Gujarat Malnutrition Crisis: કુપોષણના નામે લાખો કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે તેમ છતાંય આ સમસ્યા પર કાબૂ મેળવી શકાયો નથી. કુપોષણમુક્ત ગુજરાતના નારા ગુંજી રહ્યા છે પણ કુપોષણ જ હજારો નવજાત શિશુઓના મૃત્યુનું કારણ બની રહ્યું છે. ખુદ રાજ્ય સરકારે જ સ્વીકાર્યું છે કે, છેલ્લા 6 વર્ષ દરમિયાન 1.13 લાખ નવજાત શિશુઓના મૃત્યુ થયા છે. ચિંતાજનક વાત એ છે કે, જન્મ પછી એક વર્ષમાં જ મોતને ભેટતાં માસૂમ બાળકોની સંખ્યામાં વધારો થયો છે.
સગર્ભા બહેનોની કાળજી છતાં ઓછા વજનવાળા બાળકોના જન્મનું ઊંચું પ્રમાણ
કુપોષણની સમસ્યા વકરી રહી છે ત્યારે સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર આપી કાળજી લેવાઈ રહી છે આમ છતાંય 2.5 કિલોથી ઓછું વજન ધરાવતાં બાળકોનું પ્રમાણ વધુ છે. જેમ કે, વર્ષ 2017થી માંડીને વર્ષ 2022 સુધીમાં ગુજરાતમાં કુલ 69.03 લાખ બાળકોના જન્મ થયા હતા તેમાંય 8,12,896 નવજાત શિશુઓ એવા હતા જેમનું વજન અઢી કિલોથી પણ ઓછું હતું. અઢી કિલો કરતાં ઓછું વજન ધરાવતાં શિશુઓની સંખ્યામાં ઝાઝો ઘટાડો થઈ શક્યો નથી. એટલું જ નહીં, રાષ્ટ્રીય પોષણ મિશન-2017ની માર્ગદર્શિકા મુજબ, ઓછું વજન ધરાવતાં શિશુઓની સંખ્યામાં બે ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક હજુ સુધી સિદ્ધ થઈ શક્યો નથી.
શિશુ મૃત્યુદરના આંકડા રાજ્ય માટે ચિંતાનો વિષય
એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 6 વર્ષના સમયગાળા દરમિયાન, 18,231 નવજાત શિશુઓ તો જન્મના 24 કલાકમાં મૃત્યુ પામ્યા હતા. આ બાળકોએ હૉસ્પિટલના બિછાને જ આખરી શ્વાસ લીધા હતા. જ્યારે જન્મના એક વર્ષમાં મૃત્યુ પામ્યા હોય તેવા શિશુઓની સંખ્યા 83,538 સુધી પહોંચી છે. દર વર્ષે સરેરાશ 15 હજાર બાળકો જન્મ પછી 24 કલાકમાં મૃત્યુ પામે છે. રાજ્યમાં એકથી પાંચ વર્ષના કુલ 1,13,650 શિશુઓના મોત થયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી
લાખો-કરોડોના બજેટ બાદ પણ શિશુ મૃત્યુદરમાં ઘટાડો નહીં
આમ, નવજાત શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો કરવા માટે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં હજુ લક્ષ્યાંક સિદ્ધ કરતાં ઘણો સમય વીતી જાય તેમ છે. કુપોષણની ઘણી યોજનાઓ હાલ અમલમાં છે પણ મળતિયાઓ પોષિત થયા છે પણ હજુય બાળકો તો કુપોષિત રહ્યાં છે. સગર્ભા બહેનોની સ્થિતિમાં સુધાર આવી શક્યો નથી. આ કારણોસર કુપોષણને કાબૂમાં લેવું અઘરું બન્યું છે.


