Gujarat Election News : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે(26 એપ્રિલ) સામાન્ય છમકલાં બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે, જેમાં રાજ્યભરના મતદારોએ મધ્યમ પ્રતિસાદ આપ્યો છે. સવારે 9 વાગ્યા સુધી મતદાનની ગતિ ધીમી રહી હતી, પરંતુ સાંજ પડતા સુધીમાં સરેરાશ 57.08% જેટલું મતદાન નોંધાયું છે. ગરમીના પ્રકોપને કારણે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન મતદાન મથકો પર પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ અંતિમ કલાકોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
સરેરાશ 57.08% જેટલું મતદાન નોંધાયું
આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓમાં 49% અને નગરપાલિકાઓમાં 59% મતદાન થયું છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ગ્રામીણ મતદારોના જોરને કારણે સૌથી વધુ 61% જેટલું મતદાન નોંધાયું છે. જોકે, રાત્રે 8 વાગ્યા સુધીમાં ફાઈનલ ટકાવારી જાહેર થવાની શક્યતા છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ મતદાન મથકો પર ઈવીએમ મશીનોને નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી આયોગના નિર્દેશો અનુસાર મતદાન પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર અને સ્ટાફ દ્વારા ઈવીએમ મશીનોને સીલ કરી જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
કડક બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં થયું મતદાન
આ સમગ્ર કામગીરી પોલીસ તથા અન્ય સુરક્ષા દળોની કડક હાજરી અને દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી. ત્યારબાદ સીલ કરાયેલા ઈવીએમ મશીનોને નિર્ધારિત સ્ટ્રોંગ રૂમ તથા કલેકશન સેન્ટરો ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. દરેક મતદાન મથક પરથી મશીનોને સુનિશ્ચિત માર્ગદર્શિકા મુજબ જ સેન્ટરો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ચૂંટણી દરમિયાન જિલ્લાભરમાં કડક બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ સામે આવ્યો નહોતો. મતદાનથી લઈને ઈવીએમ સીલિંગ અને પરિવહનની સમગ્ર પ્રક્રિયા સુચારુ અને સફળ રીતે પૂર્ણ થઈ હતી.
25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ
રાજ્યની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમ (EVM) મશીનોમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર પાર પાડવામાં આવી છે. હવે સૌની નજર 28 એપ્રિલ પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો જાહેર થશે. સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર થયેલા આ જંગમાં જનતાએ કોના પર મહોર મારી છે, તે જોવું રસપ્રદ રહેશે.
• 15 મહાનગરપાલિકાઓમાં 49% મતદાન
• 84 નગરપાલિકાઓમાં 59% મતદાન
• 34 જિલ્લા પંચાયતોમાં 61% મતદાન
• 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 61% જેટલું મતદાન
મતદાનને લગતા તમામ આંકડા અને માહિતી જોવા માટે CLICK HERE
Gujarat Election UPDATES
અમરેલીના મોટા આંકડિયામાં આપ-ભાજપ વચ્ચે હોબાળો અને સાવરકુંડલામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે ઝપાઝપી
અમરેલીની મોટા આંકડિયા બેઠક પર મતદાન દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો આમને-સામને આવી જતાં વાતાવરણમાં ભારે તણાવ સર્જાયો હતો. આ બેઠક પર 'આપ'ના ઉમેદવાર અને હાર્દિક વઘાસીયાના ધર્મપત્ની ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે હાર્દિક વઘાસીયાએ ફેસબુક લાઈવ કરીને ભાજપ પર ડુપ્લીકેટ મતદાન એજન્ટ બેસાડવાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર હોબાળો થયો હતો. જોકે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ છે. બીજી તરફ સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના મતદાન મથક બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જોરદાર ઝપાઝપી થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતની પોલીસ અધિકારી સાથેની ચર્ચાઓને પગલે માહોલ વધુ ગરમાયો હતો.

વડોદરા: મકરપુરાના બૂથ નંબર 43 પર EVM અને આચારસંહિતા ભંગના આક્ષેપોથી વિવાદ
વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના બૂથ નંબર 43 પર મતદાન દરમિયાન ભારે હોબાળો થયો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવારે આક્ષેપ કર્યો હતો કે, EVM મશીનનું 12 નંબરનું બટન ખામીયુક્ત છે અને ફરિયાદ છતાં તંત્ર દ્વારા મશીન બદલવામાં આવ્યું નથી. આ ઉપરાંત, ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ ભાજપની નોટબુકનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જણાવી આચારસંહિતા ભંગના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. 'આપ'ના ઉમેદવારે તંત્રની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવતા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા શાંતિ પૂર્ણ રીતે સંપન્ન
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે સાંજે છ વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ મતદાન મથકો પર ઈવીએમ મશીનોને નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ રીતે જામનગર જિલ્લામાં લોકશાહી પર્વની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પાર પડી હોવાનું જિલ્લા તંત્ર દ્વારા નોંધાયું છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 57.08% મતદાન નોંધાયું
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં મધ્યમ મતદાન જોવા મળ્યું છે, જેમાં રાજ્યનું સરેરાશ મતદાન 57% નોંધાયું છે. સવારે 9 વાગ્યે જે મતદાન માત્ર 4% થી 7% ની આસપાસ હતું, તે બપોરે 1 વાગ્યા સુધીમાં 20% થી 30% પર પહોંચ્યું અને અંતિમ કલાકોમાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવતા આંકડો 57% ને પાર કરી ગયો છે. હવે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. જણાવી દઈએ કે, ભારે ગરમીના કારણે બપોરે 12થી 4 વાગ્યા સુધીમાં મતદાન ઓછું થયું છે.
સ્વામિનારાયણ ગુરુકુળ(વેડરોડ)ના સંતોએ સામૂહિક મતદાન કર્યું
સુરત પાલિકાની ચૂંટણીમાં અન્ય લોકો સાથે સંતો દ્વારા પણ મતદાન કરી પોતાની પવિત્ર હક્ક નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરતના વેડરોડ ખાતે આવેલા ગુરુકુળ સ્વામી સંતોએ મતદાન મથક પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપ્યા હતા.
સુરત પાલિકાની ચુંટણીમાં અન્ય લોકો સાથે સાથે સંતો પણ મતદાન માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બુથમાં મતદાન કરનારા પ્રભુ સ્વામી એ જણાવ્યું હતું કે, જે દેશમાં આપણે રહીએ છીએ, તેના પ્રશાસનિક મૂલ્યોને અનુસરવાની આપણી પવિત્ર ફરજ છે. દેશની લોકશાહીને મજબૂત બનાવવી, મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવુ એ પણ એક ભક્તિ જ છે. જે ધરતીનું અન્ન ખાઈ આપણે મોટા થયા છીએ, તે ધરતીની પ્રગતિમાં શક્ય એટલો સહયોગ આપવો એ આપણું પ્રથમ કર્તવ્ય છે. રાષ્ટ્રની પ્રગતિમાં અને સુરક્ષામાં જ આપણી અને ધર્મની પ્રગતિ અને સુરક્ષા છે. રાષ્ટ્રની પ્રગતિનું પ્રથમ શ્રેષ્ઠ પગલું યોગ્ય વ્યક્તિને મતદાન કરવું તે છે.
વધુમાં તેઓએ કહ્યું હતું જગતમાં અન્નદાન, ભૂમિદાન, ગૌદાન કે કન્યાદાનનો મહિમા છે, તેથી પણ સવાયો મહિમા લોકશાહીમાં દેશ હિતમાં મતદાન કરવાનો છે. અવશ્ય મતદાન કરવું એ નાગરિક તરીકે આપણી પવિત્ર ફરજ છે. માતૃભૂમિ નું ઋણ ચૂકવવાનો અમૂલ્ય અવસર એટલે મતદાન,તે અમે કરી અમારી દેશ પ્રત્યેની ફરજ નિભાવી રહ્યાં છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સાંજે 4 વાગ્યા સુધીના સરેરાશ મતદાનના આંકડા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 45 ટકા મતદાન થયું છે. ભારે ગરમીના કારણે બપોરે 12થી 4 વાગ્યા સુધીમાં મતદાન ઓછું થયું છે.
- મહાનગરપાલિકામાં 42.03 ટકા મતદાન
- નગરપાલિકામાં 52.03 ટકા મતદાન
- જિલ્લા પંચાયતમાં 51.99 ટકા મતદાન
- તાલુકા પંચાયતમાં 52.26 ટકા મતદાન
જામનગર મનપાના AAPના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. ગઈકાલે તબિયત લથડતા તેમને સારવાર આપવામાં આવી હતી, પરંતુ આજે ફરીથી છાતીમાં દુખાવો ઉપડતા માત્ર 38 વર્ષની નાની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ આકસ્મિક નિધનને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
વોર્ડ નંબર -૩ ની મતદાનની પ્રક્રિયા અને ત્યારબાદ મત ગણતરી યથાવત રહેશે: જિલ્લા કલેકટર
જામનગર મહાનગરપાલિકા ની વોર્ડ નંબર ત્રણની ચૂંટણી અને મતદાનની પ્રક્રિયા દરમિયાન બપોરે ચારેક વાગ્યા આસપાસ દુઃખદ ઘટના બની હતી, અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર નું ચાલુ મતદાન સમયે અવસાન થયું હતું. જો કે મતદાનની પ્રક્રિયા અવીરત ચાલુ રહી હતી, અને આ સંદર્ભમાં જામનગરના જિલ્લા કલેકટર દ્વારા રાજ્યના ચૂંટણી પંચ નો સંપર્ક પણ સાધવામાં આવ્યો હતો, અને સાંજે ૬.૦૦ વાગ્યા બાદ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આવનારી મત ગણતરીની પ્રક્રિયાઓ પણ યથાવત રહેશે તેમ જણાવ્યું હતું.

પેટલાદ: સાંસેજ ગામે ચૂંટણી ફરજ દરમિયાન પોલિંગ સ્ટાફના કર્મચારીનું હાર્ટ એટેકથી આકસ્મિક મોત
આણંદ જિલ્લાના પેટલાદમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક કરુણ ઘટના બની હતી, જેમાં ચૂંટણીની ફરજ પર તૈનાત પોલિંગ સ્ટાફના કર્મચારી અમિતભાઈ સોલંકીનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું હતું. સાંસેજ ગામે બુથ નંબર - 1 પરના મતદાન મથક પર કામગીરી દરમિયાન અચાનક તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. લોકશાહીના પર્વમાં પોતાની ફરજ બજાવતા કર્મચારીના અચાનક અવસાનથી સાથી કર્મચારીઓ અને પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.
પાટણ: મતદાન મથકે જ વૃદ્ધાને હાર્ટ એટેક આવતા નીપજ્યું મોત
પાટણની બી.એમ. સ્કૂલ ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર 65 વર્ષીય કમળાબેન સોલંકી નામની વૃદ્ધાનું મતદાન કરવા દરમિયાન હાર્ટ એટેક આવવાથી દુખદ અવસાન થયું છે. મતદાન મથકે પહોંચતા જ તેઓ અચાનક ઢળી પડ્યા હતા, જ્યાં હાજર મેડિકલ ટીમે તેમને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. અગાઉથી નાજુક તબિયત હોવા છતાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવા આવેલા વૃદ્ધાના આ આકસ્મિક મૃત્યુથી મતદાન કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું હતું.
તાપીમાં ભાજપના બે જૂથો વચ્ચે ઘર્ષણ: આંતરિક જૂથવાદ ચર્ચામાં
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું. પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના સમર્થકો વચ્ચે થયેલી આ તું-તું મેં-મેંના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પૂર્વ મંત્રી જાહેરમાં અપશબ્દો બોલતા નજરે પડે છે. આ ઘટનાને પગલે ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. જોકે, મામલો બિચકતા વાલોડ પોલીસ અને ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
બપોરે 3 વાગ્યા સુધીની મહાનગરપાલિકાઓમાં મતદાનની ટકાવારી

|
|
નર્મદામાં 12:30 વાગ્યે ગામના લોકો મતદાન કરવા પહોંચ્યા, ચૈતર વસાવાએ મામલો થાળે પાડ્યો
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ફુલસર-દૂથર ગામે રસ્તાના પ્રશ્ને ગ્રામજનોએ કરેલો ચૂંટણી બહિષ્કાર AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મધ્યસ્થી બાદ અંતે સમેટાયો છે. ફુલસરથી દૂથર સુધીનો મંજૂર થયેલો ડામર રોડ વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ ક્લિયરન્સના અભાવે અટકાવી દેવાતા રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગના અધિકારીઓએ લેખિતમાં બાંહેધરી આપી હતી કે, જરૂરી મંજૂરીઓ મેળવી આગામી એક મહિનામાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તંત્ર તરફથી લેખિત ખાતરી મળતા ગ્રામજનોએ આખરે મતદાન શરૂ કર્યું હતું, જેનાથી રાજપીપળા પંથકમાં ચૂંટણીના દિવસે સર્જાયેલો ગંભીર વિવાદ ઉકેલાયો હતો.
નગરપાલિકાના મતદાનના લેટેસ્ટ આંકડા : સૌથી વધુ નવસારી તો સૌથી ઓછું રાજકોટમાં મતદાન


અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં વીવી તોમર સ્કૂલના મતદાન મથક પર ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. પોલીસકર્મીઓએ વચ્ચે પડી માંડ મામલો થાળે પાડ્યો હતો.

કચ્છમાં પણ અમદાવાદ જેવી હાલત, મતદારો બુથ શોધવા રઝળ્યા
અમદાવાદની જેમ કચ્છ જિલ્લામાં પણ ચૂંટણી તંત્રની બેદરકારી સામે આવી છે. અહીં ભુજ શહેરના મતદારોએ બુથ શોધવા ફાંફા મારવા પડી ગયા હતા. સ્પષ્ટ માહિતીના અભાવે આવી હાલત થઈ હતી. યાદીમાં નામ હોવા છતાં મતદાન મથકની યોગ્ય વિગતો ન હોવાથી મતદારોમાં રોષ દેખાયો.
અમદાવાદના ખોખરામાં 2 બૂથના સ્થળ બદલી નખાતા હોબાળો
અમદાવાદના ખોખરામાં પણ એક ચોંકાવનારી ઘટના બની હતી. મતદારો જ્યારે ત્યાં મતદાન કરવા પહોંચ્યા તો તેમણે ખબર પડી કે તેમના પોલિંગ બુથના સ્થળ બદલી નખાયા છે. જેના કારણે ઘણા લોકો મતદાન કર્યા વિના રહી ગયા હતા. મતદારોને આ વિશે જાણકારી અપાઈ જ નહોતી. જેને લઈને ફરિયાદો પણ નોંધાઈ છે.
રાજકોટમાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસી ઉમેદવાર સહિત 20ની અટકાયત
રાજકોટમાં ચાલુ મતદાન વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં કોંગ્રેસ ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત 20 લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ લોકો પર આરોપ હતો કે તેઓ ચાલુ મતદાન વચ્ચે મતદાન બુથથી 100 મીટરની અંદર પ્રચાર કરી રહ્યા હતા. હાલમાં આ મામલો થોરાળ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
અમદાવાદમાં પણ ઈવીએમ ખોટકાયું
મળતી માહિતી અનુસાર અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી જી બી શાહ કોલેજમાં મતદાન મથકે ઈવીએમમાં ગરબડ થયાની માહિતી સામે આવી હતી. કોંગ્રેસના ઉમેદવારોનું બટન જ દબાવાતું નથી તેવી ફરિયાદો મળી છે. જેને લઈને લેખિતમાં ફરિયાદ પણ કરાઈ છે. જોકે ફરિયાદ બાદ ઈવીએમ બદલાયાની માહિતી સામે આવી છે.
ગોધરામાં લગ્નના માંડવેથી વરરાજા પહોંચ્યા મતદાન મથકે

છોટા ઉદેપુરના ધંધોડા ગામે બે દુલ્હન પીઠી લગાડી મતદાન કરવા પહોંચી

મહેસાણામાં ચૂંટણી બહિષ્કાર
મહેસાણા જિલ્લાના દેલા ગામમાં સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે મહાનગરપાલિકામાં સમાવેશ અને જમીન બચાવવા મુદ્દે અમે આ બહિષ્કાર કરી રહ્યા છીએ. બે કલાકથી મતદાન શરૂ થઇ ગયું છતાં હજુ કોઈ મતદાન કરવા આવ્યું નથી.
દિવ્યાંગોને પોલીસકર્મી ઊંચકીને મતદાન કરવા લઈ ગયા

વૃદ્ધોમાં પણ મતદાનને લઈને ઉત્સાહ, પોલીસે કર્યો સહયોગ

પીઠી ચોળેલી યુવતી મતદાન કરવા પહોંચી
નસવાડી તાલુકાના મોધલા ગામે લગ્ન પહેલા પીઠી ચોળેલી યુવતી કાજલ નાયકે લગ્ન ના ફેરા ફરતા પહેલા પ્રથમ વખત મતદાન કર્યું.

મતદાનના પ્રારંભિક આંકડા
રાજ્યમાં સવારના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 5% જેટલું ધીમું પણ સ્થિર મતદાન નોંધાયું છે. જેમાં 15 મહાનગરપાલિકાઓમાં 4%, 84 નગરપાલિકાઓમાં 6.50%, 34 જિલ્લા પંચાયતોમાં 4% અને 260 તાલુકા પંચાયતોમાં 5% સરેરાશ મતદાન થયું છે. વહેલી સવારથી જ મતદારોમાં લોકશાહીના પર્વને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
ટેકનિકલ ખામી અને વ્યવસ્થાના અવરોધો
મતદાન પ્રક્રિયા દરમિયાન કેટલીક જગ્યાએ અડચણો પણ સામે આવી છે. ભરૂચમાં ચાલુ મતદાને વીજળી ગુલ થતાં મતદારોને મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી હતી. બીજી તરફ, જામનગરમાં EVM મશીન ખોટકાવવાના કારણે મતદાન પ્રક્રિયા એક કલાક મોડી શરૂ થઈ હતી. રાજ્યના અનેક વિસ્તારોમાંથી ટેકનિકલ ખામીઓને કારણે મતદાન અટક્યું હોવાની ફરિયાદો ઉઠી છે.
લોકશાહીના પર્વમાં અનેરો ઉત્સાહ
તમામ અવરોધો વચ્ચે મતદારોનો ઉત્સાહ પ્રેરણાદાયી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં 100 વર્ષના વૃદ્ધ દાદી અદમ્ય ઉત્સાહ સાથે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. તો ગોંડલના ઘોઘાવદર ગામે એક વરરાજાએ લગ્નની જાન પ્રસ્થાન કરતા પહેલા કન્યા શાળામાં મતદાન કરી પોતાની નાગરિક ફરજ બજાવી હતી, જે આ ચૂંટણીના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
1 કલાકમાં સરેરાશ 5% મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયાને એક કલાક પૂર્ણ થતાં આંકડા પણ સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધી ઘણી બેઠકો એવી રહી છે જ્યાં મતદાન લગભગ એક કલાક થયા છતાં શરૂ નથી થયું કેમ કે ઈવીએમમાં ગરબડ થઈ ગઇ હતી. જોકે સરેરાશ બેઠકોની વાત કરીએ તો અત્યાર સુધીમાં 5% જેટલું મતદાન નોંધાયું છે.
રાજકોટ: વોર્ડ નં. 15માં EVM ખોટકાયું, મતદારોમાં રોષ
રાજકોટના વોર્ડ નંબર 15માં આવેલી સરસ્વતી શિશુ વિદ્યામંદિર સ્કૂલ ખાતે વહેલી સવારથી EVM મશીન બંધ રહેતા મતદારોની લાંબી કતારો લાગી હતી. અડધો કલાકથી વધુ સમય વીતવા છતાં મશીન ચાલુ ન થતા અનેક લોકો મતાધિકારનો ઉપયોગ કર્યા વિના જ પરત ફર્યા હતા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ આ મામલે આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં જાણીજોઈને મતદાન પ્રક્રિયા ધીમી પાડવા માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, તંત્ર દ્વારા મશીન વહેલી તકે કાર્યરત કરવાના વાયદા આપવામાં આવ્યા હતા.
નવસારીમાં પણ 7 વાગ્યા પછી પણ મતદાન શરૂ ન થયું
નવસારીની કોન્વેન્ટ હાઈસ્કુલમાં આવેલા મતદાન મથકે વોર્ડ નંબર 13માં પણ મતદાન ન શરૂ થતાં લોકો રોષે ભરાયા હતા. કોંગ્રેસી ઉમેદવાર પ્રમોદ રાઠોડે ગુસ્સો ઠાલવ્યો હતો.
4.02 કરોડ મતદારો 25551 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
આ ચૂંટણીમાં 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનો પાયો નખાઈ જશે તેવું મનાય છે. પાલિકા પંચાયતની કુલ 9268 બેઠકો પર 25551 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ત્યારે જનપ્રતિનિધિને ચૂંટવા માટે કુલ 4.02 કરોડ મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરશે.

ગોધરામાં મતદાન મથકે આગ ભડકી
ગોધરાના બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ મતદાન મથકમાં આગ ફાટી નીકળતા નાસભાગનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, મતદાન મથકમાં લગાવવામાં આવેલા એસી (AC) માં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે મતદારોનો ઉત્સાહ ઊંચો
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે, જેને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની 'સેમીફાઈનલ' તરીકે જોવામાં આવે છે. રાજ્યની કુલ 15 મહાનગરપાલિકાઓ (6 જૂની અને 9 નવી)માં મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે, જ્યાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે પણ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો લાગી છે.
જામનગરમાં ઈવીએમ ખોટકાતા એક કલાક મોડું મતદાન શરૂ થયું
જામનગરની એક બેઠક પર ઈવીએમ બગડતાં મતદારો રઝળી પડ્યા હતા. આખરે એક કલાકની દોડધામ બાદ ઈવીએમની ગરબડ દૂર થતાં મતદાન એક કલાક બાદ શરૂ થયું હતું.
આણંદમાં ચૂંટણી પહેલાં હિંસા: વોર્ડ નં. 13ના કોંગ્રેસના ઉમેદવાર પર જીવલેણ હુમલો
આણંદ શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે હિંસક ઘટના સામે આવી છે, જેમાં કરમસદ–આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવારના સમર્થકો પર આ હુમલાનો આરોપ લાગ્યો છે, જેના પગલે ગંભીર રીતે ઘવાયેલા હર્ષિલ દવેને સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાને લીધે સ્થાનિક રાજકીય માહોલ તંગ બન્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
મનપાની કેટલી બેઠકો બિનહરિફ જાહેર થઇ?
આ ચૂંટણીમાં કુલ 15 મહાનગરપાલિકાઓની 43 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જેના કારણે હવે બાકીની 1001 બેઠકો પર રસાકસી જામી છે. 1.10 કરોડથી વધુ મતદારો આજે કુલ 3145 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં કેદ કરશે, જેના પરિણામો આગામી 28 એપ્રિલે જાહેર થશે.
ભાજપની સભામાં સવાલ કરનાર ગ્રામજનને સાંસદની સામે ફટકારાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ગઈકાલે એક એવી શરમજનક ઘટના બની હતી કે જેનાથી મતદારોનો રોષ વધી શકે છે. મતદારોને રીઝવવા ગામે ગામે સભાઓના આયોજન કરાયા હતા. આ દરમિયાન વાંકાનેરના ઓળ ગામે ભાજપની એક સભામાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની હાજરીમાં જ એક જાગૃત નાગરિકે સવાલ કરવાની હિંમત બતાવતા નેતાના સમર્થક અને કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા. સામાન્ય દલીલબાજી વચ્ચે મારામારી પર ઉતરી આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ રહ્યો છે.
સુરતમાં પણ ઈવીએમ બગડ્યું
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન વોર્ડ નંબર 21ના બુથ નંબર 88 પર ટેકનિકલ ખામીને કારણે EVM મશીન અચાનક બંધ પડી ગયું હતું. મશીન ખોટકાવવાને લીધે વહેલી સવારથી ઉત્સાહભેર આવેલા મતદારોને થોડો સમય હાલાકી ભોગવવી પડી હતી અને મતદાન પ્રક્રિયા અટકી ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતા જ ચૂંટણી તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા અને અન્ય EVM મશીનની વૈકલ્પિક વ્યવસ્થા કરી મતદાન પ્રક્રિયા ફરીથી સુચારુ રીતે શરૂ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
નવી રચાયેલી 9 મનપામાં પહેલીવાર ચૂંટણી
ગુજરાતમાં 15 વર્ષના લાંબા અંતરાલ બાદ શહેરી શાસન વ્યવસ્થામાં મોટો બદલ જોવા મળ્યો છે, જ્યાં 2025માં નવી રચાયેલી 9 નવી મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી હતી. રાજ્યમાં ભાજપના મજબૂત ગઢ સમાન ગણાતા શહેરી વિસ્તારોમાં પકડ વધુ સુદ્રઢ કરવાના હેતુથી નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, જેની હવે પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. અગાઉ વર્ષ 2002માં જૂનાગઢ અને ત્યારબાદ છેલ્લે 2010માં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના થઈ હતી. આ વખતે રાજ્યની 6 જૂની અને 9 નવી મળી કુલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે, જે રાજ્યના રાજકીય ફલક પર વિકાસ અને સત્તાના સમીકરણો માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
કયા પક્ષના કેટલા ઉમેદવારો?
આ વખતે મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાની લગભગ 700 જેટલી બેઠકો બિનહરિફ જાહેર થઇ ચૂકી છે. આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ભાજપના 9596, કોંગ્રેસના 8443 ઉમેદવારો જ્યારે આમ આદમી પાર્ટીના 5261 ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે. જ્યારે અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાને ઉતર્યા છે. કુલ 4.02 કરોડમાં શહેરી મતદારો 1.40 કરોડ છે.
વડોદરામાં ઈવીએમ ખોટકાયું
મળતી માહિતી અનુસાર વડોદરાના માંજલપુરમાં અંબે સ્કૂલમાં મતદાન મથકે ઈવીએમ ખોટકાતા અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. મતદારો અકળાયા હતા.
બનાસકાંઠાના અમીર ગઢમાં ઈવીએમમાં ગરબડ
બનાસકાંઠાના અમીર ગઢમાં પણ ઈવીએમમાં ગરબડના અહેવાલ આવતા મતદારો રોષે ભરાયા હતા.
પંચમહાલ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનની શરૂઆત
પંચમહાલ જિલ્લાના શહેરામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઈ છે. જિલ્લા પંચાયતની 3, તાલુકા પંચાયતની 14 અને નગરપાલિકાની 11 મળી કુલ 28 બેઠકો માટે 1 લાખ 32 હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ ઉત્સાહપૂર્વક મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 159 જેટલા મતદાન મથકો પર મતદારો માટે પાણી અને મંડપની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈને હાલાકી ન પડે. સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


