રાજ્યના ચાર ઝોનમાં ડ્રગ્સના કેસ માટે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના
રાજ્યમાં ડ્રગ્સનું નેટવર્ક બેકાબુ બનતા હવે , ગૃહવિભાગ એક્શન મોડમાં
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને બોર્ડર ઝોન માટે એસપી, ડીવાયએસપી અને પીઆઇ સહિત ૧૭૭ જેટલું વધારાનું મહેકમ ફાળવાયું
અમદાવાદ,સોમવાર
ગુજરાતમાં સ્થાનિક શહેરોમાં ડ્રગ્સ માફિયા બેકાબુ બન્યા છે. જેમાં એમ ડી ડ્રગ્સનું સેવન કરવાનું પ્રમાણમાં ખુબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેને કાબુમાં લેવા માટે ગુજરાતની સ્થાનિક પોલીસને ધાર્યા મુજબ સફળતા મળી નથી. માત્ર એનડીપીએસના કેસ પર ધ્યાન કેન્દ્રીત કરી શકાય તે માટે ગૃહવિભાગ દ્વારા એન્ટી નોર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં એસપી ,ડીવાયએસપી સહિત કુલ ૧૭૭ પોલીસ કર્મીઓના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. એન્ટી નોર્કોટીક્સ ટાસ્ક ફોર્સને રાજ્યના ચાર ઝોનમાં સક્રિય કરવામાં આવી છે. જે તેમના ઝોનમાં આવતા શહેરોમાં એનડીપીએસના લગતા કેસ પર કાર્યવાહી કરશે.
ગુજરાતનો દરિયા કિનારો પાકિસ્તાન અને ઇરાનથી ડ્રગ્સ ઘુસાડવા માટે ડ્રગ્સ માફિયાઓ માટે મુખ્ય છે. જ્યાંથી અબજો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. સાથેસાથે ગુજરાતના નાના મોટા શહેરોમાં હવે યુવા પેઢી ડ્રગ્સના દુષણનો શિકાર બની છે. જેમાં એમ ડી ડ્ગ્સ મળવું હવે સામાન્ય બાબત બની ગઇ છે. આ ઉપરાંત, ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી હાઇબ્રીડ ગાંજો મંગાવવાના કેસમાં અનેક ગણો ઉછાળો આવ્યો છે. આમ, યુવા પેઢીમાં ડ્રગ્સના સેવનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે.
ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્તરે ડ્ગ્સના નેટવર્કને તોડવા માટે હવે ગૃહવિભાગે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં અગાઉ મર્યાદિત સ્ટાફ હતો. પરંતુ, હવે ટાસ્ક ફોર્સને માત્ર એનડીપીએસને લગતા કેસ પર ધ્યાન કેન્દ્રીત કરવાની કામગીરી સોંપવામાં આવતા ટાસ્ક ફોર્સને વધુ મજબુત બનાવવી જરૂરી હોવાથી એક એસપી, ૬ ડીવાયએસપી, ૧૩ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ૧૭૭ સ્ટાફને ટાસ્ક ફોર્સની કામગીરી સોંપવામાં આવી છે. આ સાથે ટાસ્ક ફોર્સને રાજ્યના ચાર ઝોનમાં સક્રિય કરાશે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને બોર્ડર ઝોનનો સમાવેશ થાય છે. જેથી તે ઝોન પ્રમાણે નોર્કોટીક્સ નેટવર્કને તોડવા માટે રાજ્યના દરેક શહેરમાં ટાસ્ક ફોર્સને સક્રિય કરાશે. આ માટે ફોર્સને ઝોન પ્રમાણે આધુનિક ટેકનોલોજીથી પણ સજ્જ કરાશે.