આસારામને રાહત, ચોથી વખત મળ્યા હંગામી જામીન, હવે ત્રીજી સપ્ટેમ્બરે સુનાવણી
Asaram Case: સુરત દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. કોર્ટે આસારામને ત્રીજી સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે, જેની આગામી સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે થશે. નોંધનીય છે કે, આસારામે સ્વાસ્થ્ય કારણોસર જામીન લંબાવવાની અરજી કરી હતી. આ ઉપરાંત રાજસ્થાન હાઈકોર્ટે 29મી ઓગસ્ટ સુધી આસારામના હંગામી જામીન લંબાવ્યા હતા. ત્યારબાદ સોમવારે (18મી ઓગસ્ટ) અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસારામનો હેલ્થ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
અગાઉ ગુજરાત હાઇકોર્ટે આસારામના જામીન લંબાવ્યા હતા
અગાઉ ગુજરાત હાઈકોર્ટે 27મી જૂને આસારામના સાતમી જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. જોકે, બાદમાં ત્રીજી જુલાઈએ જામીન એક મહિનો સુધી વધાર્યા હતા. ત્યારબાદ સાતમી ઓગસ્ટ 2025ના રોજ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. હવે ફરી કોર્ટે આસારામને ત્રીજી સપ્ટેમ્બર સુધી હંગામી જામીન આપ્યા છે.
આસારામને હોસ્પિટલોમાં વીઆઇપી સુવિધા મળી હોવાના આક્ષેપ
દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આસારામ હાલ જામીન હેઠળ બહાર છે. રાજસ્થાન હાઇકોર્ટે આસારામના સ્વાસ્થ્યની તપાસ કરવા સૂચનાઓ જારી કરી અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની એક પેનલ બનાવી બીમારીની સંપૂર્ણ તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. જેના ભાગરૂપે આસારામને સોમવારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેક અપમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેને વીઆઇપી સુવિધા મળી હોવાના આક્ષેપો થયા છે.
સોમવારે સવારે 10:30ની આસપાસ આસારામને પોલીસ જાપ્તા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેનું 13 નંબરની ઓપીડીમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ તેના ઈકો અને ઈસીજી કરવામાં આવ્યા હતા. ઓપીડીમાં વિવિધ ટેસ્ટ પૂરા થયા બાદ તેને ટ્રોમા સેન્ટરમાં લઇ જવામાં આવ્યો હતો. આસારામ આવતા સામાન્ય દર્દીઓ માટે ટ્રોમા સેન્ટરનો ગેટ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આસારામ અંદાજે ચાર કલાક સુધી સિવિલમાં હતો.
સિવિલમાં સારવાર માટે આવેલા અન્ય દર્દીઓનો આક્ષેપ છે કે, અમારી સાથે વધુ સગા હોય તો પણ સિવિલ સ્ટાફ ઉદ્ધત વર્તન કરી તેમને બહાર કાઢે છે જ્યારે આસારામ સાથે પોલીસકર્મીઓ ઉપરાંત અંગત સિક્યુરિટી સ્ટાફ પણ હોવા છતાં તેને કોઇ રોકટોક નહોતી. એટલું જ નહીં આસારામને નવી નક્કોર વ્હિલચેર, એમનું ચેકએપ થવાનું હતું તે બેડમાં નવી ચાદર પણ પાથરવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. આસારામની ગાડી ટ્રોમા સેન્ટર પાસે પાર્ક કરવામાં આવતાં દર્દીઓ સાથે આવી રહેલી એમ્બ્યુલન્સનો રસ્તો પણ અટક્યો હતો. જેના કારણે ખાસ કરીને ઈમરજન્સીમાં આવતા દર્દીઓને ભારે પરેશાની નડી હતી.
‘ફોટા નહીં પાડો... કહીને સમર્થકોએ મીડિયા સાથે ઝપાઝપી કરી
આસારામ સિવિલમાં હોવાની જાણ થતાં જ તેના સાધકો-સમર્થકો મોટી સંખ્યામાં સિવિલ પરિસરમાં પહોંચી ગયા હતા. આ ઉપરાંત આસારામનો અંગત સિક્યુરિટી સ્ટાફ પણ તેમનું ચેક અપ ચાલતું હતું તેની બહાર તહેનાત થઇ ગયો હતો. આસારામના ફોટો-વીડિયો લેવાનો પ્રયાસ કરતાં મીડિયાકર્મીઓ સાથે સાધક-સમર્થકોએ એમ કહીને ઉદ્ધત વર્તન શરૂ કર્યું હતું કે, ‘હમારે આસારામજી કી ફોટો મત ખિંચીએ... તેઓ આટલેથી નહીં અટકતાં તેમણે મીડિયાકર્મીઓ પાસેથી કેમેરો ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેમાં તેમણે મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી.