પરીણિતાને પિયરીયાએ પણ ના રાખી, અંતે બાળપણની સખી વહારે આવી, પતિના ત્રાસથી કંટાળી હતી
Gujarat High Court News : પતિના માનસિક-શારીરિક ત્રાસના કારણે કંટાળીને પતિ કે સાસરિયાઓ સાથે રહેવા નહી માંગતી એક પરીણિતાને પિયરપક્ષના લોકોએ પણ રાખવાનો ઇન્કાર કરી દેતાં પરીણિતાએ નાછૂટકે તેની બાળપણની બહેનપણીનો સંપર્ક કરી પોતાની વ્યથા જણાવી હતી. બાળપણની બહેનપણીએ હિંમત બતાવી પોતાની આ પરીણિતબહેનપણીને પોતાની સાથે રાખવાની તૈયારી બતાવી પરંતુ તેઓના માથે સાસરિયા અને પિયર પક્ષ તરફથી હુમલાનું અને જાનનું જોખમ હોઇ પરીણિતાએ પોલીસ પ્રોટેકશન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં સરકાર પક્ષ તરફથી બંને બહેનપણીઓની સુરક્ષાને ઘ્યાનમાં લઇ તેઓને 20 દિવસ માટે વચગાળાનું પોલીસ રક્ષણ અપાયું હોવાનો રિપોર્ટ હાઇકોર્ટમાં ફાઇલ કરાયો હતો. બે બહેનપણીઓના વિચિત્ર અને રસપ્રદ કેસની વઘુ સુનાવણી હાઇકોર્ટે સુનાવણી આગામી મહિને રાખી હતી.
હાઇકોર્ટ પહોંચ્યો બે બહેનપણીનો વિચિત્ર કિસ્સો
સાસરિયાઓ અને પિયરપક્ષના તરછોડાવાના વમળમાં ફસાયેલી પરીણિતાને બાળપણની બહેનપણી તરફથી અપાયેલા હુંફ અને આશરાના કંઇક રસપ્રદ એવા કિસ્સાની વિગતો એવી છે કે, પરીણિતમહિલાની ઉમંર હાલ 32 વર્ષની છે અને તેના લગ્ન 13 વર્ષ પહેલાં પોતાનાથી 15 વર્ષ મોટી ઉમંરના પુરુષ સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેને સંતાનો પણ થયા હતા. જો કે, લગ્ન જીવન દરમ્યાન તેને શરૂઆતથી જ પતિ તરફથી શારીરિક માનસિક ત્રાસ અપાતો હતો, પતિ દારૂ પીવાની ટેવ વાળો અને શંકાશીલ હોવાના કારણે ઘરમાં રોજના ઝઘડા સામાન્ય બની ગયા હતા.
બાળપણની બહેનપણી યાદ આવી
લગ્નજીવનમાં રોજેરોજના ઝઘડાઓ અને પતિ-સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરીણિતાએ પતિનું ઘર છોડવાનો નિર્ણય કરી લીધો અને પોતાના પિયર ગઇ હતી. જો કે, પિયરપક્ષના લોકોએ પણ સમાજની બીકે તેને આશરો આપવાની કે કાયમ રાખવાની ના પાડી દેતાં પરીણિતા માટે ધર્મસંકટ ઉભુ થયું હતું. જીવનની આવી કપરી અને કટોકટીભરી સ્થિતિમાં જયારે તેને કંઇ સૂઝતુ નહોતુ ત્યારે તેને પોતાની બાળપણની બહેનપણી યાદ આવી કે, જે પણ હાલ પરીણિતછે અને સુખી સંપન્ન જીવન જીવી રહી છે. પરીણિતાએ પોતાની બહેનપણીને વાત કરી કે, તેના માટે હવે કયાં જવુ તે બહુ યક્ષપ્રશ્ન બની રહ્યો છે, આવી પરિસ્થિતિમાં શું તું મને આશરો આપી શકીશ? બાળપણની બહેનપણીએ દુઃખના આ કપરા સમયમાં પોતાની પરીણિતબહેનપણીને સાથ આપી હિંમત દાખવી હતી અને તેને પોતાના ઘરમાં આશરો આપવાની તૈયારી બતાવી હતી.
પિયરપક્ષ તરફથી હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ
બીજીબાજુ, પરીણિતાના પતિ અને પિયરપક્ષ તરફથી હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ કરી પરીણિતાનો કબ્જો મેળવવા દાદ માંગી પરંતુ પરીણિતાએ હાજર થઇ તે હવે તેના પતિ, સાસરિયામાં કે પિયરમાં કોઇની સાથે રહેવા માંગતી નથી અને તે પોતાની બહેનપણી સાથે જ જવા માંગે છે, તેથી હાઇકોર્ટે પોલીસ પ્રોટેકશન સાથે તેને તેની બહેનપણી સાથે મોકલી આપી હતી. પ્રોટેકશન તેઓને પોલીસ બહેનપણીના ત્યાં મૂકવા ગઇ ત્યાં સુધીનું જ હતું.
હાઇકોર્ટે સરકારપક્ષ અને પ્રાંતિજ પોલીસને નોટિસ કરી
બીજીબાજુ, પરીણિતાએ પોતાની સાથે કાયદેસર એમઓયુ કર્યો હતો અને તેની સાથે તેના ઘેર રહેવા માંડી હતી. આ દરમ્યાન પરીણિતાની બહેનપણીના ઘેર બે વખત હુમલા થયા હતા, જેમાં તેના ઘરના કાચ, વાહનોમાં તોડફોડ સહિતના હિચકારા હુમલાનો પ્રયાસ થયો હતો. જેથી પરીણિતાએ હાઇકોર્ટમાં કાયમી પોલીસ પ્રોટેકશન માટે અરજી કરી હતી. હાઇકોર્ટે સરકારપક્ષ અને પ્રાંતિજ પોલીસને નોટિસ જારી કરી જવાબ માંગ્યો હતો.
પરીણિતા અને તેની બહેનપણીના ઘેર થયેલા હુમલાઓને ગંભીરતાથી લઇ પોલીસ તરફથી 20 દિવસનું વચગાળાનું પ્રોટેકશન ફાળવી દેવાયું હતું અને આ અંગેનો રિપોર્ટ મંગળવારે હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેને ઘ્યાનમાં લઇ કેસની વઘુ સુનાવણી આગામી મહિનામાં રાખી હતી.