ્રેસર જિલ્લાઓ
સુરત ૬૫૨૩૩
અમદાવાદ ૫૯૬૧૯
રાજકોટ ૫૬૦૮૪
વડોદરા ૪૩૬૫૬
જુનાગઢ ૨૨૮૫૮


