Get The App

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 47 ટકાથી વધુ વરસાદ, જાણો સરદાર સરોવર સહિત 207 જળાશયોની સ્થિતિ

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 47 ટકાથી વધુ વરસાદ, જાણો સરદાર સરોવર સહિત 207 જળાશયોની સ્થિતિ 1 - image


Gujarat Monsoon 2025: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે,11 જુલાઈ-2024એ રાજ્યના 207 જળાશયોમાં 39.55 ટકા જળ સંગ્રહ હતો. 

વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 62.83 ટકા જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.37 ટકા જળ સંગ્રહ, કચ્છના 20 જળાશયોમાં 56.07 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 55.67 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.79 ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આમ સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 56.76 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. 

આ પણ વાંચો: ચેલેન્જના રાજકારણમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલની એન્ટ્રી, ઇટાલિયા અને અમૃતિયાને કરી ટકોર

રાજ્યમાં હાલમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ 57 ટકા, દક્ષિણ ગુજરાતમાં 52.18 ટકા, સૌરાષ્ટ્રમાં 47.01 ટકા, પૂર્વ મધ્યમાં 45.90 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 42.08 ટકા સરેરાશ વરસાદ થયો છે. જેના ફળ સ્વરૂપે રાજ્યના 24 જળાશયો 100 ટકાથી વધુ, 54 જળાશયો 70થી 100 ટકાની વચ્ચે, 44 જળાશયો 50થી 70 ટકાની વચ્ચે જ્યારે 40 જળાશયો 25થી 50 ટકાની વચ્ચે ભરાયા છે. જેથી રાજ્યના 38 જળાશયો માટે હાઇ ઍલર્ટ, 20 જળાશયો માટે ઍલર્ટ જ્યારે 20 જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.    

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે રાજ્યમાં હાલની સ્થિતિએ વડોદરા જિલ્લામાં બે સ્ટેટ હાઇવે અને  છોટાઉદેપુર તાલુકામાં માત્ર એક નેશનલ હાઇવે સિવાય બાકીના તમામ રોડ રસ્તા ચાલુ છે. આ બંધ રોડ પણ બનતી ત્વરાએ ચાલુ કરાશે.  

Tags :