Get The App

ગુજરાતના માર્ગો રક્તરંજિત: બનાસકાંઠા અને ધ્રાંગધ્રામાં બે ભયાનક અકસ્માત, 4 વ્યક્તિઓના કરૂણ મોત

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના માર્ગો રક્તરંજિત: બનાસકાંઠા અને ધ્રાંગધ્રામાં બે ભયાનક અકસ્માત, 4 વ્યક્તિઓના કરૂણ મોત 1 - image


Gujarat Road Accidents: ગુજરાતમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. સોમવારે રાત્રે રાજ્યના બે અલગ-અલગ જિલ્લાઓમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. બનાસકાંઠાના વડગામમાં રીક્ષા અને પીકઅપ ડાલા વચ્ચેની ટક્કરમાં બે મહિલાઓના મોત થયા છે, જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર કાર પલટી જતાં બે યુવાનો કાળનો કોળિયો બન્યા છે.

બનાસકાંઠા: પીકઅપ ડાલાએ રીક્ષાને ઉડાવી, બે મહિલાઓના ઘટનાસ્થળે મોત

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના લીંબોઈ નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. વડગામથી લીંબોઈ જતી પેસેન્જર રીક્ષાને પૂરઝડપે આવી રહેલા એક પીકઅપ ડાલાએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષામાં સવાર લીંબોઈ ગામની બે મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતા જ વડગામ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પીકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર લીંબોઈ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ધ્રાંગધ્રા હાઇવે પર કાર ખાડામાં ખાબકી, બે આશાસ્પદ યુવાનોના મોત

બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર હરીપર ગામ નજીક ગત મોડી રાત્રે એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈને રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ક્રિપાલસિંહ ઝાલા અને બોનિલભાઈ દેસાઈ નામના બે યુવાનોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. કારમાં સવાર અન્ય બે યુવાનોને પણ નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાઇવે પર વારંવાર સર્જાતા અકસ્માતોને લીધે સ્થાનિકો અને વાહનચાલકોમાં વહીવટી તંત્ર સામે ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.