Get The App

ગુજરાતમાં મેડિકલ કોલેજોના ઈન્સ્પેક્શનમાં લાંચ-ગેરરીતિની ફરિયાદો, નવા પ્રવેશ પર પ્રતિબંધ

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
Gujarat Medical College Scandal


Gujarat Medical College Scandal: મેડિકલ કોલેજોના ઈન્સ્પેકશનમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારને પગલે સીબીઆઈ દ્વારા 14થી વધુ કોલેજના મેનેજમેન્ટ વ્યક્તિઓ સામે ડૉક્ટર તેમજ અધિકારીઓ સહિતના વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરી છે ત્યારે જે કોલેજોએ ઈન્સ્પેકશનમાં ગેરરીતિ આચરી હતી કે રિપોર્ટમાં ગોટાળા કર્યા હતા તે કોલેજો સામે તથા ઈન્સ્પેકશન કરનાર અધિકારીઓ સામે મેડિકલ કમિશને પગલાં લેવાની જાહેરાત કરી છે. 

ગેરરીતિ આચનારી મેડિકલ કોલેજને નવા પ્રવેશ માટે મંજૂરી નહીં મળે

એનએમસી દ્વારા લેવાયેલા નિર્ણયો મુજબ ગેરરીતિ આચરનારી કર્ણાટકની મેડિકલ કોલેજમાં નવા શૈક્ષણિક વર્ષ 2025-26 એટલે કે ચાલુ વર્ષ માટે રીન્યુઅલ પરમિશન-નવા પ્રવેશની મંજૂરી નહીં આપવામા આવે. આ ઉપરાંત યુજી-પીજીમાં નવી કોલેજ-નવા કોર્સીસ માટેની અરજીઓ તેમજ બેઠકો વધારાની અરજીઓ પણ રદ કરવામા આવશે. હવે તેના પર કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ દ્વારા કોઈ પ્રક્રિયા કરવામાં નહીં આવે. ગુજરાતની સ્વામિનારાયણ કોલેજ સામે પણ ફરિયાદ છે.

જે કોલેજ-મેનેજમેન્ટ સામે CBIએ ફરિયાદ કરી છે તે કોલેજના નવા પ્રવેશ પર પ્રતિબંધ

દેશમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ સહિતની વિવિધ પ્રકારની મંજૂરીઓ માટે ભારત સરકારના નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ દ્વારા ઈન્સ્પેકશન આધારીત પ્રક્રિયા કરવામા આવે છે. કમિશનના એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે જાહેર કર્યુ છે કે સીબીઆઈના રિપોર્ટ મુજબ કમિશનના એસેસર(મૂલ્યાંકનકાર) સાથે કામ કરતા ડૉક્ટરની કર્ણાટકની ખાનગી મેડિકલ કોલેજના ઈન્સપેકશનમાં પોઝીટિવ રિપોર્ટ આપવા સામે 10 લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરાઈ છે. 

ઈન્સપેકશનના ફાઈનલ નિર્ણયો-રિપોર્ટને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા

આ મુદ્દે સીબીઆઈ દ્વારા કોલેજ સત્તાવાળા તેમજ ઈન્સપેકશન કરનારા અધિકારીઓ અને અન્ય લોકા સામે એફઆઈઆર કરવામા આવી છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે. આ બાબતને ગંભીરતાથી લેતા કમિશન દ્વારા આ ઈન્સપેકશન અધિકારીઓને બ્લેક લિસ્ટ કરવાનો તેમજ તેઓ દ્વારા થયેલા તમામ ઈન્સપેકશનની પેન્ડિંગ તપાસ અને ઈન્સપેકશનના ફાઈનલ નિર્ણયો-રિપોર્ટને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત ઉદહારણરૂપ પગલાં લેતા કમિશન દ્વારા આ કોલેજના યુજી અને પીજી કોર્સસીમાં 2025-26ના વર્ષ માટે નવા પ્રવેશની મંજૂરી પણ નહીં આપવામાં આવે.

આ કોલેજ ઉપરાંત સીબીઆઈની વધુ તપાસમાં કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના છ રાજ્યોમાં 40 સ્થળોએ રેડ પાડી તપાસ પણ કરવામા આવી હતી અને તપાસમાં અનેક કોલેજમાં ઈન્સ્પેકશનમાં ગેરરીતિઓ-ઈન્સ્પેકશનમાં ગોટાળા-ડમી ફેકલ્ટી સહિતની બાબતો સામે આવી હતી. ત્યારબાદ સીબીઆઈ દ્વારા 14 મેડિકલ કોલેજના સત્તાવાળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમજ 3 ડૉક્ટર અને કમિશનની ઈન્સપેકશન ટીમના ત્રણ કમિટી મેમ્બર સહિત કુલ 35થી વધુ લોકોને એફઆઈઆરમાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. 

યુજી-પીજીમાં બેઠકો વધારાની અરજીઓ પણ રદ

સીબીઆઈએ ડૉક્ટર-અધિકારીઓ સહિત 6 લોકોની ધરપકડ પણ કરી હતી. સીબીઆઈની એફઆઈઆર મુજબ ગુજરાતની સ્વામિનારાણય મેડિકલ કોલેજમાં પણ ઈન્સ્પેકશનના કમ્પલાઈન્સ રિપોર્ટમાં ગેરરીતિ થઈ હોવાની અને ભૂતિયા ફેકલ્ટી દર્શાવાયા હોવાનું નોંધવામાં આવ્યુ હતું. કમિશન દ્વારા હવે કાર્યવાહી કરતા અને પગલા લેતા યુજી અને પીજીમાં નવી મેડિકલ કોલેજ-નવા કોર્સીસ માટેની અરજીઓની તેમજ બેઠકો વધારા માટેની અરજીઓ કે જે મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડને 2025-26ના વર્ષ માટે મળી છે તેને રદ કરવામાં આવશે તથા તેના પર હવે આગળ પ્રક્રિયા નહીં થાય.

કમિશનના એસેસમેન્ટ બોર્ડે ચેતવણી આપી છે કે ભ્રષ્ટાચાર-ગેરરીતિને ચલાવી નહીં લેવાય અને દોષીત ઠરનારી મેડિકલ કોલેજોને પેનલ્ટી કરવામા આવશે. જેમાં નવી સ્કીમની પ્રોસેસને રોકી દેવાશે, આગામી વર્ષોમાં બેઠકો-વિદ્યાર્થીઓને ઘટાડી દેવાશે તેમજ એક કે તેથી વધુ વર્ષ માટે નવા પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે. આ ઉપરાંત કમિશનમાં કોલેજોના ઈન્સપેકશનમાં જોડાતા સરકારી મેડિકલ કોલેજોના અધ્યાપકો સામે પણ ગેરરીતિ બદલ જે તે સંબંધિત ઓથોરિટીને પગલા લેવા જાણ કરી ભલામણ કરાશે.

Tags :