ગુજરાત હાઈકોર્ટે PSIની ભરતીમાં વિષય દીઠ 40 ટકા ગુણ મેળવવાનો ગૌણ સેવા પસંદગી બોર્ડના નિર્ણયને માન્ય રાખ્યો
Gujarat News : વર્ષ 2021માં પોલીસ સબ ઈન્સપેક્ટર / ઈન્સટ્રક્ટર વર્ગ-3ની ભરતીની જાહેરાતમાં મેઈન્સની લેખિત પરીક્ષામાં વિષય દીઠ 40 ટકા માર્કસ મેળવવા પડશે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ ન કરાયો હોવાથી પરીક્ષામાં કુલ 40 ટકાથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારોની પસંદગી કરી નવું સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.
ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ નિખિલ કારિયલે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું કે, ભરતીની જાહેરાતમાં લેખિત પરીક્ષા શબ્દનો ઉલ્લેખ કરાયો છે, જે પરીક્ષામાં મેળવેલા કુલ ગુણ નહિ, પરંતુ વિષય દીઠ મેળવેલા 40 ટકા ગુણને લાગુ પાડે છે. ભરતીમાં રિક્રુટમેન્ટ રૂલ્સનો મુખ્ય હેતુ સૌથી પ્રતિભાશાળી ઉમેદવારોની પસંદગી કરવાનું હોય છે, જેને તમામ વિષયોનું સારું જ્ઞાન હોય, તેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. જો અરજદારોની માંગ સ્વીકારવામાં આવશે, તો રિક્રુટમેન્ટ રૂલ્સ આધારિત પસંદગી પ્રક્રિયાને હેતુ નિષ્ફળ સાબિત થશે.
અરજદારના વકીલ તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ભરતીની જાહેરાત અને ભરતીના નિયમોમાં ક્યાંય એવું દર્શાવવામાં આવ્યું નથી કે ઉમેદવારોએ વિષય દીઠ 40 ટકા ગુણ મેળવવા પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડનો આ નિર્ણય દર્શાવે છે કે તેને ભરતીના નિયમોને યોગ્ય રીતે અનુસર્યા નથી. ભરતીની જાહેરાતમાં ઉલ્લેખ કરાયો છે કે લેખિત પરીક્ષામાં 40 ટકા ગુણ મેળવવા પડશે, જેનો અર્થ પરીક્ષામાં કુલ 40 ટકા ગુણ મેળવવાનો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડનો નિર્ણય નિયમોની વિરુદ્ધ છે અને માટે આ મામલામાં કોર્ટના હસ્તકક્ષેપની જરૂર છે.
સરકારી વકીલે કોર્ટમાં દલીલ આપી કે, અરજદારોની પસંદગી અયોગ્ય રહેશે, કારણે કે તેમણે કેટલાક વિષયમાં વધારે ગુણ મેળવ્યા હશે, પરંતુ કોઈ એક વિષયમાં લઘુત્તમ 40 ગુણ કરતા પણ ઓછા માર્કસ મેળવ્યા છે. પસંદગી બોર્ડ દ્વારા માર્કસ મુદ્દે જે સ્પષ્ટતા આપવામાં આવી હતી એ ઉમેદવારોની સારી જાણકારી માટે આપી હતી અને માટે તેને ભરતી પ્રક્રિયા બાદ કરાયેલી સ્પષ્ટતા માની શકાય નહિ..
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, વર્ષ 2021માં પોલીસ સબ ઈન્સપેક્ટ / ઈન્સટ્રક્ટર વર્ગ-3ની ભરતી માટે જાહેરાત આપવામાં આવી હતી. આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (Gujarat Subordinate Services Selection Board) દ્વારા લેવામાં આવી હતી. અરજદારોએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, મે-2023માં આ ભરતી પ્રક્રિયા હેઠળ મેઈન્સની પરીક્ષા માટે 44 ઉમેદવાર હાજર રહ્યાં હતા, જે બાદ બોર્ડે પરિણામમાં 10 સફળ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જ્યારે અરજદારો સહિત 31 લોકોના નામ અસફળ ઉમેદવારોની યાદીમાં હતું. અરજદારોની માંગ હતી કે સફળ ઉમેદવારોની સૂચિ રદ કરી, તેમને (અરજદાર) સફળ ઉમેદવાર માની નવી યાદી જાહેર કરવામાં આવે, જોકે હાઈકોર્ટે તેમની આ માંગ ફગાવી દીધી છે.