સરકાર ગોથે ચડી: પહેલા 7 પછી 20 અને હવે 3 દિવસમાં ખેતી નુકસાનીનો સર્વે કરવા સૂચના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat News: ગુજરાતમાં એક અઠવાડિયાથી કમોસમી વરસાદે રીતસરનું તાંડવ સર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો ખેતીના પાકનો કચ્ચરઘાણ વળી ગયો છે. અચાનક આવી પડેલી આ આફત સામે પગલાં લેવાની વાત તો દૂર રહી, સરકાર હજી સુધી નક્કર નિર્ણય પણ કરી શકી નથી. જેના કારણે ખેડૂતોમાં તીવ્ર રોષ પેદા થવા માંડયો છે. ત્યારે શનિવારે (1 નવેમ્બર) ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવો સાથે બેઠક યોજીને ત્રણ દિવસમાં જ ખેતીની નુકસાનીનો અહેવાલ તૈયાર કરીને સરકારને મોકલી આપવા સૂચના આપી છે.
આ પણ વાંચોઃ કમોસમી વરસાદથી નુકસાન થતાં કલ્યાણપુરના વ્યથિત ખેડૂતે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
સરકાર ગોથે ચઢી
કમોસમી વરસાદના લીધે રાજ્યમાં દસ લાખ હેક્ટરથી વધુ ખેતીના પાકમાં ભારે નુકસાની પહોંચી છે. ત્યારે ઝડપથી પગલાં લેવાના બદલે રાજ્ય સરકાર ગોથે ચડી હોય તેમ દરરોજ નવા નવા આદેશો સામે આવી રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં યોજાયેલી બેઠક બાદ કૃષિમંત્રીએ સાત દિવસમાં ખેતીના પાકનો નુકસાનીનો સરવે કરવાની જાહેરાત કરી હતી. જેના બીજા દિવસે જ કૃષિ મંત્રાલયે બહાર પાડેલા પરિપત્રમાં 20 દિવસમાં પાક નુકસાનીનો સરવે કરવાની સૂચના આપવામાં આવી હતી.
જોકે, હવે જિલ્લા કલેક્ટર અને ડીડીઓને ત્રણ દિવસમાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને સમીક્ષા સાથેનો અહેવાલ સરકારને મોકલી આપવાની સૂચના આપી હતી. તેમજ આ કામગીરીને પ્રાથમિકતા આપવાની પણ તાકીદ કરી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ પણ જે તે વિસ્તારમાંથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને ખેતીના પાકોમાં થયેલી નુકસાની અંગેની વિગતો પૂરી પાડી હતી.








