ગુજરાત સરકારે ફરી કરી 'ફરિયાદ', કહ્યું - સાંસદ, મંત્રી અને ધારાસભ્યોનું માન જળવાતું નથી...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AI IMAGE |
Gandhinagar News : ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં લોકપ્રતિનિધિઓના સન્માનને લઈને ફરી એકવાર વિવાદ અને ચર્ચા જાગી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એક અત્યંત મહત્ત્વનો પરિપત્ર બહાર પાડીને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, જો સંસદસભ્યો, મંત્રીઓ કે ધારાસભ્યોના માન-સન્માનમાં કોઈ ચૂક થશે, તો તેને ગંભીર ગણીને કડક પગલાં લેવામાં આવશે.
કેમ પડ્યો પરિપત્રનો ફાળો?
સરકારના ધ્યાને આવ્યું કે, અગાઉ વર્ષ 2018 અને 2021માં આ બાબતે અનેક સૂચનાઓ આપવા છતાં, અમુક અધિકારીઓ લોકપ્રતિનિધિઓ સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરતા નથી. જાહેર હિસાબ સમિતિએ પણ આ બાબતે ગંભીર નોંધ લીધી હતી કે સરકારી કાર્યક્રમોમાં લોકપ્રતિનિધિઓની અવગણના કરવામાં આવે છે અથવા તેમને યોગ્ય પ્રોટોકોલ મળતો નથી.
આ બાબતોનો ખ્યાલ રાખવા આદેશ
* મંત્રીઓના જિલ્લા પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેમને ગરિમાપૂર્ણ આવકાર આપવો.
* જિલ્લા તંત્ર દ્વારા સરકારી કાર્યક્રમોના આયોજન વખતે જે-તે જિલ્લાના પ્રભારી મંત્રીને સંકલનમાં રાખીને કાર્યક્રમોનું આયોજન કરવું.
* જનપ્રતિનિધિઓની જાહેર કાર્યક્રમમાં તેમજ સરકારી કચેરીઓની મુલાકાત દરમિયાન સરકારી અધિકારીઓએ તેમનું માન જળવાય અને વિવેકપૂર્ણ વ્યવહાર થાય તે અંગે ખાસ ધ્યાન રાખવું. તેમને રાહ જોવડાવ્યા વિના તુરત જ આવકારી, તેમની રજૂઆતો સાંભળવી / રજૂઆતો અંગે ચર્ચા કરવી. આ ઉપરાંત, વંચાણે લીધેલ ક્રમાંક-01થી 04 પરના પરિપત્રોની સૂચનાઓનું આથી ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે. આ સૂચનાઓના ભંગની ફરિયાદ ગંભીર લેખાશે અને તે માટે જવાબદાર સામે નિયમોનુસાર પગલાં લેવામાં આવશે.
શિસ્તભંગના પગલાંની ચીમકી
સામાન્ય વહીવટ વિભાગે આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે, જો ભવિષ્યમાં આ સૂચનાઓના ભંગની કોઈ ફરિયાદ આવશે, તો તેને સેવામાં ગંભીર બેદરકારી ગણવામાં આવશે. જવાબદાર અધિકારી કે કર્મચારી સામે નિયમોનુસાર શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.








