જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો, અકબર અઠવાડિયામાં બે દિવસ ખાતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Khichdi in Mughal Kitchens: ગુજરાતીઓની મનપસંદ વાનગીઓનો જો યાદી બનાવવામાં આવે તો તેમાં ખીચડી-કઢી અવશ્ય સ્થાન પામે છે. લગભગ તમામ ઘરના રસોડામાં સ્થાન પામેલી ખીચડીનો સ્વાદ મોગલ બાદશાહોના દાઢે પણ વળગ્યો હતો. અકબરના પુત્ર જહાંગીરને તો ગુજરાતના પ્રવાસ વખતે બાજરીની ખીચડી એ હદે ભાવી હતી કે, દિલ્હીમાં તેણે પોતાના રસોઈયાઓને નિયમિત રીતે આ ખિચડી બનાવીને ખવડાવવાનો હુકમ કર્યો હતો.
ખીચડીના રસપ્રદ ઈતિહાસ અંગે એમ.એસ.યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડો.વિભૂતિ પરીખે..મેપિંગ ખીચડી ઈન ગુજરાતી કયુઝીન એન્ડ બિયોન્ડ... શિર્ષક હેઠળ એક રસપ્રદ રિસર્ચ પેપર લખ્યું છે અને તેમાં ઉપરોકત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિસર્ચ પેપર ઈન્ડિયન ફૂડ એન્થ્રોપોલોજી નામની જર્નલમાં પ્રકાશિત થયું છે.
ખીચડી મોગલ બાદશાહોના રસોડા સુધી પહોંચી હતી
અલગ અલગ ગ્રંથો અને સંદર્ભોના આધારે લખેલા રિસર્ચ પેપર અંગે પ્રોફેસર વિભૂતિ પરીખનું કહેવું છે કે,ભારતના આમ નાગરિકો માટે ખીચડી સદીઓથી થાળીમાં પિરસવામાં આવતી વાનગી રહી છે. જે મોગલ બાદશાહોના રસોડા સુધી પહોંચી હતી. હુમાયુએ પર્શિયા(આજનું ઈરાન)ના બાદશાહને ખીચડી ચખાડી હતી તો આઈને અકબરીમાં અબુલ ફઝલે ઉલ્લેખ કર્યો છે કે, બાદશાહ અકબર શુક્રવારે અને રવિવારે ખીચડી જ ખાતા હતા. એ વારસો તેમના પુત્ર જહાંગીરે દિલ્હીનું સિંહાસન સંભાળ્યા બાદ આગળ ધપાવ્યો હતો.
એલેક્ઝાન્ડર હેમિલ્ટન નામના યુરોપિયન પ્રવાસીએ નોંધ્યું છે કે, ઔરંગઝેબ પણ ખીચડીનો ચાહક હતો અને તે જે ખીચડી ખાતો હતો તેને આલમગીર ખીચડી નામ પણ અપાયું હતું.
2000 વર્ષ જૂના વાસણમાંથી પણ ખીચડીના અવશેષ મળ્યા હતા
મહારાષ્ટ્રના ઓસમાનાબાદ જિલ્લામાં કરાયેલા ઉત્ખનન દરમિયાન આર્કિઓલોજીસ્ટની ટીમને માટીના બે તૂટેલા વાસણો મળ્યા હતા અને તેમાં ચોખા અને મગની દાળના અવશેષો હતા. આ જગ્યા જે તે સમયે ભારતના રોમ સાથેના વેપાર રુટ પર મહત્ત્વનું કેન્દ્ર હતી. જેના કારણે અહીંયા મોટા પાયે રસોઈ પણ બનાવાતી યુનિવર્સિટીના આર્કિઓલોજીસ્ટ માયા પાટિલ શહાપુરકરે કહ્યું હતું કે, કાર્બન ડેટિંગના કારણે વાસણોમાંથી મળેલા દાણાના અવશેષ 2000 વર્ષ જૂના હોવાનું સાબિત થયું હતુ. શક્ય છે કે, તે સમયે પણ ખીચડી બનતી હોય.
ચાણક્યના અર્થશાસ્ત્રમાં ખીચડીની રેસિપી
ચંદ્રગુપ્ત મૌર્યના દરબારના ગ્રીક એમ્બેસેડર મેગસ્થેનિસે પણ નોંધ્યું હતું કે, દાળ અને ચોખાનું મિશ્રણ આમ જનતામાં ઘણું લોકપ્રિય હતું. કારણકે આ વાનગી પૌષ્ટિક હોવાની સાથે બનાવવામાં સરળ હતી. ચાણકયએ પણ અર્થશાસ્ત્રમાં ખીચડી બનાવવાની રેસિપી દર્શાવી છે.
યુરોપના ખલાસીઓ પણ ખીચડી ખાતા થઈ ગયા હતા
યુરોપથી આવતા ખલાસીઓએ પણ પીરે ધીરે ભારતમાં રોકાણ દરમિયાન ખીચડી ખાવાનું શરુ કર્યું હતું. જેમાંથી ખીચડીના એન્ગલો ઈન્ડિયન વર્ઝન વાનગી કેડગેરીનો જન્મ થયો હતો. ભારતમાં લાંબા સમય ગાળીને પાછા આવતા લોકો માટે ઓરિએન્ટલ ટ્રાન્સલેશન કમિટિએ ઈન્ડિયન કૂકરી શિર્ષક હેઠળ ભારતીય વાનગીઓની એક યાદી પ્રકાશિત કરી હતી અને તેમાં ખીચડીનો પણ સમાવેશ કરાયો હતો.
આ પણ વાંચો: ધ્રોલના પોકસોના ગુનામાં ફરાર પાકા કામનો કેદી સાડા ત્રણ વર્ષે ઝડપાયો
ગુજરાતમાં કરવેરાને ખીચડી નામ અપાયું
ગુજરાતના સુબા અલી મહોમ્મદ ખાને લખ્યું છે કે, 1411થી 1442 વચ્ચે ગુજરાતમાં સુલતાન અહમદ શાહના શાસનકાળમાં જમીનદારોને વેરો ચૂકવવાનો રહેતો હતો જમીનદારો આ માટે ખેતી કરનારાઓ પાસેથી જે રકમ વસૂલતા હતા તેને ખીચડી નામ અપાયું હતું.
યુરોપિયન પ્રવાસીઓ-વેપારીઓએ પણ ખીચડીની નોંધ લીધી
ભારતની મુલાકાત લેનારા વિદેશી પ્રવાસીઓ અને ઈતિહાસકારોની નજરે પણ ખીચડી ચઢી ગઈ હતી. તેમણે ખીચડી માટે શું લખ્યું છે તેનો ઉલ્લેખ પણ રિસર્ચ પેપરમાં કરાયો છે.
1. મગને ભાત સાથે ઉકાળવામાં આવે છે, તેમાં ઘી રેડવામાં આવે છે અને તેને નાસ્તામાં ખાવામાં આવે છે. ભારતના લોકો તેને ખીચડી કહે છે. -ઈન બતુતા (14મી સદીમાં ભારતની મુલાકાત લેનાર મોરક્કન પ્રવાસી)
2. ખેડૂતો, નાના દુકાનદારો, કુશળ કારીગરો, નોકરો અને ગુલામો મોટાભાગે ખીચડી ખાતા જોવા મળે છે. તેઓ નાનુ તાપણું કરીને તેના પર ભાત સાથે કઠોળનું મિશ્રણ પકાવે છે. તેમનું કહેવું છે કે, અમારા પેટ માટે આ પુરતું છે. ફ્રાન્સિસ્કો પેલસર્ટ (1620થી 1626 દરમિયાન ભારત આવનાર ડચ વેપારી )
3. ખેડૂતો ભાગ્યે જ માંસાહારી ભોજન કરે છે. સાંજના સમયે તેઓ હંમેશા ખીચડી તરીકે ઓળખાતી વાનગી ખાય છે. - ટેવરનિઅર (1641થી 1667 દરમિયાન ભારતમાં રહેનાર ફ્રેન્ચ વેપારી )
4. ખીચડી ભારતની સૌથી સ્વીકાર્ય વાગની છે. જે ચોખા અને દાળની સાથે ઘીમાં બનાવવામાં આવે છે. પૂર્વ ભારતમાં દુર્ગા પૂજા જેવા તહેવારોમાં ખીચડીને પ્રસાદ તરીકે ધરાવવાની પણ પ્રથા છે. જ્યાં મોટી સંખ્યામાં લોકોને ભોજન કરાવવાનું હોય ત્યાં એક જ વાસણમાં બની જતી ખીચડીનો વિકલ્પ સૌથી વ્યવહારુ છે. -થોમસ કોરવાટ (1612 થી 1617 દરમિયાન ભારત આવનાર અંગ્રેજ પ્રવાસી)
હાથી-ઘોડાને ખીચડી ખવડાવાતી હતી
1443માં કમાલુદ્દીન અબ્દુર રઝાક નામના ઈતિહાસકારે નોંધ્યું છે કે, દક્ષિણના રાજ્ય વિજયનગરમાં રાજવી પરિવારના હાથીઓ અને ઘોડાઓને પણ ખીચડી ખવડાવવામાં આવતી હતી. જેમાં મીઠું, તેલની સાથે ખાંડ પણ ઉમેરવામાં આવતી હતી. સુરતથી ઔરંગાબાદ તરફ જઈ રહેલા રશિયન પ્રવાસી એથર્નેસિયસ નિકિતિને નોંધ્યું હતું કે, ઘોડાઓને ચણાની સાથે ખીચડી ખોરાકમાં અપાતી હતી.
અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ખીચડી વધારે લોકપ્રિય
ગુજરાતમાં ખીચડી અન્ય રાજ્યો કરતા વધારે લોકપ્રિય છે. બીજા રાજ્યોમાં ખીચડી માંદા માણસને ખવડાવવામાં આવે છે તેવું મેં જોયું છે. જ્યારે ગુજરાતમાં ખીચડી ભોજનની મુખ્ય ધારામાં સામેલ છે. ધનિક પરિવારોથી માંડી ગરીબોના રસોડામાં ખીચડી બને છે. ઉપરાંત ઐતહાસિક દસ્તાવેજોનો અભ્યાસ કરતી વખતે દરેક યુરોપિયન પ્રવાસીના ભારતના પ્રવાસ વર્ણનમાં ખીચડીનો ઉલ્લેખ જોવા મળતો હતો. જેના કારણે મેં ખીચડી પર સંશોધન કરવાનું નક્કી કર્યુ હતું. પ્રો.વિભૂતિ પરીખ ઈતિહાસ વિભાગ, એમ.એસ.યુનિવર્સિટી.








