ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી
185 Pakistanis Get Indian Citizenship : રાજકોટમાં આજે એક મહત્ત્વપૂર્ણ ઘટના બની, જ્યાં મૂળ પાકિસ્તાનના 185 નાગરિકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-2019 (CAA-2019) હેઠળ ભારતીય નાગરિકતા પ્રદાન કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીના હસ્તે આત્મીય યુનિવર્સિટી ખાતે આ 185 લોકોને ભારતીય નાગરિક અધિકાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ પાકિસ્તાનમાં રહેતા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ વગેરે લઘુમતીઓ પર થતા અત્યાચારોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનમાં દીકરીઓ સુરક્ષિત નથી. સ્કૂલે જતી દીકરીઓ પરત આવશે કે નહીં તેની માતા-પિતાને સતત ચિંતા રહે છે. આ નવા ભારતીય નાગરિકોએ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે.
આજે નાગરિકતા મેળવનારા 185 લોકોમાં મોરબીમાં છેલ્લા કેટલાય વર્ષોથી રહેતા પાકિસ્તાની નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ પહેલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિતના પાડોશી દેશોના પીડિત હિન્દુઓ, શીખો સહિતના લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ આપવાની સરકારની નીતિનો એક ભાગ છે.
ભારતીય નાગરિકતાનો અધિકાર પ્રાપ્ત કરનાર રાજકોટના મહિલા આશાબેન બેચરભાઈએ જણાવ્યું હતું કે, 'આજથી હું ભારતવાસી અને ભારત દેશના પરિવારનો અનન્ય હિસ્સો બની છું. મને અહીંયાનું નાગરિકત્વ મળતાં ખૂબ જ આનંદ થયો છે. હું સુરક્ષા અને સલામતી અનુભવું છું અને આજથી હું ભારતીય તરીકે ઓળખાઈશ જેની મને ખુશી છે.