Gujarat

ગુજરાતમાં આવતીકાલથી 'રક્તપિત્ત નિર્મૂલન અભિયાન': 'લેપ્રસી કેસ ડિટેક્શન' હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કરાશે સ્ક્રીનિંગ

By GS TEAM
7 Jun 20262 mins read
TukuTouch Logo
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે 8 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યવ્યાપી 'લેપ્રસી કેસ ડિટેક્શન' કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. લેપ્રસીના કારણે દર્દીની શારીરિક, માનસિક અને આર્થિક અવદશા ન થાય અને તેને સમયસર સારવાર તેમજ સહાય મળી રહે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આવતીકાલથી 'રક્તપિત્ત નિર્મૂલન અભિયાન': 'લેપ્રસી કેસ ડિટેક્શન' હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કરાશે સ્ક્રીનિંગ

Leprosy Case Detection Program: રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે 8 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યવ્યાપી 'લેપ્રસી કેસ ડિટેક્શન' કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. લેપ્રસીના કારણે દર્દીની શારીરિક, માનસિક અને આર્થિક અવદશા ન થાય અને તેને સમયસર સારવાર તેમજ સહાય મળી રહે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવશે.

પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંગે શારીરિક તપાસ કરાશે

સમગ્ર રાજ્યમાં વસ્તી અને ભૌગોલિક સ્થિતિના આધારે બે સ્તરે સર્વેલન્સ હાથ ધરાશે. આ ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય, આશા બહેનો અને પુરુષ સ્વયંસેવકોની (વોલન્ટિયર્સની) વિશેષ ટીમો પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લેશે. આ ટીમો પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંગે શારીરિક તપાસ કરશે અને નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવશે.

12 અગ્રતા (પ્રાયોરિટી) ધરાવતા જિલ્લાઓ

રાજ્યના નિયત કરેલા 12 અગ્રતા ધરાવતા જિલ્લાઓ; જેમાં વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી તથા વડોદરા અને સુરત કોર્પોરેશનના કુલ 98 તાલુકા-વોર્ડમાં આ અભિયાન ચાલશે. અહીં 15,941 ટીમો દ્વારા અંદાજીત 2,01,95,455 નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.

8 થી 18 જૂન સુધી 22 જિલ્લાઓમાં ઝુંબેશ

રાજ્યના અન્ય નિયત કરેલા 22 જિલ્લાઓ જેવા કે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, મોરબી, જામનગર, ખેડા, પાટણ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, વાવ અને થરાદ તેમજ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ કોર્પોરેશન સહિતના 175 તાલુકા/વોર્ડમાં તા. 8 થી 18 જૂન સુધી આ ઝુંબેશ હાથ ધરાશે. જેમાં 6,158 ટીમો દ્વારા અંદાજીત 54,54,163 નાગરિકોનું સ્ક્રીનિંગ કરાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ માટે જોવી પડશે રાહ, આગામી 7 દિવસ ગરમી તોબા પોકારશે, 13 જૂને વાતાવરણ પલટાશે!

સર્વે દરમિયાન જો કોઈ પણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે, તો આરોગ્ય ટીમો દ્વારા તેમને ત્વરિત નિદાન અને સારવાર અર્થે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC), જનરલ હોસ્પિટલ અથવા સરકારી મેડિકલ કોલેજ ખાતે મોકલી આપવામાં આવશે.