કરોડો રૂપિયા ઘરમાં આવે અને પિતાને કેમ જાણ ન હોય, મનરેગા કૌભાંડમાં CBI તપાસ થાય: કોંગ્રેસ
MNREGA Scam in Gujarat: દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરાઈ છે. ત્યારે કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતાં હવે બચુ ખાબડનું રાજ્ય સરકારના મંત્રી પદેથી રાજીનામું લેવાશે કે નહીં તે અંગે રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે. ત્યારે હવે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે મનરેગા કૌભાંડ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈ-મેઈલ કરીને મળવા માટે સમય માગ્યો છે. જે અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે માહિતી આપી હતી.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. 71 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં ભાજપ સરકારના મંત્રીના બે પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. આખા દાહોદ જીલ્લાની તપાસ કરવામાં આવે તો 400 કરોડ આસપાસના ભ્રષ્ટાચારની હકીકતો બહાર આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે મનરેગામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે ગુજરાત કોંગ્રેસ અને સામાજિક આગેવાનોનું એક પ્રતિનિધિમંડળે તેમને મળવા માટે સમય માંગ્યો છે. હું ખાતો નથી અને કોઈને ખાવા દેતો નથી એવું સૂત્ર વડાપ્રધાન બોલતા હોય છે તો જુઓ તમારી જ પાર્ટીના ભાજપના લોકો 'નલ સે જલ' અને મનરેગા યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયા ખાઈ રહ્યા છે.
અમે માંગ કરીએ છીએ કે, (1) વડાપ્રધાન દાહોદ આવે અને અમારા પ્રતિનિધિમંડળને મળવા માટે સમય આપે. (2) જો વડાપ્રધાન ખરેખર ભ્રષ્ટાચાર સામે લડવા માંગતા હોય તો તેમણે દાહોદ મનરેગા કૌભાંડની તટસ્થ તપાસ માટે નૈતિકતાના ધોરણે મંત્રીને બરતરફ કરવા જોઈએ. (3) ગુજરાત સરકાર પોતે આ કેસમાં સંડોવાયેલી છે જેથી સમગ્ર કૌભાંડની તપાસ CBI દ્વારા થવી જોઈએ અને CBIનું નિરીક્ષણ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના સીટીંગ જજના વડપણ હેઠળ થવું જોઈએ.
'રાજીનામું નહીં તો તમામ હોદ્દા પરથી બચુ ખાબડને દરખાસ્ત કરવામાં આવે'
પત્રમાં જણાવ્યું છે કે, દાહોદ આદિવાસી અને વિકસિત વિસ્તાર છે. ભાજપ મંત્રીના બે દીકરા સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. FIR મુજબ 75 કરોડનું કૌભાંડ છે પણ ખરેખર તપાસ થાય તો 400 કરોડનું કૌભાંડ સામે આવે તેમ છે. મંત્રીને ડીજીપી અને SP સલામ કરે છે તો તે મંત્રીના દીકરા પર તપાસ કઈ રીતે કરશે? રાજીનામું નહીં તો તમામ હોદ્દા પરથી બચું ખાબડને દરખાસ્ત કરવામાં આવે.
'મનમોહનસિંહની સરકારમાં રેલવે મંત્રીએ આપ્યું હતું રાજીનામું'
મનમોહનસિંહની સરકારમાં રેલવે મંત્રી પવન બંસલ પર આક્ષેપ લાગ્યો હતો. પોતાના ભાણિયા દ્વારા બદલી માટે પૈસા માંગ્યા હતા તો બંસલે પોતાનું રાજીનામુ ધરી દીધું હતું. કોંગ્રેસ પક્ષ પણ માંગ કરે છે કે, ગુજરાતના દીકરા પ્રધાનમંત્રી છે તો બચું ખાબડને પદ પરથી દરખાસ્ત કરવામાં આવે. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશ હેઠળ કેસની તપાસ કરવામાં આવે.
'વડાપ્રધાનને મળવાનો સમય આપવામાં આવે'
ગુજરાતમાં મરી ગયેલા વ્યક્તિઓના મનરેગા માં કાર્ડ બનાવામાં આવે છે. બાદમાં આ રૂપિયા ભ્રષ્ટાચારી લોકો ઉપાડીને જલસા કરે છે. નળ કે જળ પણ એ મોટા ભ્રષ્ટાચારની યોજના છે, મુખ્યમંત્રીને ટકોર કરી કે વડાપ્રધાન સાથે હોય તો કોંગ્રેસના આગેવાનો અને દાહોદ પ્રમુખને નરેન્દ્ર મોદીને મળવાનો સમય આપવામાં આવે. આગામી દિવસમાં કોંગ્રેસ વિકાસ શોધ યાત્રા નીકળશે. આ યાત્રા ગામે ગામ નીકળવામાં આવશે.
આદિવાસીઓના દસ્તાવેજો આધારે બારોબાર લાખો રૂપિયા મેળવી લેવાયા
દાહોદ જીલ્લામાં દેવગઢ બારિયા અને ધાનપુરમાં તળાવ ઊંડાં કરાયાં નથી, હેન્ડપંપ રિપેર થયા નથી, ચેકડેમ કે મેટલના રસ્તા બનાવાયા નથી તેમ છતાંય રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચુ ખાબડના પુત્રોની એજન્સીઓને બારોબાર લાખો રૂપિયા ચૂકવી દેવાયાં છે. સ્થાનિકોમાં ચર્ચા છેકે, તળાવ, ચેકડેમ, રસ્તા સહિતના કામોમાં ગરીબ મજૂરોને કામ આપીને રોજગારી આપવામાં આવી હોવાનો દાવો કરાયો છે પણ સવાલ એ છેકે, વિકાસના કામો થયાં નથી. તો મજૂરોએ કામ શું કર્યુ હશે.
એવુ જાણવા મળ્યુ છેકે, ઘણાં વખતથી દાહોદ જીલ્લામાં મંત્રીપુત્રોની એજન્સીને મનરેગાના કામો અપાતા હતાં ત્યારે સ્થાનિક નેતાઓએ ગરીબ આદિવાસીઓને સરકારી યોજનાનો લાભ મળશે તેવા પ્રલોભન આપી દસ્તાવેજો મેળવી લીધા હતા. એટલુ જ નહી, મનરેગાના જોબકાર્ડ બનાવી મજૂરોના એટીએમ કાર્ડ પણ મેળવી લીધાં હતાં. ગરીબ આદિવાસીઓની જાણ બહાર બેંકના એટીએમમાંથી બારોબાર રકમ મેળવી લેવાઇ છે. સ્થાનિકોનું કહેવુ છેકે, દાહોદ જીલ્લાના ભાજપના એક સ્થાનિક નેતાની મુખ્ય ભૂમિકા રહી છે જેની પાસે ગરીબ આદિવાસીઓના મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ હોવાનું કહેવાય છે. આમ, ગરીબ આદિવાસીઓને રોજગારી પુરી પાડતી મનરેગા યોજનામાં મજૂરીના નામે કટકી કરાઇ છે.