Get The App

ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી 1 - image


Conversion Case: ગુજરાત હાઈકોર્ટે ધર્મ પરિવર્તનને લગતા કેસના ચુકાદામાં મહત્ત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તનનો ભોગ બનેલા હોવાનો દાવો કરતી વ્યક્તિ જો અન્ય લોકોને ધર્માંતરણ કરવા માટે પ્રેરિત કરવાના કૃત્યમાં સંડોવાયેલી હોય તો તેની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી શકાય છે.

કેટલાક અરજદાર-આરોપીઓ તરફે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી રજૂઆત કરી હતી કે તેમનું ધર્માંતરણ થયું છે અને તેઓ આ મામલામાં પીડિત હોવાથી તેમની વિરુદ્ધ કાર્યવાહી ન થવી જોઈએ. જોકે કોર્ટે FIRમાં લગાવવામાં આવેલા આક્ષેપની નોંધ લેતા કહ્યું કે આરોપીઓ પર દબાણ અને લાલચ દ્વારા અન્ય લોકોને ધર્માંતરણ માટે લલચાવવાનો આરોપ છે.

આરોપીઓ વિરુદ્ધ દાખલ કરાયેલી FIRમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2018માં ફરિયાદીને ખોટી જાણકારી આપી સુરતમાં ધર્માંતરણ કરવવામાં આવ્યો હતો. જ્યાં પહેલાથી લખેલા દસ્તાવેજ પર અંગૂઠાની છાપ આપવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ ફરિયાદીનું નામ બદલીને નવું આધાર કાર્ડ જારી કરવામાં આવ્યું હતું. ફરિયાદી તરફે દાવો કરવામાં આવ્યો કે 37 પરિવારોના લગભગ 100 વ્યક્તિઓને પૈસા અને અન્ય લોભામણી લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું.

કોર્ટે એ પણ નોંધ્યું હતું કે FIR દાખલ થાય તે પહેલાં એક અરજદાર 25 વખત ભારતની મુલાકાતે આવ્યો હતો અને તપાસ દરમિયાન સહકાર આપતો ન હતો. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીની FIR રદ કરવાની કાર્યવાહી ફગાવી દીધી હતી.

આ ગુનાના સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી FIRમાં 9 આરોપીઓના નામ સામેલ હતા. જોકે તપાસ બાદ કુલ 16 આરોપીઓની સંડોવણી સામે આવી છે. ઘણા અરજદાર-આરોપીઓએ FIR રદ કરવાની અરજી દાખલ કરી હતી, જોકે કોર્ટે તેને ગ્રાહ્ય રાખી નહોતી.

FIRમાં વિદેશી ભંડોળ દ્વારા લોકોને ધર્માંતરણ કરાવવાનું રાષ્ટ્રવ્યાપી કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો આરોપ છે. વર્ષ 2021માં ભરૂચના અમોદ પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા કેટલાક આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 120(B) (ગુનાહિત કાવતરું), 295(A) (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે ઇરાદાપૂર્વકના કૃત્યો) સહિતની અલગ અલગ કલમો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કેટલાક અરજદારોએ FIR રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

Tags :