નેતા-મંત્રીઓ પીશે 'સખી નીર' જ્યારે રાજ્યની પ્રજા ફ્લોરાઈડયુક્ત પાણી પીવા મજબૂર
Representative image |
Gujarat Groundwater Quality: વર કન્યા મરો, મરે પણ મારુ તરભાણું ભરો તેવી કહેવત સાર્થક થઈ હોય તેવુ ચિત્ર ઊભુ થયુ છે. કારણ કે, ગુજરાતમાં ભૂગર્ભજળની ગુણવત્તાનું સ્તર બગડ્યુ છે. રાજ્યના 25 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની માત્રા વધુ છે, જેના કારણે અશુદ્ધ પાણીને કારણે હાડકાં, દાંત-ચામડી, પેટના રોગના દર્દીઓ વધ્યાં છે. આ બધુ કોરાણે મૂકીને સચિવાલયમાં હવે મંત્રીઓ આઈએએસ અધિકારીઓ પાણીની બોટલમાં નહીં, પરંતુ કાચની બોટલમાં સખી નીર પીશે. ટૂંકમાં, પ્રજાના સ્વાસ્થ્યનું જે થવું હોય તે થાય પણ મંત્રીઓનું સ્વાસ્થ્ય બગડવું જોઈએ નહીં.
આ જિલ્લામાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની માત્રા વધુ
એક તરફ, વાઇબ્રન્ટ ગુજરાતની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ લોકોને પીવાનુ શુદ્ધ પાણી મળી રહ્યું નથી. કેટલાંય વિસ્તારોમાં લોકો ભૂગર્ભજળ પી રહ્યાં છે. ખુદ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મતે ગુજરાતના 25 જિલ્લાઓ એવા છે જ્યાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની માત્રા 1.5 એમજીથી વધુ છે. તબીબોના મતે, ફ્લોરાઈડની વધુ માત્રા હોય તેવુ પાણી સ્વાસ્થ્ય માટે જોખમી છે.
અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, મહેસાણા, મોરબી, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા અને સુરત સહિતના જિલ્લાનુ ભૂગર્ભજળ ફલોરાઈડ યુક્ત હોવાને કારણે પીવાલાયક રહ્યું નથી. તેમ છતાં મજબૂર લોકો આ દૂષિત પાણી પીવા મજબૂર બન્યાં છે. પરિણામે સાધાં-હાડકા, દાંત, ચામડી અને પેટના રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં મળે
ભૂગર્ભજળ દુષિત થતાં હજારો લોકો રોગનો ભોગ બન્યાં છે, ત્યારે સરકારે આ દિશામાં પગલાં લેવાનું સુઝતુ નથી પણ મંત્રીઓ અને આઈએએસ અધિકારીઓને પોતાના સ્વાસ્થ્યની ચિંતા પેઠી છે. સરકારે નક્કી કર્યુ છે કે, હવે સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં મળે, કાચની બોટલમાં સખી નીર પીરસાશે. પ્લાસ્ટિક સ્વાસ્થય માટે જોખમી છે ત્યારે બજારમાં પ્લાસ્ટીકની બોટલમાં પાણીનો ધૂમ વેપાર ધમધમી રહ્યો છે તેના પર પ્રતિબંધ કે પગલાં લેવાતાં નથી. પરંતુ પ્લાસ્ટિકના નામે હવે સચિવાલય સંકુલમાં પણ કાચની બોટલમાં 'સખી નીર' આપવા નિર્ણય લેવાયો છે. ટૂંકમાં, પ્રજાના સ્વાસ્થ્યનું નહીં, મંત્રી-આઈએએસના સ્વાસ્થયની સરકારને વધુ ચિંતા છે.