Get The App

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા, 'સર'ની કામગીરીના કારણે વિલંબ

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા, 'સર'ની કામગીરીના કારણે વિલંબ 1 - image
AI IMAGE

Local Body Election Delay : ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયસર યોજાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ચૂંટણીઓ હવે એપ્રિલ-મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે. આ વિલંબ પાછળ મુખ્યત્વે મતદાર યાદી સુધારણાની ચાલી રહેલી કામગીરીને જવાબદાર માનવામાં આવે છે.

હાલ સમગ્ર રાજ્યમાં મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે, જેની આખરી યાદી ફેબ્રુઆરીના અંતમાં પ્રસિદ્ધ થશે. આ ઉપરાંત, 'સર' (SIR) ની કામગીરી પણ આરંભાઈ છે, જેમાં 50 હજારથી વધુ શિક્ષકો સહિત અન્ય સરકારી કર્મચારીઓ જોડાયા છે. જ્યાં સુધી મતદાર યાદીની આ સાફસફાઈ પૂર્ણ ન થાય, ત્યાં સુધી ચૂંટણી યોજી શકાય તેમ નથી. રાજકીય પક્ષોએ પણ આ મુદ્દે ઊંડો રસ દાખવ્યો છે, કારણ કે આ સુધારણા બાદ વિધાનસભા બેઠકોમાં મતદારોની સંખ્યામાં મોટો ઉલટફેર થવાની સંભાવના છે. કોંગ્રેસે તો રાજ્યમાં 60 લાખથી વધુ શંકાસ્પદ મતદારો હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

ચૂંટણીઓ પાછળ ઠેલવા પાછળનું બીજું કારણ રાજકીય પણ માનવામાં આવે છે. ખુદ સરકાર પણ ઈચ્છે છે કે ચૂંટણીઓ હાલ પૂરતી મોડી યોજાય. તાજેતરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અપાયેલી કૃષિ રાહત સહાયમાં ઓછા વળતરનો મુદ્દો રાજ્યમાં ચગ્યો છે, જેના કારણે ખેડૂતોમાં સરકાર સામે અસંતોષ ભભૂક્યો છે. જો વર્તમાન પરિસ્થિતિમાં ચૂંટણી યોજાય, તો શાસક પક્ષને ખેડૂતોના રોષનો ભોગ બનવું પડી શકે છે.

આમ, સરકાર સાનુકૂળ વાતાવરણની રાહ જોઈ રહી છે. જો ચૂંટણીઓ એપ્રિલ-મે સુધી પાછળ ઠેલાય, તો ભાજપ સરકારને ફાયદો થઈ શકે છે. જ્યારે વિપક્ષ માને છે કે હાલનું વાતાવરણ તેમના માટે સાનુકૂળ છે. જો ચૂંટણીઓ વિલંબમાં પડશે, તો રાજ્યની અનેક પંચાયતો અને નગરપાલિકાઓમાં એકાદ-બે મહિના માટે વહીવટદારનું શાસન સ્થાપિત થાય તો નવાઈ નહીં. આ સ્થિતિમાં, કોર્પોરેટર બનવા ઈચ્છુક દાવેદારોએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે.

Tags :