દબાણ, રખડતાં ઢોર અને ગેરકાયદે પાર્કિંગ દૂર કરવા એ સ્થાનિક પોલીસની જવાબદારી : હાઈકોર્ટ
Gujarat High Court News: અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગો અને ફૂટપાથ પર ગેરકાયદે દબાણો અને ટ્રાફિક-ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં બુધવારે સરકાર અને સત્તાવાળાઓ તરફથી કામગીરીનો પ્રગતિ અહેવાલ રજૂ કરાયો હતો. જો કે, જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ આર.ટી.વાચ્છાણીની ખંડપીઠે ફરી એકવાર રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને બહુ માર્મિક ટકોર કરી હતી કે, અમે જાણીએ છીએ કે, આ મેટર અત્યારે દર બુધવારે ચાલે છે, તેથી સત્તાવાળાઓ કામગીરી કરી રહ્યા છે, આ બાબત અમારા ઘ્યાનમાં છે.
પરંતુ સત્તાવાળાઓએ અસરકાર અને પરિણામલક્ષી કામગીરી નિયમિત ધોરણે અને સતત ચાલુ રાખવાની છે, તેમાં કોઇપણ પ્રકારની શિથિલતા આવવી ના જોઇએ. વધુમાં, હાઇકોર્ટે હવેથી જો ટ્રાફિક કે રોંગ સાઇડ ડ્રાઇવીંગ સહિતના નિયમોના ભંગના કિસ્સામાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટરની જવાબદારી ઠરાવવા પણ સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો.
કન્ટેમ્પ્ટ પિટિશનમાં સરકાર, સત્તાવાળાઓને હાઇકોર્ટની ટકોર : નીંભરતા સાંખી લેવાશે નહીં
કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે તેના ઘ્યાન પર આવેલી કેટલીક બાબતને લઇ સરકારપક્ષને ટકોર કરી હતી કે, શહેરમાં માર્ગો પર અને જુદા જુદા સ્થળોએ આડેધડ પાર્કિગ તો થાય જ છે પરંતુ હવે તો લોકો રોંગ સાઇડમાં જમણી બાજુએ પાર્ક કરતા થયા છે, રોંગ સાઇડ વાહન હંકારવાના દૂષણ બાદ રોંગ સાઇડ વાહન પાર્કિગની સમસ્યાને લઇને પણ સત્તાવાળાઓએ યોગ્ય પગલાં લેવા જોઇએ. હાઇકોર્ટે સત્તાવાળાઓને વધુમાં જણાવ્યું કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ સહિતના સંબંધિત સત્તાવાળાઓ અત્યારે જે કામગીરી કરી રહ્યા છે તે બરોબર છે પરંતુ આ કામગીરી અદાલતને માત્ર દેખાડવા પૂરતી નહી પરંતુ નિષ્ઠાપૂર્વક સતત અને નિયમિત ધોરણે ચાલુ રહેવી જોઇએ, તો જ સાચા અર્થમાં પરિણામ મળશે.
હાઇકોર્ટે વધુમાં ઉમેર્યું કે, આ કેસમાં 70થી વધુ હુકમો બાદ પણ પ્રશાસન નિંભરતા દેખાડે તે કોઇ સંજોગોમાં સાંખી લેવાશે નહી. શહેર સહિત રાજ્યના કલ્યાણ અને સુખાકારી માટે પગલાં લેવા એ સરકાર અને સત્તાવાળાઓની જવાબદારી છે. હાઇકોર્ટે શહેર અમુક રસ્તાઓ પર જ નહી પરંતુ તમામ રસ્તાઓ અને અન્ય વિસ્તારોમાં પણ આ કામગીરી હાથ ધરવા સત્તાવાળાઓને કડક તાકીદ કરી હતી.
હાઇકોર્ટે એટલે સુધી સરકારપક્ષને જણાવ્યું હતું કે, જો હવેથી રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના ટ્રાફિક નિયમો કે જોગવાઇઓનું ભંગ થાય તો સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટરની જવાબદારી નક્કી કરો અને કસૂર થયેથી તેમની સામે કાર્યવાહી કરો.સરકાર અને સત્તાવાળાઓ તરફથી આજે હાઇકોર્ટ સમક્ષ પ્રગતિ અહેવાલ રજૂ કરી તેઓ રોંગ સાઇડ વાહનો વિરૂદ્ધની ઝુંબેશ, માર્ગો અને ફૂટપાથ પરથી દબાણો અને ગેરકાયદે પાર્કિંગ સહિતના મામલે જરૂરી કામગીરી કરી રહ્યા હોવાના દાવા કરાયા હતા અને તેને લઇ દંડ વસૂલાત સહિતની જરૂરી આંકડાકીય માહિતી પણ રજૂ કરાઇ હતી. સરકારપક્ષ તરફથી એ પણ સ્પષ્ટ કરાયું કે, શહેરના સાત ઝોનમાં દબાણ હટાવવા માટે વિશેષ ડ્રાઇવ કરવામાં આવશે. તો, બોપલ-ધુમામાં ડ્રાઇવ ચાલુ રખાશે. તદુપરાંત, રોંગ સાઇડ વાહન પકડાય તો વાહન જપ્તીની સાથે સાથે અગાઉના નહી ભરેલા તમામ ચલણ ભરાયા પછી વાહન છોડવાની તજવીજ હાથ ધરાઇ છે.
જો કે, સરકાર અને સત્તાવાળાઓના આ દાવાઓ વચ્ચે તેમની કામગીરીની નોધ લેતાં હાઇકોર્ટે સાથે સાથે એવી પણ તેઓને ટકોર કરી હતી કે, અગાઉ પણ હાઇકોર્ટે જયારે હુકમો કર્યા છે અને આકરું વલણ અપનાવ્યું છે ત્યારે સત્તાવાળાઓ દોડતા થાય છે અને કામગીરી કરે છે. અમને એ પણ ખબર છે કે, આ કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી અત્યારે ચાલી રહી છે એટલે સરકારપક્ષ અને સત્તાવાળાઓ કામગીરી કરી રહ્યા છે પરંતુ માત્ર કેસની સુનાવણી વખતે અદાલતના ઘ્યાન પર મૂકવા પૂરતી કામગીરી થાય તેવુ ના થવું જોઇએ.