ગુજરાતનું સચિવાલય બન્યું સ્ટુડિયો! જનતાના દરબારમાં ગેરહાજર મંત્રીઓ સોશિયલ મીડિયા પર ‘હાજર’, રીલ્સ બનાવવાની હોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Ministers Social Media Followers: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ ગ્રાઉન્ડ ઝીરોમાં કામ કરવામાં સક્ષમ નથી. આ કારણોસર પ્રજાના દરબારમાં ગેરહાજર મંત્રીઓ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ હાજર દેખાઈ રહ્યા છે. લોકો વચ્ચે જવું અઘરું બન્યું છે પરિણામે મંત્રીઓને જાણે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવાનું ઘેલું લાગ્યું છે. એટલું જ નહીં, ફોટા, નિવેદન, રીલ્સ બનાવી મંત્રીઓ જાણે ઇન્ફ્લુએન્સર બન્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
સોશિયલ મીડિયામાં 'રૂપાળું ગુજરાત'
પ્રજાના પ્રશ્નો હલ કરવાને બદલે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી ફોલોઅર્સ વધારવા ભાજપ સરકારના મંત્રીઓમાં હોડ જામી છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું અડીખમ શાસન છે. વિપક્ષનો તો જાણે એકડો નીકળી ગયો છે. ગુજરાતમાં ગ્રાઉન્ડ પર પ્રજાની સમસ્યાઓ ઠેરની ઠેર છે. આમ જનતાનું કોઈ સાંભળનાર નથી. સરકારી કચેરીઓમાં પૈસા આપ્યા વિના કામો થતા નથી. દલાલોએ કચેરીઓ પર કબજો મેળવી લીધો છે. ભ્રષ્ટ અધિકારી અને મળતિયાઓ ધૂમ કમાણી કરી રહ્યા છે. પ્રાથમિક અને માળખાકીય સુવિધાના અભાવે લોકોની મુશ્કેલીઓનો કોઈ પાર નથી. આ સંજોગોમાં કોઈને વિકાસ દેખાય કે નહીં પણ મંત્રીઓના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર વિકાસ જ વિકાસ દેખાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સોશિયલ મીડિયામાં વધુ ફોલોઅર્સ હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું હતું ત્યારે આ તરફ, ભાજપમાં મંત્રીઓના માથે પણ ડિજિટલ ભૂત સવાર થયું છે. ચૂંટણી જીત્યા બાદ મંત્રીઓએ જનસંપર્કને વધુ મહત્ત્વ આપવાનું ટાળ્યું છે.
સોશિયલ મીડિયાની રેસમાં મુખ્યમંત્રીને હરાવવા હર્ષ સંઘવીના હવાતિયાં
પ્રસાર-પ્રચારના માધ્યમથી લોકપ્રિયતા મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે રીતસર સોશિયલ મીડિયા વોર જામ્યો છે. મુખ્યમંત્રી માટે તો માહિતી વિભાગના પગારદાર અધિકારી, કર્મચારીઓ કામ કરી રહ્યા છે પણ હર્ષ સંઘવીને જાણે સરકારી તંત્ર પર ભરોસો રહ્યો નથી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર પળેપળ ડિજિટલ હાજરી માટે હર્ષ સંઘવી ખુદ મેદાને પડ્યા છે. માહિતી વિભાગ મુખ્યમંત્રીની લોકપ્રિયતા માટે કસમકશ કરી રહ્યું છે તો, હર્ષ સંઘવી પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. 'હું જ ગુજરાતનો નાથ છું' એવો ધૂમ પ્રચાર કરવા પાછળ પીઆર એજન્સી કામે લાગી હોવાની ચર્ચાઈ રહ્યું છે.
અમને લોકપ્રિયતા અપાવો
ઘણા મંત્રીઓએ સોશિયલ મીડિયા કંપનીઓને કામ સોંપ્યું છે. પ્રત્યેક લોકો સુધી પહોંચવું શક્ય નથી ત્યારે સોશિયલ મીડિયા એ નવા જમાનાનું શસ્ત્ર સાબિત થયું છે ત્યારે યુવા મતદારો સુધી પહોંચવા સરકારે પણ પોતાના મંત્રીઓ પર નજર રાખી છે. હાલ ઘણા મંત્રી-નેતાઓએ પણ આઇટી કંપનીઓને ભાડે રાખી હોવાનું કહેવાય છે.
કયા મંત્રી ક્યાં કેટલા મજબૂત
સૌથી વધુ ફોલોઅર્સ: રિવાબા જાડેજા ઇન્સ્ટાગ્રામ પર 2.6 મિલિયન (26 લાખ) સાથે મોખરે છે.
ફેસબુક પર દબદબો: રિવાબા જાડેજા અને હર્ષ સંઘવી બંને 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.
ટ્વિટર (X): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌથી વધુ 9.67 લાખ ફોલોઅર્સ ધરાવે છે.










