ગૃહવિભાગે CID ક્રાઇમના પૂર્વ વડા સહિતના અધિકારીઓની પુછપરછ કરી
એસએમસી દ્વારા સીઆઇડી ક્રાઇમમાં સરપ્રાઇઝ ચેકિંગનો મામલો
અમદાવાદથી ગાંધીનગર સાઇડ પોસ્ટીંગમાં રહેલા એક આઇપીએસની જીદના કારણે પોલીસ વિભાગ ચર્ચામાં આવતા ગૃહવિભાગ નારાજ થયો
અમદાવાદ,સોમવાર
ગાંધીનગર પોલીસ ભવનમાં સીઆઇડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખામાં અરજીની તપાસમાં ભ્રષ્ટ્રાચાર અને વધારે સમય લેવાને કારણે કામના ભારણના મામલે કરવામાં આવેલી ફરિયાદ બાદ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગના નામે તપાસ કરવામાં આવતા ભારે વિવાદ થયો હતો. જે અંગે ગૃહવિભાગે ગંભીર નોંધ લીધી હતી. જે અનુસંધાનમાં સોમવારે ગૃહવિભાગમાં સીઆઇડી ક્રાઇમના પૂર્વ વડા રાજકુમાર પાંડિયન, મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને ડીજીપી વિકાસ સહાયને બોલાવીને સમગ્ર મામલે પુછપરછ કરીને વિગતો અગે માહિતી મેળવી હતી. આ અંગે આગામી સમયમાં અન્ય અધિકારીઓની પુછપરછ કરવામાં આવશે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગાંધીનગર પોલીસ ભવનમાં થોડા દિવસ પહેલા સીઆઇડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખામા અરજીઓની તપાસમાં લાંબો સમય લેવામાં આવતો હોવાની સાથે કેટલાંક અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ્રાચાર કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવતા ડીજીપી વિકાસ સહાયે સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિલિપ્ત રાયને ચેકિંગ કરવા માટે સુચના આપી હતી. જેમાં અરજીની તપાસમાં યોગ્ય રીતે થાય તે માટેની કાર્ય પદ્ધતિ અંગે પણ માર્ગદર્શનની તાકીદ કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું.
પરંતુ, તપાસ ચાલુ હતું તે દરમિયાન પીએસઆઇ સિસોદીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે એવી વિગતો ચર્ચામાં આવી હતી કે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સીઆઇડી ક્રાઇમમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક અરજીઓ અંગે નોંધ પણ કરવામાં આવી હતી. ત્યારે એવી બાબતે સિનિયર આઇપીએસ અધિકારીઓમાં એવી પણ ચર્ચા હતી કે સીઆઇડી ક્રાઇમના પૂર્વ વડાએ પણ કેટલીક બાબતમાં દરમિયાનગીરી કરી હતી.
આ સમગ્ર બાબત ગૃહવિભાગના ધ્યાનમાં આવતા સોમવારે આ વિવાદ અંગે માહિતી મેળવવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય , સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને સીઆઇડી ક્રાઇમના પૂર્વ વડા રાજકુમાર પાંડીયનને બોલાવીને વિગતો એકઠી કરવામાં આવી હતી. સાથેસાથે ગાંધીનગરમાં હાલમાં સાઇડ લાઇનની પોસ્ટ પર રહેલા એક આઇપીએસની ભૂમિકાને લઇને પણ ગૃહવિભાગ નારાજ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.