સુરત સહિત રાજ્યની પાંચ મહાનગરપાલિકામાં ગણેશોત્સવ આયોજકો માટે રાજ્ય સરકારે જાહેર કરી સ્પર્ધા, પાંચ લાખ સુધીના ઈનામ અપાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ganeshotsav 2025 : સુરત શહેરમાં આગામી દિવસોમાં ગણેશોત્સવનું આયોજન થઈ રહ્યું છે ત્યારે હવે છેલ્લી ઘડીએ ગુજરાત સરકારે સુરત સહિત રાજ્યના પાંચ મહાનગરપાલિકા વિસ્તારમાં સ્પર્ધા જાહેર કરી છે. આ સ્પર્ધામાં પહેલા ત્રણ નંબર આવનારા આયોજકોને પાંચ લાખ રૂપિયા સુધીના ઈનામ અપાશે અને એક-એક લાખના પાંચ પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે. જોકે, આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સરકારે પાંચ ક્રાઈટેરિયા જાહેર કર્યા છે તેવા આયોજકો ભાગ લઈ શકશે અને આગામી દિવસોમાં પાલિકા આ માટે ફોર્મ બહાર પાડશે અને પછી પાલિકા-પોલીસ અને અન્ય વિભાગ સંયુક્ત રીતે આયોજકોના ગણેશ મંડપની મુલાકાત લઈ પરિણામ જાહેર કરશે.
સુરત સહિત રાજ્યની મોટી મહાનગરપાલિકા વિસ્તારમાં યોજાતા ગણેશોત્સવને પર્યાવરણ, સામાજિક સંદેશા, ઓપરેશન સિંદુર અને સ્વદેશી મુદ્દાને જોડીને ગુજરાત સરકારે ગણેશ આયોજકો વચ્ચે એક સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ અંગે વધુ માહિતી આપતાં મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગણેશ ઉત્સવ વધુ સારી રીતે અને પર્યાવરણની જાળવણી સાથે સામાજિક સંદેશો આપતા હોય તેવા ગણેશ આયોજકો વચ્ચે સ્પર્ધા જાહેર કરી છે. સુરતમાં જુદી-જુદી થીમ પર બેસ્ટ ગણેશ મંડળ હશે તેને ઈનામ આપવામાં આવશે. આ માટે સરકારે ગાઈડ લાઈન પણ જાહેર કરી છે જેમાં સૌથી પહેલું તો મંડપમાં ગણેશજીની પ્રતિમા ઈકો ફ્રેન્ડલી હશે તે આયોજકો સ્પર્ધાના ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત મંડપ ડેકોરેશન સાથે ક્યા પ્રકારનો સોશિયલ મેસેજ ગણેશ આયોજકો દ્વારા આપવામાં આવ્યો છે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત હાલમાં ભારતીય સેના દ્વારા સફળતાથી પાર પાડેલા ઓપરેશન સિંદુરની થીમ હશે તે પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ ઉપરાંત ગણેશ આયોજકો દ્વારા મેક ઈન ઈન્ડિયા એટલે કે સ્વદેશી અપનાવોની થીમ રહેશે તે પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ તમામ ક્રાઈટેરિયાના આધારે સ્પર્ધા થશે તેનું નિરીક્ષણ સુરત મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને અન્ય વિભાગોની જોઈન્ટ કમિટી બનાવવામાં આવશે તેઓ વિજેતા જાહેર કરશે. મ્યુનિ. કમિશનરે વધુમાં વધુ ગણેશ મંડળો આ સ્પર્ધામાં ભાગ લે તેવી અપીલ કરી છે.
આ ઉપરાંત તેઓએ એવું જણાવ્યું છે કે પહેલા ક્રમે આવનારા આયોજકોને પાંચ લાખ, બીજા ક્રમે આવનારા આયોજકોને ત્રણ લાખ અને ત્રીજા ક્રમે આવનારા આયોજકોને દોઢ લાખનું ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત પાંચ ગણેશ આયોજકોને એક એક લાખના પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. આ માટે પાલિકા તંત્ર આગામી દિવસોમાં ફોર્મ જાહેર કરશે. સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈનમાં જે ગણેશ આયોજકો આવતા હોય તેઓએ ફોર્મ ભરી પાલિકાને આપવાના રહેશે.









