આજે વિકાસ અને શાંતિ માટે વિશ્વ રમત દિવસ આબાલવૃધ્ધનો સર્વાંગી વિકાસ કરતી ગીલ્લી દંડા, કબ્બડી, ખોખો, નવકાંકરી, લંગડી, લખોટી, ભમરડાં વગેરે રમતો આજે પણ સર્વોત્તમ
રાજકોટ, : આવતીકાલ સોમવાર તા. 6 એપ્રિલે વિશ્વભરમાં વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાશે. આમ તો આ દિવસ ઈ. 1896 ના 6 એપ્રિલે ઓલમ્પિક ગેઈમ્સ વિશ્વશાંતિ માટે શરૂ થઈ તેના માનમાં પરંતુ, યુ.એન.ના ઓગષ્ટ- 2013ના ઠરાવ અન્વયે તા. 6 એપ્રિલ 2014થી ઉજવાય છે. બાળકોથી માંડીને વૃધ્ધો સહિત તમામનો સર્વાંગી વિકાસ કરવા સાથે હેપીનેસ ઈન્ડેક્સ વધારે અને મનને શાંતિ-ઊર્જા પ્રદાન કરે તેવી આશરે ૫૦થી વધારે પ્રાચીન રમતોનો સમૃધ્ધ વારસો ગુજરાત અને ભારત દેશ મહાભારત કાળથી ધરાવે છે.પરંતુ, શાસકોએ આ સૌના માટેનો સસ્તો,સુગમ અને સર્વોત્તમ રમતગમત વારસો જાળવવાને બદલે ઈમ્પોર્ટેડ ગેઈમ્સ માટે કરોડો-અબજો રૂ.ના કોન્ટ્રાક્ટ આપીને બાંધકામો ખડકવામાં વિશેષ રસ લેવાયો છે.
ગુજરાતની કેટલીક પરંપરાગત અને સૌકોઈ સહેલાઈથી રમી શકે તેવી રમતોમાં ગિલ્લી દંડા માત્ર લાકડાના બે ટૂકડાથી ખુલ્લી જમીનમાં રમી શકાય છે પરંતુ, ક્રિકેટ પાછળના ક્રેઝમાં તે વિસરાતી જાય છે. કબ્બડીનો ઈતિહાસ તો ૪૦૦૦ વર્ષ પૂર્વેનો છે. તો ચપળતા માંગી લેતી ખોખોની રમત મહાભારત કાળની હોવાનું મનાય છે તો કેટલાકના મતે ખોખો ઈસ્વીસન પૂર્વે ૪થી સદીથી પ્રચલિત છે. શારિરીક કૌવત વિકસાવતા મલખમ્બ પણ ગુજરાતે સ્વીકાર્યું હતું. રામાયણ કાળથી જ ધનુર્વિદ્યા, અને દડાની રમતો પ્રસિધ્ધ છે. પરંતુ, જિમના ક્રેઝમાં જેમ વગર પૈસે શરીરને બળવાન, સુંદર,સુડોળ બનાવતા દંડ,બેઠક,સૂર્યનમસ્કાર ભુલાયા તેમ આ રમતોને નેવે મુકાય છે.
ભારત પહેલા મુગલોનું અને પછી બ્રિટીશરોનું ગુલામ રહ્યું અને તે કાળમાં પોલો, ફૂટબોલ, હોકી, ક્રિકેટ ગુજરાતમાં આવ્યા. પરંતુ,જેના માટે ખાસ મેદાનની કે ખાસ ખર્ચની જરૃર નથી, સૌને સુલભ છતાં મન અને તનનું સ્વાસ્થ્ય વધારતી રમતોની અવગણના આઝાદીના પોણોસો વર્ષ પછી પણ જારી છે.
જો કે, હજુ પણ એક પૂર્વ વન અધિકારીએ ગામડે ગામડે સ્કૂલોમાં જઈને ગત 10 વર્ષમાં 2 લાખથી વધુ બાળકોને 30 પ્રકારની દેશી રમતો રમાડે છે તો રાજકોટમાં ચિત્રનગરી પ્રોજેક્ટ હેઠળ અગાઉ દર રવિવારે યોજાતી અને હાલ બંધ પડેલી ફનસ્ટ્રીટમાં પણ કોથળા દોડ,લીંબુ ચમચી, ભમરડાં સહિતની રમતો રમાતી હોય છે અને તેમાં હજારો નાગરિકો બાળકો-વડીલો ઉમટતા રહ્યા છે. પરંતુ, મહાપાલિકાને તો 25-30 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બને તેમાં વધુ રસ રહ્યો છે.


