ગુજરાત હાઈકોર્ટ સમક્ષ 'પાર્ટી-ઇન-પર્સન' તરીકે હાજર રહી પોતાની માતૃભાષા ગુજરાતીમાં દલીલો કરવાની મંજૂરી માંગતી પક્ષકારની રિટ અરજી અદાલતે ફગાવી દીધી છે. જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીએ આ મામલે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, હાઈકોર્ટની અધિકૃત ભાષા અંગ્રેજી હોવાથી તમામ ન્યાયિક કાર્યવાહી અને દલીલો માત્ર અંગ્રેજીમાં જ થવી જોઈએ. અદાલતે વધુમાં ઉમેર્યું કે, કાયદાકીય જોગવાઈઓ મુજબ અન્ય કોઈપણ ભાષામાં રજૂઆત કરવાની પરવાનગી આપી શકાય નહીં.
હાઈકોર્ટમાં ભાષાના આધારે ન્યાયિક લડાઈ
ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટી દ્વારા અરજદારને અંગ્રેજી ભાષામાં નબળા હોવાના ગ્રાઉન્ડ પર દલીલો કરવા માટે અસમર્થ જાહેર કરવામાં આવ્યા હતા. કમિટીના આ નિર્ણય અને પોતાને અસમર્થ ઠેરવતા પ્રમાણપત્રને અરજદારે હાઈકોર્ટમાં રિટ અરજી મારફતે પડકાર્યો છે.
માતૃભાષામાં દલીલ કરવાની મંજૂરીની માંગ
અરજદાર પક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમને 'પાર્ટી-ઇન-પર્સન' તરીકે પોતાની માતૃભાષા ગુજરાતીમાં કેસ રજૂ કરવાની પરવાનગી આપવામાં આવે. જોકે, હાઈકોર્ટની કમિટીએ અવલોકન કર્યું હતું કે અરજદાર માત્ર ધોરણ-10 પાસ છે અને અંગ્રેજી ભાષા સમજવામાં કે તેમાં અસરકારક રજૂઆત કરવામાં સક્ષમ નથી. કમિટીના મતે, અરજદાર પાસે કેસની જટિલ હકીકતોને અંગ્રેજીમાં સમજાવવાની પૂરતી ક્ષમતા ન હોવાથી તેઓ ન્યાયિક કાર્યવાહીમાં અદાલતને સહાયરૂપ થઈ શકે તેમ નથી.
અંગ્રેજીનો આગ્રહ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન
અરજદારે કમિટીના આ નિર્ણયને ગેરકાયદે અને અયોગ્ય ઠેરવવાની માંગ સાથે દલીલ કરી હતી કે, હાઈકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષાનો જ આગ્રહ રાખવો તે તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય બંધારણે દરેક નાગરિકને પોતાના વિચારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપેલી છે, તેથી તેમને પોતાની માતૃભાષા ગુજરાતીમાં રજૂઆત કરવાની પૂરતી તક મળવી જોઈએ.
હાઈકોર્ટે અરજદારની રિટ પિટિશન ફગાવી
અરજદારની રિટ અરજી ફગાવી દેતા હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, લીગલ સર્વિસ કમિટીના પ્રમાણપત્રમાં કોઈ કાયદાકીય ખામી જણાતી નથી. અદાલતે આ ચુકાદામાં વર્ષ 2015ના 'મનીષ કનૈયાલાલ ગુપ્તા વિરુદ્ધ ગુજરાત રાજ્ય'ના કેસનો સંદર્ભ ટાંક્યો હતો, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે અને તમામ રજૂઆતો માત્ર અંગ્રેજીમાં જ થવી જોઈએ. હાઈકોર્ટે વધુમાં નોંધ્યું કે, પક્ષકાર ત્યારે જ જાતે દલીલ(Party-in-person) કરી શકે છે જ્યારે કમિટી તેને અંગ્રેજીમાં રજૂઆત કરવા માટે સક્ષમ હોવાનું પ્રમાણપત્ર આપે.
ગુજરાતીમાં દલીલનો આગ્રહ રાખવો અયોગ્ય
હાઈકોર્ટ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર માત્ર ગુજરાતીમાં જ દલીલો કરવાનો આગ્રહ રાખી શકે નહીં, કારણ કે અદાલતી કાર્યવાહી સમજવા માટે પણ તેમને દુભાષિયા(Interpreter)ની જરૂર પડે તેમ છે. જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીએ નોંધ્યું હતું કે, હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટી દ્વારા અરજદારને કાયદાકીય સહાય માટે પહેલેથી જ વકીલ ફાળવવામાં આવ્યા છે, જેઓ તેમના વતી દલીલો કરી શકે છે. અંતે, અરજદારની રિટ અરજીમાં કોઈ કાયદાકીય તથ્ય(Merit) ન જણાયાથી અદાલતે તેને ફગાવી દીધી હતી.


