Get The App

બિચ્છૂ ગેંગના નામચીન અસલમ બોડિયાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કરી

અસલમને દેશના કાયદા પ્રત્યે સહેજ પણ માન નથી તેવી દલીલો

અરજદારની સ્વતંત્રતા જાહેર જનતાના ભોગે ન હોવી જોઈએ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
બિચ્છૂ ગેંગના નામચીન અસલમ બોડિયાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કરી 1 - image



ગુજસીટોકનો વડોદરામાં પહેલો ગુનો બિચ્છૂ ગેંગ વિરૃદ્ધ દાખલ થયો હતો. જેમાં નામચીન અસલમ બોડિયો છેલ્લા સાડા ચાર વર્ષથી જેલમાં છે. ગુનાની ચાર્જશીટ બાદ અસલમે હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારતા કોર્ટે તેને નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.

જામીન અરજીની સુનાવણી દરમ્યાન અરજદારની દલીલો હતી કે, છેલ્લા ચાર વર્ષ અને છ મહિના વધુ સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે. જેલવાસના સમયગાળાને ધ્યાનમાં લેતા યોગ્ય શરતો રાખી તેને મુક્ત કરી શકાય છે. સરકાર તરફે સરકાર તરફે ગુજરાત  હાઇકોર્ટના એપીપી હાર્દિક સોનીની દલીલો હતી કે, અરજદાર સંગઠિત ગુના સિન્ડિકેટના લીડર છે. અરજદાર સામે 64થી વધુ અને ગેંગ સામે કુલ 202 ગુના નોંધાયા છે. વડોદરા અને કચ્છ જેલમાં અયોગ્ય વર્તનના કારણે હાલ અરજદાર રાજકોટ જેલમાં છે. વડોદરા કોર્ટમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટની કાર્યવાહીમાં હાજરી આપતી વખતે અરજદારે બધાની હાજરીમાં કોર્ટના એક કર્મચારીને ધમકી આપતા તે અંગે પણ ગુનો નોંધાયો હતો. અગાઉ જામીન વખતે રાજસ્થાન જઈ શરત ભંગ કર્યો હતો. આ દર્શાવે છે કે, અરજદારને દેશના કાયદા પ્રત્યે સહેજ પણ માન નથી. જામીન આપવામાં આવે સાક્ષીઓને ધમકી આપે તેવી શક્યતા છે. ગુજસીટોક એકટના અમલ બાદ અરજદાર સામે પાંચ ગુના નોંધાયા છે. ભારતીય ન્યાય સહિતામાં ઉલ્લેખિત લગભગ તમામ મુખ્ય ગુનાઓ જેવા કે હત્યા, હત્યાનો પ્રયાસ ,અપહરણ ,ખંડણી, લૂંટ, ચોરી, જુગાર વગેરેમાં અરજદાર સંડોવાયેલ છે. હાઈકોર્ટે  નોંધ્યું હતુ કે, આરોપીનું વર્તન જોવું પણ જરૂરી છે. આરોપીની સ્વતંત્રતા જાહેર જનતાના ભોગે ન હોવી જોઈએ. એક તરફ અરજદાર તેમની જેલવાસની અવધી બતાવીને આ કોર્ટની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અને બીજી તરફ સહ આરોપીઓ મામલાના ઝડપી નિકાલ માટે ટ્રાયલ કોર્ટને સહકાર આપી રહ્યા નથી. જ્યારે ટ્રાયલ કોર્ટને બાર મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોક હેઠળના ગુનામાં પોલીસે નામચીન અસલમ ઉર્ફે બોડિયો હૈદરમીંયા શેખ (રહે.નવાપુરા, મહેબૂબપુરા)ની તા.૦૧-૦૨-૨૦૨૧ ના રોજ ધરપકડ કરી હતી. ત્યારબાદ આ ગુનામાં  કુલ ૨૬ આરોપીઓની ધરપકડ થઇ હતી.

Tags :