મોરબી: ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને હાઈકોર્ટની મોટી રાહત, કોંગ્રેસ નેતા લલિત કગથરાની ચૂંટણી પિટિશન ફગાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court Tankara Seat Verdict: ગુજરાત હાઈકોર્ટે મોરબી જિલ્લાની ટંકારા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને મોટી રાહત આપી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમની જીતને પડકારતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા લલિત કગથરાની ચૂંટણી પિટિશન હાઈકોર્ટે રદ કરી દીધી છે. જસ્ટિસની બેન્ચે અવલોકન કર્યું હતું કે સોગંદનામામાં સામાન્ય વિગતો કે નાની વિસંગતતાઓને આધારે કોઈની ઉમેદવારી રદબાતલ ઠેરવી શકાય નહીં.
શું હતો સમગ્ર વિવાદ?
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ટંકારા બેઠક પર ભાજપના દુર્લભજી દેથરિયા અને કોંગ્રેસના લલિત કગથરા વચ્ચે સીધો જંગ હતો. ચૂંટણી પરિણામોમાં દુર્લભજી દેથરિયાને 83,274 મતો મળ્યા હતા, જ્યારે લલિત કગથરાને 73,018 મતો મળતા તેમનો પરાજય થયો હતો. આ પરિણામ બાદ જાન્યુઆરી 2023માં લલિત કગથરાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
કગથરાનો આરોપ હતો કે દેથરીયાએ ફોર્મ-26 મુજબના સોગંદનામામાં ઘણી કોલમ ખાલી છોડી દીધી હતી અથવા માત્ર ટિક અને ડેશ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે રિટર્નિંગ ઓફિસરે ખોટી રીતે નામાંકન ફોર્મ સ્વીકાર્યું છે, તેથી આ ચૂંટણી રદબાતલ જાહેર કરવી જોઈએ.
ગુજરાત હાઈકોર્ટે શું નોંધ્યું?
ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ આ પિટિશન રદ કરવા માટે કરેલી અરજીને ગ્રાહ્ય રાખતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ઉમેદવારે સોગંદનામામાં પેન્ડિંગ ફોજદારી કેસ, મિલકતો, જવાબદારીઓ અને શૈક્ષણિક લાયકાત અંગે જરૂરી તમામ નોંધપાત્ર માહિતીનો ખુલાસો કર્યો છે. સોગંદનામામાં નાની-મોટી વિસંગતતાઓ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123(2) હેઠળ 'ભ્રષ્ટ પ્રથાઓ' કે 'અયોગ્ય પ્રભાવ'ની શ્રેણીમાં આવતી નથી. રિટર્નિંગ ઓફિસરે કાયદાકીય ચકાસણી બાદ જ ફોર્મ સ્વીકાર્યું હોવાથી તેમાં કોઈ ખામી જણાતી નથી.
ઉલ્લેખનીય છે કે, આ ચુકાદા સાથે જ ટંકારાના ધારાસભ્ય તરીકે દુર્લભજી દેથરીયાનું પદ યથાવત્ રહ્યું છે અને કોંગ્રેસ છાવણીમાં નિરાશા જોવા મળી છે.









