Get The App

ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સ્થગિત, SIRને પગલે સરકારનો નિર્ણય

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સ્થગિત, SIRને પગલે સરકારનો નિર્ણય 1 - image


Gujarat Cooperative Society Elections 2026 : રાજ્યમાં ચાલી રહેલી 'SIR' (Special Intensive Revision ) ની મહત્ત્વની કામગીરીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને લઈને એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ નિર્દિષ્ટ સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીઓ આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં SIRની અત્યંત મહત્ત્વની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં મહેસૂલી તંત્ર વ્યસ્ત હોવાથી સહકારી મંડળીઓની ચૂંટણીનું આયોજન કરવું હાલના તબક્કે મુશ્કેલ છે. આથી, વહીવટી સરળતા ખાતર આ નિર્ણય લેવામાં આવ્યો છે.


જાહેરનામાની મુખ્ય વિગતો

મુક્તિનો ગાળો: જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી આગામી 6 મહિના સુધી.

કાયદાકીય જોગવાઈ: ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-1961ની કલમ-161 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, કલમ-74(ગ) અને કલમ-145(ક) થી (વ) ની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોને લાગુ પડશે?: એવી તમામ નિર્દિષ્ટ સહકારી મંડળીઓ જેની ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલુ છે અથવા આગામી સમયમાં યોજાવાની હતી.

આ પણ વાંચો: ખંભાતના દરિયામાં ગેસની શોધ થઈ, ભારતના ઓફશોર ડેવલપમેન્ટમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ

કોને આ મુક્તિ લાગુ પડશે નહીં?

જે સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયા કોઈ ન્યાયિક હુકમ અથવા કોર્ટના ચુકાદા અંતર્ગત હાથ ધરવામાં આવી રહી હોય, તેવી મંડળીઓને આ મુક્તિ લાગુ પડશે નહીં. એટલે કે, ન્યાયિક આદેશ વાળી ચૂંટણીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આ નિર્ણયથી રાજ્યના સહકારી માળખામાં અને ચૂંટણીની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં મોટી અસર જોવા મળશે. મહેસૂલી તંત્ર હવે સંપૂર્ણપણે SIR ની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.