Get The App

ગુજરાત હાઈકોર્ટે ટુ-વ્હીલર રોંગ-સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે ચિંતા વ્યક્ત કરી, સર્વે કરવાનો આપ્યો આદેશ

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત હાઈકોર્ટે ટુ-વ્હીલર રોંગ-સાઈડ ડ્રાઈવિંગ મુદ્દે ચિંતા વ્યક્ત કરી, સર્વે કરવાનો આપ્યો આદેશ 1 - image


Wrong-Side Two-Wheeler Driving Case in Gujarat HC : અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને ટુ-વ્હીલર વાહનચાલકો દ્વારા વધુ પડતા રોંગસાઈડ ડ્રાઈવિંગના બનાવ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ મુદ્દે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને સર્વે હાથ ધરવાનું પણ જણાવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ એ એસ સુફૈયા અને એલ એસ પીરઝાદાની ડિવિઝન બેન્ચે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને ગેરકાયદેસર પાર્કિંગ અંગે વર્ષ 2017ની જાહેરહિતની અરજીના આદેશનું પાલન ન કરવા અંગેની અવમાનના અરજીની સુનાવણી દરમિયાન આ ચિંતા વ્યક્ત કરી હતી.

ટુ-વ્હીલર ચાલકો દ્વારા ટ્રાફિક સિંગ્નલનું વધુ ઉલ્લંઘન

આ મામલાની સુનાવણી દરમિયાન જસ્ટીસ સુફૈયાએ નોંધ્યું કે ફોર-વ્હીલર વાહનચાલકો દ્વારા રોંગસાઈડ ડ્રાઈવિંગના બનાવમાં ઘટાડો થયો છે, પરતું ટુ-વ્હીલર ચાલક હજુપણ ટ્રાફિક સિગ્નલ અને સંબંધિત નિયમોનું ઉલ્લંઘન વધુ કરે છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે શહેરમાં આવેલા એક ટ્રાફિક સિગ્નલ પર 180 મિનિટના સમયગાળા દરમિયાન 7 ટુ-વ્હીલર વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું ભંગ કરવામાં આવ્યું હતું. કોર્ટે નોંધ્યું કે છદ્માવરણવાળી નંબર પ્લેટના કારણે ટ્રાફિક કર્મચારીઓની કામગીરીમાં અવરોધ ઉભું કરે છે.

રોંગ સાઈડ મામલે સર્વે કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ

ગુજરાત હાઇકોર્ટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને અમદાવાદના  એસજી હાઈ-વે, સીજી રોડ, જજીસ બંગલો રોડ, નવરંગપુરા ક્રોસ રોડથી ગુજરાત હાઇકોર્ટ સંકુલ સુધીના માર્ગ અને વાડજ સર્કલથી દિલ્હી દરવાજા (દુધેશ્વર રોડ) સહિતના વિસ્તારમાં ગેરકાયદેસર પાર્કિંગ અને રોંગ સાઈડમાં વાહન ચલાવવા અંગે સર્વે કરવા અને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. શોપિંગ સેન્ટર, રેસ્ટોરેન્ટ અને પાર્ટી પ્લોટ નજીક પાર્કિંગના ઉલ્લંઘન પર ધ્યાન કેન્દ્રિત કરનાર આ સર્વે દિવાળી પછી 29મી ઓક્ટોબરથી 7મી નવેમ્બર દરમિયાન કરવામાં આવશે... આ રિપોર્ટ સંબંધિત પક્ષકારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલો સાથે શેર કરવામાં આવશે. કોર્ટે આ મામલે વધુ સુનાવણી 12મી નવેમ્બરના રોજ નિયત કરી છે.

રોંગ સાઈડ ડ્રાઈવિંગ અટકાવવા પગલા ભરાશે

રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે અધિકારીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે સક્રિયપણે કામગીરી કરી રહ્યાં છે. દિવાળીના તહેવાર દરમિયાન પણ રોંગ-સાઈડ ડ્રાઈવિંગની ઘટના અટકે અને ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે સમજ વધે, એ માટે અમે જરૂરી પગલા લઈશું. અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે લગભગ 8થી 10 મિનિટના સમયગાળામાં ટ્રાફિકની સમસ્યા હળવી થઈ ગઈ હતી. નવરાત્રીના તહેવાર દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘનના ઘણા કિસ્સામાં વાહન ડિટેઈન કરવામાં આવ્યા હતા અને તેના કારણે પણ ટ્રાફિક નિયમોનું પાલન ધીરેધીરે વધ્યું છે.

વરિષ્ઠ વકીલ અને કોર્ટ મિત્રએ ન્યાયાલયને જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે આકરી સજા થવી જોઈએ. અગાઉના કોર્ટના આદેશ છતાં શહેરમાં ટ્રાફિકની સ્થિતિ વધુ ખરાબ બની છે. કોર્ટના આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ કન્ટેમ્પ્ટ કાર્યવાહી કરવામાં આવી હતી.

Tags :