Get The App

ગુજરાત હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યા બાદ સરકારે કહ્યું કે, એ તો ગુજરી ગયો છે

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યા બાદ સરકારે કહ્યું કે, એ તો ગુજરી ગયો છે 1 - image


Gujarat High Court News: પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવના કારણે ગુજરાત હાઇકોર્ટમાં વર્ષો જૂની એક અપીલના કેસમાં આરોપીનું કેસ ચાલવા દરમ્યાન મૃત્યુ થઇ ગયુ હોવાની હકીકત સમયસર અદાલતના ઘ્યાન મૂકાઇ ન હતી, જેને લઇ હાઇકોર્ટે સરકારી વકીલની કચેરી અને પોલીસની ઝાટકણી કાઢી હતી અને આ કિસ્સામાં પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેનો સંકલનનો સંદતર અભાવ સામે આવ્યો છે, જેને લઇ બેદરકારી દાખવનાર કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી ખેડા જિલ્લા પોલીસ વડાને હુકમ કર્યો હતો.

હાઇકોર્ટે સરકારી વકીલની ઓફિસને પણ આવા કેસોની અંતિમ સુનાવણીમાં દલીલ શરૂ કરતા પહેલા આરોપીની ઉપલબ્ધતા કે ન હોવા અંગે ચકાસણી કરવા સહિતની બાબતોનું જવાબદારીપૂર્વક ઘ્યાન રાખવા ટકોર કરી હતી કે જેથી આ પ્રકારે અદાલતનો કિંમતી સમય વેડફાય નહી. 

કેસની સાચી હકીકતો ઘ્યાન પર આવ્યા બાદ જસ્ટિસ સી.એમ.રોય અને જસ્ટીસ ડી.એમ. વ્યાસની ખંડપીઠે આરોપી સામેનો કેસ પડતો મૂકી તેને દોષિત ઠરાવતો અગાઉનો હુકમ રદબાતલ ઠરાવ્યો હતો. જો કે, હાઇકોર્ટે આટલી ગંભીર બેદરકારી બદલ પોલીસ અને સરકારપક્ષની ભારે ટીકા કરી હતી. કંઇક વિચિત્ર અને રસપ્રદ એવા આ કેસના ઘટનાક્રમમાં હાઇકોર્ટે પત્નીની હત્યાના કેસમાં નડિયાદ ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકાયેલા આરોપીને તાજેતરમાં દોષિત ઠરાવ્યો હતો. જો કે, અપીલની સુનાવણી દરમ્યાન કોર્ટની વારંવારની તાકીદ અને નોટિસો છતાં આરોપી તરફથી કોઇ હાજર રહેતુ ન હતું. દરમ્યાન અપીલ કાયદાનુસાર ચલાવી આરોપીને દોષિત ઠરાવી તેને કેદની સજા સંભળાવતી વખતે આરોપીને હાજર રાખવા માટે હાઇકોર્ટે તેની વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. 

પરંતુ આરોપીને કેદની સજા સંભળાવાય તે તબક્કે ભારે આશ્ચર્ય અને અચાનક સરકારપક્ષ તરફથી અદાલતનું ઘ્યાન દોરાયું કે, આ કેસમાં આરોપી વર્ષ 2016માં ગુજરી ગયો છે, પોલીસ તરફથી છેક હમણાં અમને જાણ થઇ છે.  જેથી હાઇકોર્ટે બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી અને સરકારપક્ષ તેમ જ પોલીસની ભારે ટીકા કરતાં જણાવ્યું કે, પોલીસ તરફથી આટલા વર્ષો બાદ છેક છેલ્લા તબક્કે સરકારી વકીલનું ઘ્યાન દોરાયું તે બહુ ગંભીર બેદરકારી અને ફરજમાં નિષ્કાળજી કહેવાય. તેથી આ સમગ્ર મામલામાં જે કોઇ કસૂરવાર પોલીસ અધિકારી હોય તેની વિરૂદ્ધ ખેડા જિલ્લા પોલીસ વડાએ કાયદાનુસાર કાર્યવાહી કરવી. 

હાઇકોર્ટે એવી પણ ટકોર કરી કે, આ પરથી સ્પષ્ટ થાય છે કે, પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચે પણ સંકલનનો સ્પષ્ટ અભાવ વર્તાય છે. ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ કે ચૂક ના થાય તેનું ઘ્યાન રાખવા હાઇકોર્ટે સરકારપક્ષને કડક તાકીદ કરી હતી અને જણાવ્યું હતું કે, સરકારી વકીલની ઓફિસે ( સરકારી વકીલોએ) પણ આવા કેસોની અંતિમ સુનાવણીમાં દલીલ શરૂ કરતા પહેલા આરોપીની ઉપલબ્ધતા કે ન હોવા અંગે ચકાસણી કરવા સહિતની બાબતોનું જવાબદારીપૂર્વક ઘ્યાન રાખવું કે જેથી આ પ્રકારે અદાલતનો કિંમતી સમય વેડફાય નહી. હાઇકોર્ટે ગુજરી ગયેલા આરોપી વિરૂદ્ધનો કેસ પડતો મૂકી તેને દોષિત ઠરાવતો હુકમ રદબાતલ કર્યો હતો અને આખરે કેસનો નિકાલ કર્યો હતો.


Tags :