Get The App

પૂજારી ફક્ત ભગવાનના સેવક, જમીન કે મિલકતના અધિકાર ન મેળવી શકે: ગુજરાત હાઇકોર્ટ

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
પૂજારી ફક્ત ભગવાનના સેવક, જમીન કે મિલકતના અધિકાર ન મેળવી શકે: ગુજરાત હાઇકોર્ટ 1 - image


Gujarat High Court News: ધાર્મિક સ્થળોની મિલકતો પર પૂજારીઓના અધિકારોને લઈને ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જે.સી. દોશીએ સ્પષ્ટ કર્યું છે કે, 'મંદિરમાં પૂજા-સેવા કરનાર વ્યક્તિ માત્ર ભગવાનના સેવક છે અને તેઓ 'એડવર્સ પઝેશન'(લાંબા સમયના કબજા)ના આધારે તે જમીન કે મિલકત પર પોતાનો માલિકી હક્ક સાબિત કરી શકે નહીં.

શું હતો સમગ્ર વિવાદ?

આ કેસ પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલા એક ગણેશ મંદિરનો છે. એક સ્થાનિક મહિલાએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો કે જાહેર રસ્તા પર ગેરકાયદે રીતે ગણેશ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી લોકોની અવરજવરમાં અવરોધ ઊભો થાય છે. આ મામલે ટ્રાયલ કોર્ટે આ બાંધકામ દૂર કરવાનો આદેશ આપ્યો હતો. જેની સામે મંદિરના પૂજારીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

હાઇકોર્ટનું કડક અવલોકન અને કાયદાકીય સ્પષ્ટતા

સુનાવણી દરમિયાન પૂજારીના વકીલે દલીલ કરી હતી કે પૂજારી છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી ત્યાં સેવા આપે છે, તેથી તેમનો હક્ક બને છે. જો કે, ગુજરાત હાઇકોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, 'પૂજારી એ માત્ર ભગવાનના સેવક છે અને તેઓ મિલકત પર એડવર્સ પઝેશનના આધાર પર માલિકી હક્ક મેળવી શકતા નથી. પૂજારી એ માત્ર એક સેવક અથવા નિમણૂક પામેલી વ્યક્તિ છે, જેમને મિલકત પર કોઈ સ્વતંત્ર કાયદાકીય અધિકાર મળતો નથી.'

કોર્ટે નોંધ્યું કે, જો મંદિરનું નિર્માણ જાહેર રસ્તા પર કરવામાં આવ્યું હોય, તો તે સંપૂર્ણપણે અનધિકૃત ગણાય અને તેને હટાવવો જ પડે.

'એડવર્સ પઝેશન'ના વધી રહેલા વલણ પર ટકોર

હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, આજકાલ મિલકત ખાલી ન કરવી પડે તે માટે 'એડવર્સ પઝેશન'નો દાવો કરવાની વૃત્તિ વધી રહી છે. પરંતુ કાયદા મુજબ, આવો દાવો સાબિત કરવા માટે કબજાની ચોક્કસ તારીખ, પ્રકાર અને માલિકની જાણકારી જેવા અનેક પાસાઓ સાબિત કરવા અનિવાર્ય છે, જે આ કેસમાં સાબિત થતા નથી.

હાઇકોર્ટે પૂજારીની સેકન્ડ અપીલ ફગાવી દીધી છે અને નીચલી અદાલતનો બાંધકામ દૂર કરવાનો આદેશ બહાલ રાખ્યો છે. આ ચુકાદાથી હવે રાજ્યમાં જાહેર માર્ગો પર થતા દબાણો અને ધાર્મિક મિલકતો પરના અંગત દાવાઓ પર લગામ આવશે.