રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના મતદાનના આંકડા જાહેર, મહેસાણા તા.પં.માં સૌથી વધુ વોટિંગ
Gujarat Local Body Election 2025 : ગુજરાતમાં આજે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે. લગભગ 38 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે, ત્યારે રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા થયેલી ચૂંટણીના મતદાનનો સત્તાવાર આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે.
ચૂંટણી આયોગ મુજબ મતદાનની ટકાવારી
રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગર પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય-મધ્યસત્ર ચૂંટણીઓ તથા સ્વરાજ્યના એકમોના પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ માટે આજે 16 ફેબ્રુઆરી, 2025ના રોજ મતદાન થયું. જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા (સામાન્ય)માં 44.32 ટકા, મહાનગર પાલિકા (પેટા -3 બેઠકો)માં 31.72 ટકા, સામાન્ય 66 નગરપાલિકામાં 61.65 ટકા, મધ્યસત્ર 2 નગરપાલિકામાં 35.23 ટકા, નગરપાલિકાની પેટા 19 બેઠકોમાં 37.85 ટકા, જિલ્લા પંચાયતની પેટા 8 બેઠકોમાં 43.67 ટકા, 3 સામાન્ય તાલુકા પંચાયતમા 65.07 અને તાલુકા પંચાયતની પેટા 76 બેઠકોમાં 57.01 ટકા મતદાન થયાનો પ્રાથમિક અંદાજ ચૂંટણી આયોગ દ્વારા રજૂ કરાયો.
આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ
સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર છે. જોકે રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળી હતી. ધંધૂકા અને જામનગરમાં તો બે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિજનો પણ મતદાન કરવા પહોંચ્યા હતા.





