Get The App

અમદાવાદ: ફ્લાઇટ બાદ હવે ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલથી મચ્યો હડકંપ

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ: ફ્લાઇટ બાદ હવે ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલથી મચ્યો હડકંપ 1 - image

Bomb threat email : અમદાવાદમાં બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે સવારે મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ હવે ગુજરાત હાઇકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર ગુજરાત હાઇકોર્ટના પરિસરમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હોવાનો અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક અનામી ઈમેઇલ મળતા સુરક્ષા એજન્સીઓમાં ગુરુવારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોલા હાઇકોર્ટ પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તાત્કાલિક તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાઇકોર્ટના ઓફિશિયલ ઈમેઇલ આઇડી પર એક મેસેજ આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંકુલની અંદર વિસ્ફોટકો પ્લાન્ટ કરી દેવામાં આવ્યા છે અને કોર્ટને ઉડાવી દેવામાં આવશે.

આ પણ વાંચો: બોમ્બની ધમકીને પગલે અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, પોલીસની ટીમ એરપોર્ટ પહોંચી

સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ

આ મેઇલ ધ્યાનમાં આવતાની સાથે જ હાઇકોર્ટના વહીવટી તંત્રએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. સોલા હાઇકોર્ટ પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ(SOG) સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના પગલા રૂપે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. સુરક્ષા જવાનોએ સમગ્ર સંકુલમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. 

પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઇકોર્ટ જેવી સંવેદનશીલ જગ્યા માટે મળેલી ધમકીને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે. તપાસ અધિકારીઓ હાલમાં ઈમેલનું આઇપી એડ્રેસ (IP Address) ટ્રેસ કરી રહ્યા છે, જેથી જાણી શકાય કે મેલ રાજ્યની અંદરથી આવ્યો છે કે કોઈ વિદેશી સર્વરનો ઉપયોગ થયો છે. પોલીસ સીસીટીવી ફૂટેજ, સર્વર લોગ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓની ચકાસણી કરી રહી છે.

અત્યાર સુધીના અહેવાલ મુજબ તપાસ દરમિયાન સંકુલમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વેરિફિકેશનની પ્રક્રિયા હજુ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં અમદાવાદની મુખ્ય સંસ્થાઓ, શાળાઓ અને મોલને બોમ્બથી ઉડાવી દેવાની હોક્સ (ખોટી) ધમકીઓ મળવાનો સિલસિલો ચાલુ છે. જોકે, આ તાજેતરનો મેલ અગાઉની ઘટનાઓ સાથે કોઈ કનેક્શન ધરાવે છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આજે જ મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ગંભીર ધમકીને પગલે ફ્લાઇટને ડાયવર્ટ કરીને અમદાવાદ ઍરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવી હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ હાઇકોર્ટને નિશાન બનાવતી ધમકી મળતાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે.