મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓનાં વેતન મામલે ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછળ
હરિયાણામાં 3500, પોંડિચેરીમાં 21,000 અને ગુજરાતમાં 1600 દરેકને કમ સે કમ રૂ. 1000 ચૂકવવાના આદેશ સામે ગુજરાતમાં નિમ્ન વેતન રૂ 300 જ પરંતુ નિયમો લાખોના પગારદાર જેવા
રાજકોટ, : કૂપોષણ સામે લડત ઝૂંબેશનાં ગુણગાન વચ્ચે મધ્યાહન ભોજન મામલે ગુજરાતની વધુ એક નાલેશી બહાર આવી છે. બાળકોને પોષક આહાર આપવાના દાવા સાથેની આ યોજનામાં સરકાર દ્વારા સંબંધિત કર્મચારીઓને ચૂકવાતા માનદ્દ વેતન મામલે ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછળ છે. હરિયાણામાં માસિક 3500, સૌથી મોટાં ઉત્તર પ્રદેશમાં 7500 અને કેન્દ્રશાસિત પુડુચેરીમાં તો 21,000 સામે ગુજરાતમાં મભોયો કેન્દ્ર સંચાલકોને મહત્તમ માસિક માનદ વેતન 1600 રૂપિયા જ ચૂકવવામાં આવી રહ્યું છે. આ યોજના સાથે સેકળાયેલા કર્મચારીઓને કમ સમ કમ 1000 રૂપિયા આપવાની કેન્દ્ર સરકારીની સૂચનાનું પણ પાલન નથી થતું.
પ્રધાનમંત્રી પોશણ યોજના એવાં નવાં નામકરણ સાથેની આ સ્કીમમાં કેરલમાં 9,000 તામિલનાડુમાં 12,000 વેતન કરાયું છે, જ્યારે ગુજરાતમાં 300થી 1600 રૂપિયા પર જ વાત અટકી ગઈ છે. મે માસમાં વેકેશન પડતાં ગુજરાતના 32,000 જેટલાં કેન્દ્ર સંચાલકો ઉપરાંત એટલાં જ રસોઈયા અને મદદનીશો એક મહિના પૂરતાં ફરી બેરોજગાર બની જશે. વેકેશન ખૂલતાં પહેલાં તેમાંથી જેઓ પુનઃ સંચાલન સંભાળવા રાજી થાય તેની નવેસરથી સહમતી મેળવાશે અને જ્યાં જગ્યાઓ ખાલી પડે ત્યાં કડક શરતો સાથે નવા લોકોની તદ્દન હંગામી ધોરણે માનદ્દ વેતનથી નિમણુક કરાશે.
મધ્યાહન ભોજન યોજનાનો ગુજરાતમાં 1980ના દાયકામાં પ્રારંભ થયો ત્યારથી માંડીને એક- દોઢ દાયકા સુધી સ્વનિર્ભર શાળાઓનું ચલણ નહોતું પરંતુ 70 ટકા છાત્રો મધ્યાહન ભોજનનો લાભ લેતા નહોતા એટલે ઘણુંખરૂં અનાજ કેન્દ્ર સંચાલકો વેંચી મારતા હતા. હવે મોટાભાગના ગરીબ છાત્રો જ સરકારીમાં ભણતા હોવાથી લાભાર્થી સંખ્યા પણ મોટી રહેતી હોય છે પરંતુ સંચાલકોને મેલી મથરાવટીની તેમની જૂની છાપ નડી રહી હોય તેમ, સરકારે લાખો રૂપિયાના પગારદારો માટે પણ ન હોય એવા નિયમો આ વર્ગ માટે વર્ષોથી અમલમાં જ રાખી મુક્યા છે.
ઓલ ગુજરાત મભોયો કર્મચારી મંડળના સૂત્રધારો કેટલીક વિચિત્ર જોગવાઈઓ વર્ણવતા કહે છે કે * નજીક કે દૂરનાં કોઈ કેન્દ્રમાં જગ્યા ખાલી પડી હોય તો તેનો ચાર્જ પરાણે સોંપવામાં આવે છે.* ચાર્જવાળા કેન્દ્ર પર પણ રોજીંદી હાજરી ફરજિયાત, ત્યાં જવા- આવવાનો મુસાફરી ખર્ચ સંચાલકે પોતે ભોગવવાનો.* સનદી અધિકારી જેવા ઉચ્ચ હોદ્દાવાળી વ્યક્તિના જીવનસાથી પણ અધિકારી બની શકે પરંતુ મભોયો કેન્દ્ર સંચાલકના કોઈ કુટૂંબી સરકારી નોકરિયાત ન હોવા જોઈએ એવો વણલખ્યો નિયમ થોપી બેસાડાય છે.* માસિક હિસાબ આપવા સહિત મહિનામાં બે વખત તાલુકામથકે મામલતદાર કચેરી ખાતે જવા- આવવાનું રહેતું હોવાથી વાહતૂક ભથ્થું ચૂકવવાનો નિયમ કેટલાંક જ મામલતદારો પાળે છે. * ઉનાળુ વેકેશનનું વેતન કાપી લેવાય છે.
મામલતદારો નિમણુક આપતી વખતે લેખિતમાં આ પણ પૂછે છે...
સરકારી પરિપત્રમાં દર્શાવાયેલા ગેરલાયકાતનાં ધોરણો ચકાસવા ઉપરાંત ઘણાં મામલતદારો નિમણુક માટેના અરજીપત્રકમાં સૂચકપણે આ વિગતો પણ પૂછે છેઃ * સહકારી સંસ્થા, આંગણવાડી, પોસ્ટ ડિપાર્ટમેન્ટ, ગ્રામરક્ષક દળ, હોમગાર્ડમાં ફરજ બજાવો છો? * માગણીવાળા કેન્દ્રને લાગુ સસ્તાં અનાજની દુકાનનાં સંચાલનમાં અરજદારના પરિવારની કોઈ વ્યક્તિ સંકળાયેલી છે? * ગ્રામ- તાલુકા કે જિલ્લા પંચાયતમાં સભ્ય છો? * સરપંચ કે સભાપતિ છો? * માગણીવાળા કેન્દ્ર પર કોઈ પરિવારજન મુખ્ય શિક્ષક તરીકે છે? હોય તો તેમની સાથે અરજદારનો સંબંધ શું છે? * કુટૂંબ નિયોજન અપનાવ્યું છે?