mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગુજરાતના GST કમિશનરે 620 એકર જમીન પચાવી પાડી, ગેરકાયદે રિસોર્ટ બાંધ્યો હોવાનો આરોપ

Updated: May 19th, 2024

ગુજરાતના GST કમિશનરે 620 એકર જમીન પચાવી પાડી, ગેરકાયદે રિસોર્ટ બાંધ્યો હોવાનો આરોપ 1 - image


Gujarat GST Commissioner Grabs 620 Acres land: ગુજરાતના અમદાવાદમાં જીએસટી કમિશનર ચંદ્રકાંત વળવીએ મહારાષ્ટ્રના સાતારામાં આવેલા પર્યટન સ્થળ મહાબળેશ્વરમાં 620 એકર જમીન પડાવી 40 એકર જમીન પર અનધિકૃત રિસોર્ટનું બાંધકામ કર્યું હોવાના આરોપથી ચકચાર જાગી છે. માહિતી અધિકારી કાર્યકર્તાએ આ રિસોર્ટ તોડી પાડવાની માગણી કરતા સાતારા જિલ્લાધિકારી કાર્યાલય દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ આ મામલામાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો માહિતી અધિકારી કાર્યકર્તાએ 10 જૂનથી કલેક્ટર ઓફિસ સામે આંદોલનની ચીમકી આપી છે.

મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસી ચંદ્રકાંત વળવી હાલમાં અમદાવાદમાં જીએસટી કમિશનર તરીકે ફરજ બજાવે છે. સાતારામાં મહબળેશ્વર હિલ સ્ટેશન ખાતે કાંદાટી વેલીમાં ઝાડાણી ગામમાં ચંદ્રકાંત વળવીએ તેમના પરિવાર અને સંબંધીના નામથી 620 એકર જમીન ખરીદી હોવાનું કહેવાય છે. આ જમીન પચાવી પાડી અહીં, 40 એકરમાં ગેરકાયદેસર રીતે રિસોર્ટનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ થઈ રહ્યો છે.

અનધિકૃત બાંધકામ, ખોદકામ, વૃક્ષો કાપવા, ગેરકાયદેસર રસ્તાઓ, જંગલની જગ્યામાંથી વીજ પુરવઠો આપવાના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. ઘણા મહત્વપૂર્ણ કાયદાઓનું ઉલ્લંઘન થતા જરૂરી કાર્યવાહીની માગણી થઈ રહી છે.સાતારામાં રહેતા માહિતી અધિકારી કાર્યકર્તા સુશાંત મોરેએ ગંભીર આરોપ કરતા જિલ્લાધિકાર કાર્યાલયમાં અરજી કરી છે કે ‘મહાબળેશ્વરના ઝાડાણી ગામમાં ચંદ્રકાંત વળવી અને અન્ય 13 વ્યક્તિએ 620 એકર જમીન પર 40 એકરના બાંધવામાં આવેલા અનધિકૃત રિસોર્ટનું તોડી નાખવામાં આવે.

તેમની અરજી બાદ સાતારા જિલ્લાધિકારી જિતેન્દ્ર ડુડીએ આ પ્રકરણની ગંભીરતાથી નોંધ લીધી છે અને તપાસનો આદેશ આપ્યો છે. તેમજ તપાસનો અહેવાલ રજૂ કરવા કહ્યું છે. મહાબળેશ્વર પોલીસ સ્ટેસનના પોલીસકર્મી કાંબળેએ ‘ગુજરાત સમાચાર'ને જણાવ્યું છે કે ‘સોશિયલ મીડિયામાં આ મુદ્દે વીડિયો વાયરલ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ પ્રકરણમાં હજી સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.

'ગુજરાત સમાચાર'ને સુશાંત મોરેએ જણાવ્યું હતું કે 'ગામના રહેવાસીઓને જમીનની પૂરી રકમ પણ ચૂકવવામાં આવી નથી. તેમજ તેમને સરકાર દ્વારા જમીન ખરીદવામાં આવી રહી હોવાની ખોટી માહિતી આપવામાં આવી હતી. આ જમીન કેવી રીતે ખરીદવામાં આવી એની તપાસ કરવી જરૂરી છે. આ મામલામાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરવામાં ન આવે તો હું સાતારા જિલ્લાધિકારી કાર્યાલય સામે 10 જૂનથી ઉપવાસ પર બેસી આંદોલન કરીશ.

CGST પ્રિ. કમિશનર વળવીના ભાવનગર અને ગાંધીનગરના કાર્યકાળમાં કૌભાંડ થયા

અમદાવાદ સાઉથમાં આજેય કમિશનર તરીકે સેવા આપી રહેલા ચંદ્રકાન્ત વાળવીના ભાવનગરના કાર્યકાળ દરમિયાન પણ બોગસ બિલિંગ અને ગેરકાયદે ઈનપુટ ટેક્સ ક્રેડિટ સેરવી લેવાના ખાસ્સા કૌભાંડો થયા હતા. આ જ રીતે ગાંધીનગરના કાર્યકાળ દરમિયાન કલોલ, મહેસાણા અને હિમ્મતનગરના સિરામિકના ઉદ્યોગો સાથેની મિલિભગતમાં ચંદ્રકાન્ત વાલ્વીએ સરકારને મોટી રકમનું નુકસાન કરાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

2018ની સાલમાં તેમને ભાવનગર પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. તેઓ ભાવનગર રહ્યા તે ગાળામાં બોગસ બિલિંગના માધ્યમથી ગેરકાયદે ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઉપાડી લેવાનું સેંકડો કરોડોનું કૌભાંડ થયું હતું. આ કૌભાંડને કારણે સરકારી કચેરી પણ શંકાના દાયરામાં આવી ગઈ હતી.ગુજરાત સરકારની જીએસટીની ભાવનગર કચેરીના તમામ અધિકારીઓને કૌભાંડકારો સાથેની મિલીભગતને કારણે બદલી કરી દેવામાં આવી હતી. ભાવનગરની સીજીએસટી કચેરીમાંથી પણ ખાસ્સાકૌભાંડો થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ એન્ફોર્સમેન્ટના કેસોમાં તપાસને આગળ કર્યા વિના જ દફ્તરે કરી દઈન કેસ સમેટી લેવાની હિમ્મત ચંદ્રકાન્ત વાળવી ધરાવતા હોવાની ચર્ચા ચાલી રહી છે. માત્ર તેને માટેના વહીવટો થઈ જાય તેની કાળજી રાખવામાં આવતી હતી. આ વહીવટો કરવા માટ સ્ટાફના જ એક જુનિયર અધિકારીને સદાય પોતાની સાથે રાખવાનું ચંદ્રકાન્ત વાળવી પસંદ કરતા હોવાની પણ ચર્ચા છે. આ જુનિયર અધિકારી સાઉથ અમદાવાદની ઓફિસમાં આજે પણ તેમની સાથે જ સેવા આપી રહ્યા છે. અત્યારે સાઉથ અમદાવાદની કચેરીમાં બેઠાં બેઠાં ચંદ્રકાન્ત સાલ્વી વટવા, નરોડા અને ઓઢવ જેવી ઔદ્યોગિક વસાહતો ઉપરાંત સરખેજ ગાંધીનગર રોડ પર થલતેજ અને સરખેજ વિસ્તારનો ચાર્જ ધરાવી રહ્યા છે. તેમાંય તેમના થતી ખાસ્સા સેટિંગ થઈ રહ્યા હોવાનું જાણકારોનું કહેવું છે. અમદાવાદના જ મીઠાખળી વિસ્તારમાં ઓફિસ ધરાવતા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાંથી જ પ્રિન્સિપાલ કમિશનરની રોકડ રકમનો વહીવાટ કરવામાં આવતો હોવાનું પણજાણા મળી રહ્યું છે.

Gujarat