સિઝનનો વરસાદ: 42 તાલુકામાં સરેરાશ 40 ઇંચ તો 15 તાલુકામાં 80 ઇંચ વરસાદ, 34 ડેમ હાઈ એલર્ટ
Gujarat Monsoon 2025: ગુજરાતમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 7 જુલાઈ 2025ની સ્થિતિએ જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં 50.32 ટકા વિસ્તારમાં ખરીફ -ચોમાસું વાવણી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં સૌથી વધુ 17.59 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યભરમાં બીજા ક્રમે 17.10 લાખ હેકટર વિસ્તારમાં કપાસ જ્યારે 3.10 લાખ હેક્ટરમાં ઘાસચારો,1.58 લાખ હેક્ટરમાં સોયાબીન,1.03 લાખ હેક્ટરમાં શાકભાજી તેમજ 80 હજાર હેક્ટરમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સિવાય મુખ્યત્વે પાકમાં બાજરી, ડાંગર, તુવેર, મગ, મઠ, એરંડા, ગવાર અને જુવાર એમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 43.05 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 50.32 ટકા વિસ્તારમાં ખરીફ વાવણી પૂર્ણ કરવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ 46.89 ટકાની સામે કચ્છમાં સૌથી વધુ 56 ટકા વરસાદ થયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 51.12 ટકા, સૌરાષ્ટ્રમાં 45.92 ટકા, પૂર્વ મધ્યમાં 45.29 ટકા અને ઉત્તર ગુજરાતમાં 41.62 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: આણંદ અને પંચમહાલમાં મેઘરાજાની તોફાની ઇનિંગ, જાણો 24 કલાકમાં ગુજરાતમાં કેટલો ખાબક્યો વરસાદ
ઉપરાંત ચાલુ સિઝનમાં રાજ્યના 42 તાલુકામાં સરેરાશ 40 ઇંચ સુધી, 15 તાલુકામાં 80 ઇંચ સુધી જ્યારે 126 તાલુકાઓમાં સરેરાશ 10 થી 20 ઈંચ સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બોરસદમાં અંદાજે ચાર ઇંચ, ગોધરામાં 3.7, ગાંધીધામમાં 2.3, ગાંધીધામમાં 2.2 તેમજ દેવભૂમિ દ્વારકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 34 ડેમ હાઈએલર્ટ, 20 એલર્ટ 19 વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 48.21 ટકા જેટલો જળસંગ્રહ ઉપલબ્ધ છે.
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી 4,278 નાગરિકોનું સલામત સ્થળાંતર જ્યારે 685નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ મોટાભાગના રોડ-રસ્તા તેમજ એસ.ટી બસના રૂટ કાર્યરત છે.