ખેડૂતો માટે ટૂંક સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર થાય તેવી શક્યતા, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ

Gujarat relief package : ગુજરાતમાં દિવાળી બાદ સતત કમોસમી વરસાદના કારણે લાખો હેક્ટર ખેતીની જમીનમાં પાકને ભારે નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. એવામાં આજે ગુજરાત સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કૃષિ મંત્રી, કૃષિ સચિવ તથા નાણા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. એવામાં ટૂંક સમયમાં વિશેષ સહાય પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે.
નોંધનીય છે કે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થતાં આર્થિક પેકેજ અંગે સતત માંગ ચાલી રહી હતી. સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં ભારે નુકસાન થતાં ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે. અગાઉ કૃષિ મંત્રી તથા બાદમાં ગુજરાતના મુખ્યમંત્રીએ પણ આશ્વાસન આપ્યું હતું કે ખેડૂતો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે. જેના માટે ડિજિટલ સર્વેની શરુઆત પણ કરવામાં આવી હતી. જોકે સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ડિજિટલ સર્વેનો પણ વિરોધ કર્યો હતો.
આટલું જ નહીં ખેડૂતો એ હવે માંગ કરી છે કે માત્ર આર્થિક પેકેજ જ નહીં સરકારે ખેડૂતોની બૅન્ક ધિરાણ પણ માફ કરવી જોઈએ. જોકે આ માંગ મામલે સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.

