ફરજિયાત નિવૃત્તિ માટે આ કારણ પૂરતું...', ન્યાયિક અધિકારીઓ અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
Gujarat High Court : 58 વર્ષીય ન્યાયિક અધિકારી કે.એમ.ભુટની ફરજિયાત નિવૃત્તિ અંગેના નિર્ણયને બહાલ રાખતાં ગુજરાત હાઇકોર્ટે એક અગત્યના ચુકાદામાં ઠરાવ્યું હતું કે, ફરજિયાત નિવૃત્તિનો આદેશ એ સજા નથી. જો કે, સમગ્ર સેવા રેકોર્ડમાં એક પણ બિન સંચારિત પ્રતિકૂળ ટિપ્પણી અથવા શંકાસ્પદ પ્રમાણિકતા જાહેરહિતમાં ન્યાયિક અધિકારીને ફરજિયાત નિવૃત્તિ આપવા માટે પૂરતી છે. જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ આર.ટી.વાચ્છાણીની ખંડપીઠે ગુજરાત હાઇકોર્ટની ભલામણના આધારે રાજય સરકાર દ્વારા આ ન્યાયિક અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરવા અંગેના નિર્ણયને કાયમ રાખ્યો હતો અને તેમાં દરમ્યાનગીરી કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.
જાહેરહિતમાં ફરજિયાત સેવા નિવૃત્ત કરાયેલા ન્યાયિક અધિકારી કે.એમ.ભુટની અરજી હાઇકોર્ટે ફગાવી, રાહત આપવાનો ઇન્કાર
હાઇકોર્ટે વધુમુાં ઠરાવ્યું હતું કે, ફુલ કોર્ટના તમામ જજીસની સામૂહિક વિવેકબુદ્ધિ કોઇપણ કર્મચારીની સામાન્ય છબીને ઘ્યાનમાં રાખીને તેમની વિરૂદ્ધમાં કોઇપણ મૂર્ત સામગ્રી વિના પણ જાહેરહિતમાં ન્યાયિક અધિકારીને ફરજિયાતપણે નિવૃત્તિ કરી શકે છે. આવા આદેશની ન્યાયિક સમીક્ષા બહુ મર્યાદિત કારણોસર માન્ય છે.
વર્ષ 2004થી વર્ષ 2009 સુધી જિલ્લા ન્યાયાધીશ તરીકે સેવાઓ આપનાર કે.એમ.ભુટને તા.19-5-2009ના રોજ 58 વર્ષ અને છ મહિનાની ઉંમરે તેમને ફરજિયાતપણે સેવામાંથી નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. જે નિર્ણયને પડકારતી તેમની રિટ અરજીમાં હાઇકોર્ટે આ હુકમ કર્યો હતો. ન્યાયાધીશ તરફથી દલીલ રજૂ કરાઇ હતી કે, અરજદારને જાહેર હિતના બહાને ગુજરાત રાજય ન્યાયિક સેવા નિયમો-2005ના નિયમ- 21(2)નું પાલન કર્યા વિના જ નિવૃત્ત કરી દેવાયા છે.
અરજદારની અરજીનો વિરોધ કરતાં હાઇકોર્ટ અને રાજય સરકાર તરફથી અદાલતનું ઘ્યાન દોરાયું હતું કે, ગત તા.૬-5-2009ના રોજ રચાયેલી ખાસ સમિતિએ અરજદારના સેવા રેકોર્ડ અને તેમના વિરૂદ્ધની ફરિયાદો ઘ્યાને લીધા બાદ અભિપ્રાય આપ્યો હતો કે, અરજદારના પ્રમાણિકતા શંકાસ્પદ છે. સાથે સાથે અરજદારની કામગીરીના એકંદર મૂલ્યાંકન અને ભવિષ્યમાં ઉપયોગી સેવા માટે તેમની ક્ષમતાના મૂલ્યાંકન સહિતના પાસાઓ જોતાં તેમને સેવામાંથી નિવૃત્ત કરવા જાહેર હિતમાં રહેશે તેવો પણ અભિપ્રાય આપ્યો હતો.
હાઇકોર્ટને અરજદાર વિરૂદ્ધ 14 વિજિલન્સ ફરિયાદો અને આઠ જેટલી વહીવટી ફરિયાદો મળી હતી, જેમાંથી 13 દફ્તરે કરવામાં આવી હતી પરંતુ એક ભ્રષ્ટાચાર સંબંધી ફરિયાદમાં તા.12-8-2008ના રોજ પ્રિલીમનરી ઇન્કવાયીરનો હુકમ કરવામાં આવ્યો હતો. ખાસ રચાયેલી સમિતિના ઉપરોકત અહેવાલને સ્થાયી સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અહેવાલ ફુલ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો, જેણે પણ ઉપરોકત નિર્ણય સ્વીકારતાં હાઇકોર્ટની ભલામણના આધારે રાજય સરકાર દ્વારા જાહેરનામા દ્વારા અરજદારને ફરજિયાતપણે નિવૃત્ત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં 14 જેટલી ફરિયાદો ફાઇલ કરવામાં આવી હતી. વળી, અરજદારને ફરજિયાત નિવૃત્તિના આદેશ પહેલાં તેઓ ભ્રષ્ટાચાર સંબંધિત 2008ની વિજિલન્સ ફરિયાદ હેઠળ પ્રિલીમનરી ઇન્કવાયરીનો સામનો કરી રહ્યા હતા. હાઇકોર્ટે એડમીનીસ્ટ્રેટીવ કમીટી, સ્થાયી સમિતિ અને ફુલ કોર્ટની ભલામણ અને નિર્ણયમાં દખલ અંદાજી કરવાનો પણ સાફ ઇન્કાર કરી દીધો હતો અને અરજદાર ન્યાયાધીશની અરજી ફગાવી દીધી હતી.