Get The App

ડીસા-કચ્છમાંથી ચોમાસાની વિદાયનો આરંભ, મેઘરાજાની એન્ટ્રી-એક્ઝિટની તારીખ જાણો

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
ડીસા-કચ્છમાંથી ચોમાસાની વિદાયનો આરંભ, મેઘરાજાની એન્ટ્રી-એક્ઝિટની તારીખ જાણો 1 - image

Gujarat Monsoon 2025: ગુજરાતમાં આજે ચોમાસાની વિદાયનો આરંભ થયાનું મૌસમ વિભાગે જાહેર કર્યું છે. રાજ્યના કચ્છમાં ભૂજ તથા બનાસકાંઠા વિસ્તારમાં ડીસા સુધી નૈત્યનું ચોમાસુ-2025 આજે પૂર્ણ થયું છે. ગત વર્ષ અને સામાન્ય તારીખ 25 સપ્ટેમ્બર કરતા આ વર્ષે એક સપ્તાહ વહેલી વિદાય શરુ થઈ છે. 

રાજ્યમાં આ વખતે ચોમાસાનો પ્રવેશ પણ વહેલો થયો હતો. નોર્મલ 20 જૂનને બદલે 16 જૂને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 25 જૂનને બદલે 17 જૂને જ ચોમાસુ બેસી ગયું હતું. આ જ રીતે તેની વિદાય પણ વહેલી થઈ છે. 

જો કે હજુ રાજ્યમાં છૂટાછવાયા ઝાપટાં વરસી શકે છે પરંતુ, ભારે વરસાદની કોઈ સીસ્ટમ સક્રિય નથી. એકાદ સપ્તાહમાં જ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ચોમાસુ સત્તાવાર વિદાય લેશે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની વિદાયરેખા ઉત્તર-પશ્ચિમથી દક્ષિણ-પૂર્વ તરફઆગળ વધતી હોય છે જેથી દક્ષિણ ગુજરાતમાં સૌથી છેલ્લે ચોમાસુ વિદાય લે છે. આજે પંજાબમાં ભટીંડા સુધી પણ ચોમાસાએ વિદાય લીધી છે અને રાજસ્થાનમાં હવે સુકુ હવામાન રહેશે. 

ગુજરાતમાં ચોમાસાના વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. વિદાય લેતા અગાઉ પણ ચોમાસું ગુજરાતને ભીંજવતું જાય તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આજે વલસાડના કપરાડામાં 2.50 તાપીના વ્યારામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં હજુ સુધી સિઝનનો 109 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.